વૈકલ્પિક વ્યવસ્થાનાં ભાગરૂપે ચારેય ગામોને જુદા-જુદા વોર્ડમાં સમાવાયા, હવે ગ્રામજનોએ વોર્ડ ઓફિસમાં પ્રશ્ર્નો તેમજ ફરિયાદો કરવાની રહેશે: સીમાંકન બાદ નવા વોર્ડ જાહેર કરાશે
રાજકોટ મહાપાલિકાની હદમાં ચાર ગામોનો સમાવેશ કરવા માટે ગુરુવારે રાજય સરકાર દ્વારા મંજુરી આપવામાં આવ્યા બાદ આજે વૈકલ્પિક વ્યવસ્થાનાં ભાગરૂપે આ ચારેય ગામોનો શહેરનાં જુદા-જુદા વોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેમ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, માધાપર, ઘંટેશ્ર્વર, મુંજકા, મોટામવા તથા મનહરપુર-૧નો અમુક ભાગ રાજકોટ મહાપાલિકામાં સમાવેશ થયો છે. નવું સીમાંકન ફાઈનલ ન થાય ત્યાં સુધી આ ગામોનાં લોકોને વિવિધ સુવિધા આપવા તથા તેઓનાં પ્રશ્ર્નો ઉકેલવા માટે હાલ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જે અંતર્ગત ઘંટેશ્ર્વરનો સમાવેશ શહેરનાં વોર્ડ નં.૧માં કરવામાં આવ્યો છે. જયારે માધાપર અને મનહરપુર-૧નો સમાવેશ વોર્ડ નં.૨માં કરાયો છે. મુંજકાનો સમાવેશ વોર્ડ નં.૯માં કરવામાં આવ્યો છે. જયારે મોટામવાનો સમાવેશ વોર્ડ નં.૧૦માં કરવામાં આવ્યો છે.
જે ગામોનો જે વોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે ગામોનાં લોકો તે વોર્ડની વોર્ડ ઓફિસે જઈને પોતાનાં પ્રશ્ર્નો કે ફરિયાદો રજુ કરી શકશે. આ ફકત હંગામી વ્યવસ્થા છે. વોર્ડ વિભાજન બાદ કયાં ગામનો કયાં વોર્ડમાં સમાવેશ કરવાનો તેની જાહેરાત હવે પછી કરવામાં આવશે.