સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં નક્કી કરાયેલા નિયમો હવે વિધાનસભા-લોકસભામાં લાગુ નહી કરાય: વડીલો પણ ચૂંટણી લડી શકશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા કેટલાંક આકરા નિયમો બનાવવામાં આવ્યા હતા. જેમાં યુવાનોને તક આપવા માટે 60 વર્ષ કે તેથી વધુની વય ધરાવતા કોઈ કાર્યકરને ટિકિટ નહીં આપવાનો કડક નિયમ બનાવાયો હતો. જેનાથી ચૂંટણી પરિણામ પર કોઈ અસર ન પડી પરંતુ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા કેટલાક પીઢ આગેવાનો નારાજ થઈ ગયા અને પક્ષથી ધીમે-ધીમે દૂર થવા લાગ્યા. કોરોનાકાળ વચ્ચે સતત વધતી મોંઘવારીથી જનતામાં થોડો-ઘણો રોષ જોવા મળી રહ્યો છે.
જનતાના રોષને ખાળવા માટે ગુજરાતમાં ભાજપના પાંચ સાંસદો કે જે કેન્દ્રીય મંત્રી મંડળના સભ્યો છે તેના દ્વારા જન આશિર્વાદ યાત્રા કાઢવામાં આવી હતી. જેને ધાર્યો પ્રતિસાદ મળ્યો નથી. વિધાનસભાની ચૂંટણીને આડે હવે સવા વર્ષનો સમયગાળો બચ્યો છે ત્યારે અમરેલી ખાતે એક કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખે એવું નિવેદન આપ્યું હતું કે, ધારાસભ્ય અને લોકસભાની ચૂંટણીમાં ટિકિટ આપવા માટે 60 વર્ષની વય મર્યાદાનો નિયમ લાગુ કરવામાં આવશે નહીં. પાટીલના આ નિવેદન બાદ કેટલાંક જૂના જોગી ફરી પાર્ટી લાઈનમાં ગોઠવાઈ ગયા છે.
મહાપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીને માટે પાટીલ પોલીસી અમલમાં મુકવામાં આવી હતી. જેમાં 60 વર્ષ કે તેથી વધુની ઉંમર ધરાવતા કોઈ આગેવાનોને ટિકિટ ન આપવી સતત ત્રણ ટર્મ કે તેથી વધુ સમયથી ચૂંટાતા નેતાને ટિકિટ ન આપવી અને પ્રદેશમાં સંગઠનમાં સ્થાન ધરાવતા આગેવાનો કે તેઓના સગા સંબંધીને ટિકિટ ન આપવી. આ આકરા નિયમોથી વર્ષોથી પાર્ટીમાં કાળી મજૂરી કરનારા માટે જ્યારે ચૂંટણી લડવાનો સમય આવ્યો ત્યારે નિયમોના કારણે ક્યાંય જતા ભારોભાર રોષ ફાટી નિકળ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં યુવા ચહેરાને પ્રતિનિધિત્વ આપવાના પાટીલના નિર્ણયને જાણે મતદારોએ આવકાર્યો હોય તેમ ભાજપની રેકોર્ડબ્રેક જીત થવા પામી હતી પરંતુ વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા કેટલાંક નેતાઓ કમળથી દૂર થઈ રહ્યાં હોય તેવું ખુદ મોવડી મંડળે મહેસુસ ર્ક્યું હતું.
વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં જો ઉમરનો નિયમ લાગુ કરવામાં આવે તો પરિણામ અને ત્યારબાદ સરકાર બને તો તેના પર “બિન અનુભવીઓ” અસર થાય તેવું લાગતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગઈકાલે અમરેલી ખાતે જિલ્લા ભાજપ સંચાલીત કેસરી સેવાયજ્ઞ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ એવું નિવેદન આપ્યું હતું કે, ધારાસભા અને લોકસભાની ચૂંટણીમાં 60 વર્ષથી વધુ વયના આગેવાનોને ટિકિટ આપવામાં નહીં આવે તે નિયમની અમલવારી કરવામાં આવશે નહીં. પ્રદેશ પ્રમુખના આવા નિવેદન બાદ કેટલાંક જૂના જોગીઓ ફરી પાર્ટી લાઈનમાં ગોઠવાઈ ગયા છે. વિધાનસભામાં પોતાનો ટર્ન લાગી શકે છે તેવો અહેસાસ થતાં ફરી શિસ્તમાં ગોઠવાઈ ગયા છે.
બીજી તરફ જે યુવા આગેવાનો વિધાનસભાની હોંશે-હોંશે તૈયારી કરવા લાગ્યા હતા. તેની મહેનત પર ક્યાંય પાણી ન ફરી જાય તેવી દહેશત ઉભી થવા પામી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ધારાસભા-લોકસભાની ચૂંટણી માટે ટિકિટ ફાળવણીમાં અલગ-અલગ નિયમોની અમલવારીથી કાર્યકરોમાં પણ ઝીણો-ઝીણો ગણગણાટ શરૂ થઈ ગયો છે. જો કે, હજુ વિધાનસભાની ચૂંટણી પૂર્વ પક્ષ અનેક નિયમોમાં ધરમુળથી ફેરફાર કરે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.
જન આશિર્વાદ યાત્રાને ધારી સફળતા ન મળતા ભાજપની ચિંતા વધી???
કેન્દ્રીય મંત્રી મંડળમાં ગુજરાતને રેકોર્ડબ્રેક પ્રતિનિધિત્વ છતાં જનતા-જનાર્દનને આકર્ષવામાં પક્ષ નિષ્ફળ
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલા કેન્દ્રીય મંત્રી મંડળના વિસ્તરણમાં 43 નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ મંત્રીઓને જનતા જર્નાદનના આશિર્વાદ લેવા આદેશ આપવામાં આવ્યો હતો. પ્રથમવાર કેન્દ્ર સરકારમાં ગુજરાતને રેકોર્ડબ્રેક પ્રતિનિધિત્વ મળ્યું છે. અગાઉ રાજ્ય કક્ષાના મંત્રી કે સ્વતંત્ર હવાલો સંભાળનારા પુરૂષોતમભાઈ રૂપાલા અને મનસુખભાઈ માંડવીયાને કેબીનેટ મંત્રીનું પ્રમોશન આપવામાં આવ્યું હતું. જ્યારે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, સુરેન્દ્રનગરના સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરા અને સુરતના સાંસદ દર્શનાબેન જરદોશને રાજ્ય કક્ષાના મંત્રી બનાવ્યા છે.
આ પાંચેય મંત્રીઓએ 15 થી 21 ઓગષ્ટ દરમિયાન ગુજરાતમાં જન આશિર્વાદ યાત્રા કાઢી હતી. જેને ધારી સફળતા મળી નથી. યાત્રામાં જન સમૂહ ચોક્કસ દેખાતો હતો પરંતુ મોટાભાગના ભાજપના કાર્યકર્તાઓ હતા. સામાન્ય જનતા યાત્રામાં સામેલ થઈ ન હતી. જેનાથી ભાજપની ચિંતા વધી જવા પામી છે. વિધાનસભાની ચૂંટણીના આડે હવે માત્ર સવા વર્ષથી પણ ઓછો સમય બચ્યો છે. ત્યારે જનતાનું પક્ષ પ્રત્યે આવું વલણ ભાજપને પોસાય તેમ નથી. જન આશિર્વાદ યાત્રા પૂર્ણ થયાના 48 કલાકમાં સી.આર.પાટીલ દ્વારા જે રીતે ધારાસભા-લોકસભા વય મર્યાદાનો નિયમ લાગુ કરાશે નહીં જે ઘણું જ સુચક માનવામાં આવે છે.