રાજકોટના ટીપી શાખાના આશિર્વાદથી શહેરના મોટા ભાગના વિસ્તારોમાં બેરોકટોક ગેરકાયદે બાંધકામોનો ધમધમાટ ચાલી રહ્યો છે. ખૂદ શાસક પક્ષ ભાજપના પૂર્વ કોર્પોરેટરે આ અંગે વિજીલન્સ તપાસની માંગ કરતો ધગધગતો લેટર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને લખતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આગામી દિવસોમાં આ ઘટનાના ઘેરા પડઘા પડે તેવી સંભાવના જણાય રહી છે.

પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાએ ધગધગતા આક્ષેપો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને લખ્યો પત્ર: વિજીલન્સ તપાસની માંગ

ભાજપના પૂર્વ કોર્પોરેટર અને માર્કેટ સમિતિના પૂર્વ ચેરમેન અનિલ મકવાણાએ ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને એક પત્ર લખ્યો છે. જેમાં રાજકોટમાં ચાલતા બેફામ ગેરકાયદે બાંધકામો અટકાવવાની માંગણી કરવામાં આવી છે. સાથોસાથ ટીપી શાખાની શંકાસ્પદ કામગીરી મામલે વિજીલન્સ તપાસની પણ માંગણી કરવામાં આવી છે.

તેઓએ આ પત્રમાં જણાવ્યું છે કે શહેરમાં બાંધકામના તમામ નિયમોનો ઉલાળીયો કરી બેફામ ગેરકાયદે બાંધકામો ધમધમી રહ્યા છે. ટીપી શાખા ધૃતરાષ્ટ્રની નીતીમાં છે. માત્ર નોટિસો આપી સંતોષી માની લે છે. મ્યુનિ.કમિશનરે પણ આ ઘટનામાં આકરી કાર્યવાહી કરવાની આવશ્યકતા છે. ગેરકાયદે બાંધકામોના કેસમાં ફરિયાદ મળ્યે માત્ર 10 ટકાને જ નોટિસ આપવામાં આવે છે. ડિમોલીશન કરવામાં આવતું નથી. જેના કારણે આવા બાંધકામોને પ્રોત્સાહન મળે છે. છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે બાંધકામ અંગે ફરિયાદો ઉઠી રહી છે. છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

છેલ્લા ઘણા લાંબા સમયથી જે ગેરકાયદેસર બાંધકામની ફરીયાદો તંત્રને મળી રહી છે તેમાંથી એક પણ ગેરકાયદેસર બાંધકામ વિરૂધ્ધ તંત્ર દ્રારા કોઈપણ જાતના પગલા ભરવામાં આવતા નથી. જેથી ગેરકાયદેસર બાંધકામ કરવાવાળા તેમજ કરાવવાવાળાને પ્રોત્સાહન મળે છે. આ ગેરકાયદેસર બાંધકામ કરવામાં અને કરાવવામાં “ચોક્કસ” નક્કી કરેલા લોકો દ્વારા જ થાય છે.

આ ગેરકાયદેસર બાંધકામના પ્લાન બનાવવા વાળા આર્કીટેક તેમજ સ્ટ્રકચરલ ડીઝાઈનર ઉપર પણ કડક કાર્યવાહી કરી તેમના પણ લાયસન્સ રદ કરવા જોઈએ ટીપી શાખામાં ફરજ બજાવતા અમુક ભ્રષ્ટ તેમજ લાંચીયા કર્મચારી વિરુધ્ધ આવક કરતા વધુ સંપતી ધરાવવા બદલ લાંચ રૂશવત વિરોધી બ્યુરો દ્વારા તપાસ કરાવી જોઈએ. રાજકોટ મ્યુનીસીપલ કમીશ્નર આંનદભાઈ પટેલ દ્વારા તાત્કાલીક અસરથી રાજકોટ શહેરમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામો બંધ કરાવી તેમજ તેમના વિરૂધ્ધ વિજીલન્સ તપાસ કરાવા અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.