બગસરા નજીકથી જૂનાગઢ એલસીબીએ છ શખ્સોને ઝડપી લીધા: રૂ.4.23 લાખનો મુદામાલ કબ્જે

અબતક,દર્શન જોશી,જૂનાગઢ

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ઘરફોડ ચોરીઓ કરતી ગીર સોમનાથ જિલ્લાની કુખ્યાત ધાંટવડ ગેંગના 6 શખ્સોને બગસરા પંથક માથી દબોચી લઈ, 47  અનડીટેકટ ગુન્હાઓના ભેદ ઉકેલી નાખતાની સાથે રૂ. 4.23 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એચ.આઇ.ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા, એ.ડી. વાળા તથા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફ જિલ્લામાં બનતા ઘરફોડ ચોરીના અનડીટેક્ટ ગુન્હાને અંજામ આપનાર આરોપીને પકડી પાડવા અને આવા આરોપીઓને શોધી કાઢવા પ્રયતનશીલ હતા. તે દરમ્યાન ખાનગી રાહે ચોક્ક્સ બાતમી મળેલ કે, ગીર સોમનાથ જીલ્લાની ઘાટવડ ગેંગના માણસો જૂનાગઢ જીલ્લા અને આજુ-બાજુના જીલ્લામાં દિવસ દરમ્યાન ઘરફોડ ચોરીઓ કરે છે. અને આ ઘાટવડ ગેંગના અમુક ઇસમો હાલ અમરેલી જીલ્લાના બગસરા ગામે છુપાયેલ છે.

આ હકિકત આધારે તુરત જ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ બગસરા ખાતે પહોંચી હતી અને તપાસ કરતા બગસરા ચોકડી નજીક આવેલ પેટ્રોલ પંપ પાછળથી બાવળની કાંટમાંથી 6 ઇસમો મળી આવતા અને પ્રાથમીક પુછપરછ બાદ પોલીસ કોપ એપ્લીકેશન મારફતે પકડાયેલ ઇસમોના નામ વેરીફાઇ કરતા પકડાયેલ ઇસમો વિરૂધ્ધ અગાઉ પણ ઘરફોડ ચોરીના ગુન્હાઓ નોંધાયેલ હોવાની જાણ થતા તેમજ આ ઇસમો પૈકી કોડીનાર તાલુકાના ઘાટવડના આતિષ ઉર્ફે વિશાલ બહાદુરભાઇ ઉર્ફે બદર છોટૂભાઇ રાઠોડ મારવાડી તથા અરૂણ ધમાભાઇ સોનીયાભાઇ ચૌહાણ  મેંદરડા પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે નાસતા ફરતા છે. તેમજ હિતેશ દીલીપભાઇ સોનીયાભાઇ ચૌહાણ ગીર સોમનાથ જિલ્લાના ઉના પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હામાં નાસતા ફરતા છે તેવું સામે આવતા દબોચી લેવાયેલા 6 ઇસમોને વધુ પુછપરછ માટે તેઓને રાઉન્ડઅપ કરી, જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા હતા.

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવેલ  ઘાટવડ ગેંગના આતિષ ઉર્ફે વિશાલ બહાદુરભાઇ ઉર્ફે બદરુ છોટૂભાઇ રાઠોડ, કિશનસિંહ નવલસીહ છોટૂભાઇ રાઠોડ, રાહુલ બહાદુરભાઇ ઉર્ફે બદરુ છોટુભાઇ રાઠોડ, કવરસિંહ નવલસિંહ છોટુભાઇ રાઠોડ, અરૂણ ધમાભાઇ સોનીયાભાઇ ચૌહાણ અને હિતેશ દીલીપભાઇ સોનીયાભાઇ ચૌહાણની પુછપરછ કરતા તેઓ કોઇ હકિકત જણાવતા ન હોય. જેથી ઉપરોક્ત ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તેઓએ જૂનાગઢ જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચોરી કરેલાની હકિકત જણાવતા. જૂનાગઢ જિલ્લાની કુલ 9 તથા રાજકોટ જિલ્લાના ગોંડલ પો.સ્ટે.-1 તથા અન્ય  કુલ 37 ચોરીઓ કરેલ હોવાંની કબૂલાત આપી હતી.

દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે આ ઇસમોએ અલગ-અલગ ગુનાના કામે ચોરી કરેલ સોના-ચાંદીનો મુદ્દામાલ તેઓએ રાજકોટ, ચોટીલા તથા વેરાવળ ખાતે અલગ-અલગ સોનીને વેચેલ હોવાની હકિકત જણાવતા  કુલ રૂ. 4,23,026 નો મુદ્દામાલ પણ  ક્રાઈમ બ્રાન્ચે કબ્જે કર્યો હતો. તથા ઘાટવડ ગેંગના 6 શખ્સોને આગળની કાર્યવાહી અર્થે જૂનાગઢ બી ડીવી પો.સ્ટે.ને સોંપી આપવામાં આવેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.