લાલબહાદુર સોસાયટીમાં વારંવાર બાયોમેડીકલ વેસ્ટ ઠલવાતા હોવાની રહેવાસીઓની રાવના પગલે દોષિતોને દંડવાના બદલે સંચાલકોને નોટિસ ફટકારાતા લોકોમાં રોષ
જૂનાગઢની લાલ બહાદુર સોસાયટીમાં વારંવાર બાયોમેડિકલ વેસ્ટ ઠાલવવામાં આવતો હોવાની અને આ વિસ્તારમાં કુલ 28 જેટલી ખાનગી હોસ્પિટલો તેમજ લેબોરેટરી આવેલ હોવાથી આ વિસ્તારના લોકોએ પોતાની આરોગ્ય અંગેની મુખ્યમંત્રી સુધી ચિંતા વ્યકત કરી હોવાના કારણે સફાઇ, સ્વચ્છતા અને લોકોના આરોગ્ય માટેની ખેવના માટે હંમેશા ઊંઘમાં રહેતા પદાધિકારીઓ અને અધિકારીઓની કુંભ કર્ણ નીંદર ભંગ થયો હોય તેમ પાડાના વાંકે પખાલીને ડામ ની જેમ દોષિતોને શોધવાને બદલે એકાએક 28 સંચાલકોને એકી સાથે નોટિસ ફટકારી દીધી છે. જેને લઇને આ વિસ્તારના લોકોમાં રોષ પ્રગટ્યો છે અને જે તબીબો તથા લેબોરેટરી સંચાલકો આવું કૃત્ય નથી કરતા તેમને પણ નોટીસ પાઠવાતા નારાજગી પ્રસરી છે.
મનપાની પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્વારા શ્રીજી ઓર્થોપેડિક હોસ્પિટલ, ડો. સંજય કુબાવતની હોસ્પિટલ, ડો. મલ્હાર માદરિયાની હોસ્પિટલ, હેલ્થ પ્લસ હોસ્પિટલ, મારુતિ લેબોરેટરી, યશ હોસ્પિટલ, કે. જે. નિદાન કેન્દ્ર, લાઇફ કેર હોસ્પિટલ, ડો. સર્જીકલ હોસ્પિટલ, આસ્થા હોસ્પિટલ, સેન્ટ્રલ ઓર્થો કેર હોસ્પિટલ, અવધ હોસ્પિટલ, પ્રાઈમ હોસ્પીટલ, શ્રી લેબોરેટરી, ડો. ત્રાડા હોસ્પિટલ, તીર્થ લેબોરેટરી, નિલકંઠ લેબોરેટરી, સુદર્શન હોસ્પિટલ, ડો. અમિત વ્યાસ, અમૃત ઓથોપેડીક હોસ્પિટલ, ઠુંમર મેટરનીટી હોમ, ડો. હરેશ ચુગડિયા, ડો. યોગેશ ઠક્કર, ડો. ભારત કે વોરા, ડો. એમ.પી. વઘાસીયા તથા ડો. પ્રશાંત પોપટને બાયો મેડિકલ વેસ્ટ ફેકતા જણાશે તો તેની વિરુદ્ધ હેલ્થ બાયોલોઝની કલમ 50(1)(9) મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે. તેવી નોટિસ ફટકારી દેવામાં આવી છે.
આ અખબારી યાદીમાં જુનાગઢની જનતાને કોઈ જાહેર રસ્તામાં બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ કરતાં હોવાની જાણ થાય તો સેનીટેશન શાખા ઓફિસ નંબર 108 માં જાણ કરવા જણાવવામાં આવ્યું છે, અન્યથા સીસીટીવી ફુટેજમાં ચેક કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવશે અને દોષિતો સામે જનતાના જાહેર હિતમાં સખ્ત પગલાં લેવા અધિકારીઓને મેયર ધીરુભાઈ ગોહિલ તરફથી સૂચના આપવામાં આવી હોવાનું જણાવાયું છે.
જો કે, જૂનાગઢની લાલ બહાદુર સોસાયટીમાં વારંવાર બાયોમેડિકલ વેસ્ટ ઠાલવવામાં આવતો હોવાની અને આ વિસ્તારમાં કુલ 28 જેટલી ખાનગી હોસ્પિટલો તેમજ લેબોરેટરી આવેલ હોવાથી આ વિસ્તારના લોકોએ પોતાની આરોગ્ય ચિંતા વારંવાર પ્રગટ કરી છે, ત્યારે મનપા દ્વારા માત્ર નોટિસો પાઠવી સંતોષ માની લેવામાં આવ્યો છે, પરંતુ સીસી ટીવી કેમેરા કે ઠાળવાયેલેલા વેસ્ટ ઉપરથી દોષિતોને પકડવાની કાર્યવાહી કરવામાં આવી નથી, માત્ર વાતોના વડા કરતી આ કાર્યવાહીથી આ વિસ્તારના લોકોમાં રોષ પ્રગટ્યો છે અને જે તબીબો તથા લેબોરેટરી સંચાલકો આવું કૃત્ય નથી કરતા તેમને પણ નોટીસ પાઠવાતા નારાજગી પ્રસરી છે.