- હોસ્પિટલમાં દૈનિક 700થી વધુ ઓપીડી: ડેન્ગ્યુના દૈનિક 25થી 30 કેસ નોંધાયા
- સામાન્ય દિવસો કરતા દર્દીઓમાં વધારો નોંધાયો તે ચિંતાજનક બાબત: મેડીસીન વિભાગ હેડ ડો. મનિષ મહેતા
- જી.જી. હોસ્પિટમા દૈનિક 700થી વધુ ઓપીડીમાં દર્દીઓ નોંધાય છે. જેમાં પણ ચિંતાજનક બાબત એ છે કે ડેગ્યુના દૈનિક 25 થી 30 કેસ નોંધાતા હોવાનો દાવો
જામનગરમાં હાલ મિશ્ર ઋતુને લીધે રોગચાળાનો રાક્ષસી પંજો પાડયો છે. પરિણામે ઠેર ઠેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે.તો બીજી બાજુ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જીજી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. સામાન્ય દિવસો કરતા હાલ જીજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામા નોંધપાત્ર વધારો થયો છે. ખાસ ડેન્ગ્યુ સહિતના મચ્છરજન્ય રોગચાળામાં ચિંતાજનક વધારો આવતા સાવચેતી રાખવી જરૂરી બની છે.
જામનગરની જી.જી. હોસ્પીટલના મેડીસીન વિભાગના હેડ ડો. મનિષ મહેતાએ જણાવ્યું કે હાલ જામનગરની જીજી હોસ્પીટલમાં કેસબારી, દવાબારી કે ઓપીડી તમામ જગ્યાએ લાંબી કતારો લાગે છે. શિયાળો, ચોમાસો અને ઉનાળા ત્રણેય ઋતુની અસર વર્તાતી હોવાથી આ સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ જીજી હોસ્પિટલમાં સામાન્ય દિવસો કરતા દર્દીઓમા વધારો નોંધાયો છે.
આંકડા અનુસાર વાત કરવામાં આવે તો દૈનિક 700થી વધુ ઓપીડીમાં દર્દીઓ નોંધાય છે. જેમાં પણ ચિંતાજનક બાબત એ છે કે ડેગ્યુના દૈનિક 25 થી 30 કેસ નોંધાય છે. તેઓએ જણાવ્યું કે સામાન્ય રીતે સપ્ટેમ્બર, ઓક્ટોબર આને નવેમ્બર એમ ત્રણ માસના સમયગાળા દરમિયાન દર વર્ષે દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાતો હોય છે. વરસાદ બાદ મિશ્રા ઋતુમાં માંદગી માથું ઉચકતી હોવાથી દર્દીઓની સંખ્યામાં વધારો થાય છે. પરંતુ ડેન્ગ્યુને લઈ ખાસ સાવચેતી રાખવી જોઈએ.
ડેન્ગ્યુએ મોટાભાગે ચોખા પાણીમાં થતા મચ્છરના ડંખ મારવાથી થાય છે અને તેમાં પણ તે મોટાભાગે દિવસમાં ડંખ મારતા હોવાથી આવા મચ્છરોથી બચવા ફિલ્ડવર્ક સાથે સંકળાયેલા લોકોએ હંમેશા શરીર પૂરું ઢંકાઈ રહે તેવા કપડાં પહેરવા જોઈએ. આ ઉપરાંત આજુબાજુના વિસ્તારમાં ક્યાંય પાણી ભરાયેલું ન રહે તે પણ ખાસ જોવું જોઈએ. ચોખ્ખું પાણી ભરાયેલું હોય તો તેને નિકાલ કરવાની વ્યવસ્થા કરવી જોઈએ.