મિલકતના પ્રશ્ને ત્રણેક વર્ષથી ચાલતા વિવાદના કારણે કાકા વિઘ્નરૂપ ન બને તે માટે પોલીસમાં લેખિત અરજી આપી’તી: સામસામે હુમલામાં ત્રણ મહિલા સહિત પાંચ ઘવાયા: કોર્પોરેટર અનિલ રાઠોડ સહિત ચારની ધરપકડ
શહેરના સામાકાંઠા વિસ્તારના વોર્ડ નંબર ૫ના ભાજપના કોર્પોરેટર અનિલ રાઠોડે પોતાના બે ભત્રીજાના લગ્નમાં પોતાના ત્રણ પુત્ર સાથે છરી અને ધોકા સાથે ધસી જઇ મિલકતના પ્રશ્ને બઘડાટી બોલાવ્યાની ચોકાવનારી ઘટનાથી સનસનાટી મચી ગઇ છે. થોરાળા પોલીસે ભાજપના કોર્પોરેટર અનિલ રાઠોડ સહિત ચારની ધરપકડ કરી છે. બઘડાટીમાં બંને પક્ષે ત્રણ મહિલા સહિત પાંચ ઘવાયાનું પોલીસમાં નોંધાયું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સિલ્વરનેસ્ટ સોસાયટીમાં રહેતા પ્રતિક દિનેશભાઇ રાઠોડ અને પ્રતિક મહેશભાઇ રાઠોડના લગ્ન હોવાથી સિલ્વરનેસ્ટ સોસાયટી શેરી નંબર ૪માં મંડપ મુર્હતનો પ્રસંગ ચાલતો હતો ત્યારે કોર્પોરેટર અનિલ રાઠોડ, તેના પુત્ર પારસ, રાજ, કરણ છરી અને ધોકા સાથે ઘસી આવ્યા હતા અને પિન્ટુ કવાભાઇ રાઠોડ, ધનલક્ષ્મીબેન મહેશભાઇ રાઠોડ, કિરણબેન આશિષભાઇ મેવાડા અને પ્રતિક મહેશભાઇ રાઠોડ પર હુમલો કરતા પિન્ટુભાઇ રાઠોડને કાનમાં ઇજા થતા સારવાર માટે દાખલ કરાયા છે. જ્યારે સામા પક્ષે મિરાબેન અનિલભાઇ રાઠોડ ઘવાયા હતા.
ભાજપના પુર્વ કોર્પોરેટર સ્વ.કે.ડી.રાઠોડના પરિવાર વચ્ચે છેલ્લા ત્રણેક વર્ષથી ગોવિંદબાગ પાસેના કોમ્પ્લેક્ષની મિલકતના પ્રશ્ને માથાકૂટ થઇ હોવાથી પિન્ટુ રાઠોડ, દિનેશભાઇ રાઠોડ અને મહેશભાઇ રાઠોડના પરિવારે પોતાના જ ભાઇ અનિલ રાઠોડ સાથે સંબંધ તોડી નાખ્યા હતા અને પ્રતિક રાઠોડના લગ્ન પ્રસંગ માટે છપાયેલી કંકોત્રીમાં નિમંત્રકની યાદીમાં કોર્પોરેટર અનિલ રાઠોડનું નામ પણ લખવામાં આવ્યું ન હતું. તેમજ લગ્ન પ્રસંગ દરમિયાન અનિલ રાઠોડ માથાકૂટ કરે તેવી દહેશત હોવાથી ચારેક માસ પહેલાં ધનલક્ષ્મીબેને પોલીસમાં અરજી આપી હોવાનું જાણવા મળે છે.
સવારે મંડપ મુર્હત દરમિયાન જ છરી અને ધોકા સાથે ઘસી આવેલા કોર્પોરેટર અનિલ રાઠોડ માથાકૂટ શરૂ કરતા પિન્ટુ રાઠોડે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી જાણ કરતા થોરાળા પોલીસ મથકના પી.આઇ. એસ.એન.ગડુ સહિતના સ્ટાફ સિલ્વરનેસ્ટ સોસાયટીમાં દોડી ગયા હતા અને કોર્પોરેટર અનિલ રાઠોડ સહિત ચારની અટકાયત કરી પૂછપરછ હાથધરી છે.
પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથધરી છે. અને ફરી માથાકૂટ ન થાય તે માટે સિલ્વરનેસ્ટ સોસાયટીમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અનિલ રાઠોડે ત્રણેક વર્ષ પહેલાં ૧૫ ઓગસ્ટ નિમિતે સ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન ભાજપના મહિલા કોર્પોરેટર જયશ્રીબેન ડોડીયા અને તેમના પતિ કિરીટભાઇ ડોડીયા પર પણ હુમલો કર્યા સહિતના અનેક ગુના નોંધાયાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.