મંત્રી મુળુંભાઈ બેરા, કુંવરજીભાઇ બાવળિયા અને ભાનુબેન બાબરીયા સહિતના અગ્રણીઓ મેળો ખુલ્લો મુકશે: 27મીએ ધર્મસભા યોજાશે, ગૃહમંત્રી હર્ષ સંઘવી આપશે હાજરી
ઘેલા સોમનાથમાં આખો શ્રાવણ માસ મેળો ચાલશે. જેનો 17મીથી ભવ્ય પ્રારંભ થશે.મંત્રી મુળુંભાઈ બેરા, કુંવરજીભાઇ બાવળિયા અને ભાનુબેન બાબરીયા સહિતના અગ્રણીઓ મેળો ખુલ્લો મુકશે. બાદમાં 27મીએ ધર્મસભા યોજાશે. જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજરી આપશે. અહીં દર સોમવારે ઘેલા સોમનાથ મહાદેવની શોભાયાત્રા યોજાશે. સાથે અહીં સંતવાણી, શિવ ધૂન, શિવ તાંડવ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. હાલ પ્રાંત અધિકારી રાજેશ આલના માર્ગદર્શન હેઠળ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.
સનાતન ધર્મમાં શ્રાવણ માસનું અનેરૂ મહત્વ છે. શ્રાવણ માસ એટલે ભોળાનાથની પૂજા અર્ચના કરવાનો પવિત્ર મહિનો. આ આખો મહિનો વીંછીયા તાલુકાના સોમ પીપળીયા ગામે આવેલ આસ્થાના કેન્દ્ર એવા ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે મેળો યોજાનાર છે. જેનો પ્રારંભ તા. 17થી સાંજે 5:30 કલાકે થવાનો છે. જેમાં મંત્રી મુળુંભાઈ બેરા, મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, મંત્રી ભાનુબેન બાબરીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોધરા, જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, સાંસદ રામભાઈ મોકરિયા, મોહનભાઇ કુંડારીયા, રમેશભાઈ ધડુક તેમજ ધારાસભ્ય ગીતાબા જાડેજા, જયેશભાઇ રાદડિયા, મહેન્દ્રભાઈ પાડલીયા, ઉદયભાઈ કાનગડ, દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
ત્યારબાદ દર સોમવારે ભગવાન ઘેલા સોમનાથને પ્રાચીન ઘેલો નદીમાં સ્નાન કરાવી અને ત્યારબાદ વિશેષ પૂજાનું તથા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આખો મહિનો અલગ અલગ દિવસોમાં સંતવાણી, શિવધુન, શિવ તાંડવ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તા.27ના રોજ સવારે 10;30 કલાકે સનાતન ધર્મના સંન્યાસીઓ અને મહંતોના સામૈયા તથા ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ખાસ હાજરી આપવાના છે. એક મહિના સુધી ચાલનાર આ મેળાની અમાસના રોજ પૂર્ણાહુતિ થનાર છે.
6 જેટલા લોકડાયરા યોજાશે, અનેક નામી-અનામી કલાકારો કરશે જમાવટ
ઘેલા સોમનાથ મહાદેવના મંદિરે પ્રથમ લોકડાયરો તા.17 ઓગસ્ટને ગુરુવારે રાત્રે 9 કલાકે યોજાશે. જેમાં દેવાયત ખવડ, લલિતાબેન ઘોડાદ્રા, જયદેવ ગોસાઈ, સાંઈરામ દવે જમાવટ કરશે. આવી જ રીતે તા.26 ઓગસ્ટને શનિવારે રાત્રે 9 કલાકે પ્રતાપ ગોરભા, દેવલ મહેતા, ડો.વર્ષાબેન મહેતા, તા.27 ઓગસ્ટને રવિવારે મનસુખભાઈ વસોયા, ધર્મીસ્ઠાબેન ભરવાડ, નથુદાન ગઢવી, તા.2 સપ્ટેમ્બરને શનિવારે રાત્રે 9 કલાકે હરદેવ આહીર, હાર્દિક પંડ્યા, તા.3 સપ્ટેમ્બરને રવિવારે જયદીપ મહારાજ, હાર્દિક મિયાત્રા, ધનજીભાઈ ભરવાડ અને તા.6 સપ્ટેમ્બર ને બુધવારે રાત્રે 9 કલાકે બિરજુ બારોટ, હકાભા ગઢવી, પુનમબેન ગોંડલીયા, પીયૂષભાઈ જોગદીયા જમાવટ કરશે.
