જામનગરની જી.જી. હોસ્પિટલમાં ફ્રેકચરની સારવાર માટે દાખલ થયેલા એક વૃદ્ધાને જુદા જુદા ટેસ્ટ માટે સપ્તાહ સુધી અલગ અલગ વિભાગોમાં ફેરવવામાં આવ્યા પછી તેઓના સારવારના કાગળોની ફાઈલમાં તેઓનું ડેથ સર્ટીફિકેટ જોવા મળતા જી.જી. હોસ્પિટલના સુપ્રિ. તેમજ એસપીને રજૂઆત કરવામાં આવી છે. આ મુદ્દાની તપાસ આરંભાઈ છે.

જામનગરના એમણાબેન જુસબભાઈ ખીરા નામના એક વૃદ્ધાને પગમાં ફ્રેકચર થઈ જતાં ગઈ તા.રરના દિવસે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર શરૃ કરવામાં આવ્યા પછી ઓપરેશનની જરૃરિયાત જણાતા ગયા શનિવારે તેઓનું ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવી ઓર્થોપેડીક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાર પછી તા.ર૬ જાન્યુઆરીના દિને તેઓને ઓપરેશન વિભાગમાં લઈ જવાયા હતા જ્યાં તેઓની ચકાસણી કરાતા આ વૃદ્ધાનું બ્લડપ્રેશર ઓછું જણાતા ફરીથી મેડિસીન વિભાગમાં લઈ જવાયા હતા.

આ વૃદ્ધાને જુદા જુદા રિપોર્ટ કરાવવા માટે અલગ અલગ વિભાગોમાં મોકલાવવામાં આવ્યા પછી એકાદ સપ્તાહ જેટલો સમય વીતી ગયો હતો તેમ છતાં આ વૃદ્ધાનું ઓપરેશન થઈ શક્યું ન હતું તે દરમ્યાન વૃદ્ધાના પરિવારજનોએ તેમની જ્ઞાતિના અગ્રણી ઈકબાલભાઈ ખીરા વગેરેને જાણ કરતા તેઓએ મધ્યસ્થિ કરી તપાસ કરાવતા આટલા દિવસોની સારવારના કાગળોની મોટી ફાઈલ બની જવા પામી હતી.

જેમાં એમણાબેન મૃત્યુ પામ્યા હોય તે પ્રકારનું ડેથ સર્ટીફિકેટ પણ જોડી દેવાયેલું જોવા મળતા તેમનો પરિવાર ચોંકી ગયો હતો. આ બાબતે તેઓ કંઈ આગળ કાર્યવાહી કરે તે પહેલા વધુ એક વોર્ડમાં લઈ જવાયેલા હાલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ એમણાબેનની ફાઈલમાંથી આ કાગળ કોઈએ સેરવી લીધો હતો. ઉપરોકત બાબતની ગઈકાલે એમણાબેનના પરિવારજનોએ જી.જી. હોસ્પિટલના સુપ્રિ. તેમજ જિલ્લા પોલીસવડા શરદ સિંઘલને રજૂઆત કરતા તપાસ શરૃ કરવામાં આવી છે. આ કિસ્સામાં એક વૃદ્ધા જીવિત હોવા છતાં કોણે અને શા માટે તેઓનું ડેથ સર્ટીફિકેટ બનાવ્યું? તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.