હાથ ઊંછીના આપેલા પૈસા પરત માંગી બે શખ્સોએ ધોકા પાઈપ વડે માર મારતા નોંધાતો ગુનો
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ અનેક મારામારીના બનાવો બની રહ્યા છે.ત્યારે વધુ એક ઘટના સામે આવી છે.જેમાં ઘંટેશ્વર નજીક દંપતી પર બે શખ્સોએ પૈસાની ઉઘરાણીના પ્રશ્ન ધોકા અને પાઇપ વડે માર મારતા યુવકને ઈજા પહોંચી હતી.જ્યારે આ મામલે પોલીસે દંપતીની ફરિયાદ પરથી બંને શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
વિગતો મુજબ નવા દોઢસો ફૂટ રીંગ રોડ પર પર રહેતા અને ડ્રાઇવિંગનું કામકાજ કરતા સંજયભાઈ ભીખાભાઈ શિયાળએ પોતાની ફરિયાદમાં આરોપીઓમાં વિજય ભીખુ કેશવાલા રહે. (ઘંટેશ્વર 25 વાર ક્વાટર) અને વનરાજભાઈ ભગુભાઈ રાઠોડ રહે. ઘંટેશ્વર 25 વારીયા કવાટર નાઓના નામ આપ્યા હતા. જેમાં તેને જણાવ્યું હતું કે, તેને વિજય પાસેથી રૂપિયા 30,000 હાથ ઉછીના લીધા હતા જેમાંથી તેને 22,000 પરત આપી દીધા હતા પરંતુ બાકીના રૂ.8,000 ની ઉઘરાણી કરવા માટે વિજય તેના ઘરે જઈ ઝગડો કર્યો હતો.
જેથી સંજયભાઈ તેમના પત્ની દિવ્યાબેન સાથે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશને જતા હતા ત્યારે ઘંટેશ્વર નજીક વિજય અને વનરાજે તેમને રોકી ફરિયાદ બાબતે ઝગડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમના પર ધોકા અને પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો જેમાં સંજયભાઈ ને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેથી પોલીસે વિજય અને વનરાજ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.