લીઝ રીન્યુ કરવામાં મોટું કૌભાંડની શંકા: તપાસની ગ્રામજનોની માંગ
રાજુલા તાલુકામાં આવેલ જી.એચ.સી.એલ. કંપનીએ જાણે કે આખો ય તાલુકો ખરીદી લીધો હોય તે રીતે ભેરાઇ, પીપાવાવ, કથીવદર, ખેરા, ચાંચબંદર વિસ્તારોમાં હજારો એકર જમીનમાં ખારા પાણીના તળાવો ભરી રાખીને મીઠાનું ઉત્પાદન હજારો ટનમાં કરે છે અને કરોડો રૂપિયાની કમાણી રાજુલા તાલુકામાંથી કરી રહેલ હોવાનું જાણવા મળેલ છે. આ જી.એચ.સી.એલ. કંપની દ્વારા જે ખારા પાણીના તળાવો ભરી રાખવામાં આવે છે તેના કારણે આજુબાજુના તમામ ગામોના તળના પાણી ખારા થઇ ગયા છે.
જયારે બીજી બાજુ હજારો એકર જમીમાં જીએચસીએલ દ્વારા મીઠાનું ઉત્પાદન કરવામાં આવે તે ત્યારે આજથી થોડા વર્ષો પહેલા ખુબ જ પ્રમાણમાં રોજગારી મળતી હતી પરંતુ છેલ્લા વર્ષોમાં જીએચસીએલ કંપની દ્વારા આધુનિકતાના સોહામણા નામ તળે ઓછામાં ઓછા ૧૦ હજાર લોકોની રોજગારી છીનવી લઇને મોટા માથાઓ સાથે કોન્ટ્રાકટરોની સાંઠગાઠ કરીને તેમજ સરકારી બાબુઓ મલાઇ આપીને પોતાની મનમાની કરીને જેસીબી અને ટ્રેકટરો અને મોટા મહાકાય મશીનો દ્વારા મીઠાનું ઉત્પાદન કરવામાં આવતા આ વિસ્તારના અગરોમાં કામ કરતા અગરીયાઓને રોજગારી મેળવવા માટે છેક ભરૂચ, દહેજ તેમજ કચ્છના વિસ્તારોમાં જવુ પડે છે. જે અંગેની રજુઆતો મામલતદાર કચેરીમાં, નાયબ કલેકટરમાં અને સરકારમાં અનેકવાર કરવામાં આવેલ અને જે તે સમયે આ જીએચસીએલ કંપનીને શરત ભંગની નોટીસ પણ આપેલ હતી. પરંતુ નોટીસો આપ્યા બાદ બધુ જ ભીનુ સંકેલાઇ ગયું.
જો અવાર-નવાર ની રજુઆતોના કારણે જીએચસીએલ કંપની લીઝ ૨૦૧૩માં પુરી થઇ ગયેલ હતી જે ને જે તે સરકારના અધિકારીઓ દ્વારા ૨૦૧૮ સુધી અટકાવી દેવામાં આવેલ પરંતુ ૨૦૧૮ માં જીએચસીએલ કંપની સામે ગેરરીતી અને દબાણોની ફરીયાદ સાથે આંદોલન થતાં ગુજરાત સરકારના સરકારી બાબુઓ દ્વારા લીઝ કેન્સલ કરવાનો બેદલ ૩૦ વર્ષના ભાડા પટે લીઝ રીન્યુ કરી દીધી છે.
એક તરફ નાના ખેડુતો કે નાના માણસો થોડી અમથી ભુલ કરે તો આ સરકારના અધિકારીઓ દ્વારા કાયદાનો ડંડો ઉગામીને લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે. ત્યારે ૨૦૧૩ થી રીન્યુ નહી થયે આ જીએચસીએલ કંપની ની જમીન એવું તે શું થયું કે તાત્કાલીક ૩૦ વર્ષના પટ્ટે સરકારે રીન્યુ કરી દીધી કે પછી આમા કાંઇ સાચુ-ખોટું થયું છે? તેવો વેધક સવાલો લોકોમાંથી ઉઠી રહેલ છે. અને આમાં મોટુ કૌભાંડ હોવાનું અને આ સમગ્ર લીઝ રીન્યુ પ્રકરણ તપાસ કરવામાં આવે તેવી માંગ પણ લોકોમાંથી ઉઠેલ છે.