નોન આલ્કોહોલીક બીયર, પપૈયા સોસ, સીંગદાણા અને મીઠી ચટણીના નમૂના ફેઈલ જતા ચાર પેઢીને રૂ.૮૦ હજારનો દંડ
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ સ્થળોએથી ઘીના ૭ નમૂના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. અગાઉ લેવાયેલા ગોળ, દાળીયાની ચીકીનો નમૂનો નાપાસ જાહેર થયો છે. અન્ય ચાર નમૂના ફેઈલ જતાં એજ્યુડિકેશન કેસ અન્વયે ૪ પેઢીને રૂા.૮૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા ગોકુલધામ મેઈન રોડ પર પટેલ ઘી સેન્ટરમાંથીગાયનું લુઝ ઘી, ભાવનગર રોડ પર જય ભવાની ટ્રેડીંગમાંથી ભેંસનું લુઝ ઘી, રાધે ઘી સેન્ટરમાંથી ભેંસનું લુઝ ઘી, પેડક રોડ પર લુઝ દીવેલનું ઘી, આરટીઓ પાસે સોનિયા ટ્રેડર્સમાંથી લુઝ વન્સપતિ ઘી તથા કર્નલ પામ ઓઈલ અને ૧૫૦ ફૂટ રીંગ રોડ પર શ્રીનાજી ડેરીમાંથી લુઝ ઘીનો નમૂનો લઈ પિરક્ષણમાં મોકલવામાં આવ્યો છે.
શહેરના સહકાર સોસાયટી મેઈન રોડ પર ભક્તિ હોલની બાજુમાં સંતોષ સીઝન સ્ટોર્સમાંથી ગોળ, દાળીયાની ચીકીનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેના પેકેટ પર એફએસએસએઆઈ લોગો, લાયસન્સ નંબર, ન્યુટ્રીશન વેલ્યુ, મેન્યુફેકચરીંગ તારીખ દર્શાવેલ ન હોય નમૂનો પરિક્ષણમાં નાપાસ થયો છે. આ ઉપરાંત અગાઉ વાણીયાવાડી મેઈન રોડ પર શિવશક્તિ ટ્રેડર્સમાંથી એનેકેન લાગર બીયર નોન આલ્કોહોલીક ફી, જવાહર રોડ પર જોકર ગાઠીયામાં લુઝ પૈપયા સોસ, યુનિ. રોડ પર મારૂતિ સોપીંગમાંથી લુઝ સીંગદાણા અને કાલાવડ રોડ પર શ્રી ગુરુકુપા ભેળમાં ચટણીના નમૂના લેવાયા હતા અને જે મીસ બ્રાન્ડેડ અને સબ સ્ટાર્ન્ડડ જાહેર તથા ચારેય પેઢી પાસેથી દંડ પેટે રૂા.૮૦ હજાર વસુલ કરવામાં આવ્યા છે.