ઘેલા સોમનાથ મંદિરનો ઇતિહાસ
સૌરાષ્ટ્ર મધ્યે જસદણ પંથકમાં સોમ પીપળીયા ગામની નજીક આવેલઘેલા સોમનાથ મહાદેવ મંદિર પૌરાણિક સ્થળ છે. આશરે 15 મી સદીની આસપાસ વેરાવળ પ્રભાસ પાટણ પાસે આવેલા સોમનાથ મંદિરને લુંટવા તથા તેનો નાશ કરવા આક્રાંતાઓ દ્વારા અવાર નવાર આક્રમણો થયા હતા. તે સમયે જુનાગઢનાં રાજાની કુંવરી મીનળદેવી કે જેઓ પરમ શિવભકત હતા અને તેમણે આક્રાંતાઓનાં આક્રમણથી ભગવાન ભોળાનાથની શિવલીંગનું રક્ષણ કરવા માટે ઘેલા નામના વાણીયાની મદદથી શિવલીંગને પાલખીમાં લઇને વેરાવળ સોમનાથથી આશરે 250 કી.મી. દૂર જસદણ તાલુકાનાં કાળાસર અને મોઢુકા ગામની વચ્ચે આવેલ ઘેલો નદીના કિનારે શિવલીંગની પુન: સ્થાપના કરી હતી. આ શિવલીંગની સ્થાપના કરવા માટે ઘેલા વાણીયા તથા તેમના અનેક સાથીઓ દ્વારા શહીદી વ્હોરીને શિવલીંગનું રક્ષણ કરવામાં આવેલુ હતું.આમ ત્યારથી ઘેલો નદિ કિનારે આવેલ આ પૌરાણિક મહાદેવ મંદિરને ઘેલા સોમનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે.
મોરબી સિરામિક એસો.ના સૌજન્યથી 27મીથી શિવકથા યોજાશે
ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે મોરબી સિરામીક એસોસિએશનના સહયોગથી 27 ઓગસ્ટ થી શિવ કથા યોજાશે. જેમાં વક્તા તરીકે પ્રકાશગીરી બાપુ રહેશે. તા.27 ઓગસ્ટના રોજ પોથીયાત્રા યોજી કથાબો પ્રારંભ કરવામા આવશે. ત્યારબાદ તા.29ઓગસ્ટે સતી પ્રાગટય, તા.31 ઓગસ્ટે શિવ વિવાહ, 1 સપ્ટેમ્બરે ગણેશ પ્રાગટય, 2 સપ્ટેમ્બરે કૃષ્ણ પ્રાગટય-નંદ મહોત્સવ, તા.4 સપ્ટેમ્બરે દ્રવાદશ જ્યોર્તિલિંગ કથા -પાર્થેશ્વર પૂજન અને કથા વિરામ થશે. કથાનો સમય સાંજે 4થી 7નો રહેશે.
6 સપ્ટેમ્બરે નાગા સાધુઓની રવેડી નીકળશે
ઘેલા સોમનાથના આ મહોત્સવમાં 6 સપ્ટેમ્બરને બુધવારના રોજ સાંજે 4 કલાકે નાગા સન્યાસીઓની રવેડી યોજાનાર છે. પવિત્ર શ્રાવણ માસ નિમિતે તપસ્વી નાગા સન્યાસીઓ ભગવાન ઘેલા સોમનાથની આરાધનામાં અંગ ભભૂતિ લગાવી રવેડી સ્વરૂપે ઘેલો નદીથી મંદિર સુધી પ્રસ્થાન કરી સંધ્યા આરતીમાં જોડાશે.
6 સપ્ટેમ્બરે દાતાઓનો સન્માન સમારોહ: કલેકટર, ડીડીઓ અને એસપી આપશે હાજરી
ઘેલા સોમનાથ મંદિરે યોજાનાર મહોત્સવમાં યોગદાન આપનાર દાતાઓનો 6 સપ્ટેમ્બરના રોજ સાંજે 7:30 કલાકે સન્માન સમારોહ યોજવામાં આવશે. જેમાં મંત્રી રાઘવજીભાઈ પટેલ, મંત્રી કુંવરજીભાઇ બાવળિયા તેમજ કલેકટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી અને પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર ઉપસ્થિત રહેશે.