સૌરાષ્ટ્રની મોટી જી.જી હોસ્પિટલમાં અવાર નવાર સમસ્યાઓ સર્જાતી રહે છે થોડો સમય પહેલા કુતરા પશુઓ પણ હોસ્પિટલમાં આટા ફેરા કરતાં જોવા મળ્યા હતા. ત્યારબાદ નહિવત વરસાદમાં જ વરસાદી પાણી જી.જી હોસ્પિટલમાં પહોંચ્યા હતા તેમાં વરસાદી પાણી ભરાઇ જતાં દર્દીઓને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
જી.જી.હોસ્પિટલમાં જૂની બિલ્ડિંગમાં આવેલા આઈસીયુ પાસે વરસાદી પાણી ભરાતા દર્દીઓ અને તેમના સંબંધીઓની મુશ્કેલી પડી રહી હતી ત્યારે વરસાદી પાણી ભરાતા દર્દીઓને આવા જવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાતા દર્દીઓ અને સંબંધીઓને પસાર થવામાં પડી જવાનો ભય જોવા મળ્યો હતો જ્યારે તંત્ર દ્વારા સાફ-સફાઈ નહીં કરતા દર્દીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા.
આ ઉપરાંત હોસ્પિટલના જુના બિલ્ડીંગમાં દર્દી કે તેના સગાઓ માટે કે ઓ.પી.ડી.માં આવતા લોકોની સુવિધા માટે રાખવામાં આવેલા વોટરકુલરો અને નળ શોભાના ગાંઠીયા બની ગયા છે છતાં સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. લોકોને બહારથી વેચાતું પાણી લેવાની ફરજ પડી રહી છે.
અહીં પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી હોસ્પિટલ તંત્ર સામે દર્દીઓમાં રોષ ફેલાયો છે. હોસ્પિટલના જૂના બિલ્ડીંગમાં આશરે પાંચથી 6 સ્થળોએ પીવાના પાણીની સુવિધા ઊભી કરાઇ હતી.પરંતુ કુલર સહિતની આ સુવિધાની જાળવણીમાં તંત્ર વામળુ પુરવાર થતાં હાલ અનેક નળ કટાઇ ગયા છે.