હાલ કોરોના સામે રસીકરણ જ રામબાણ ઈલાજ સમાન મનાય રહ્યું છે. જો રસી મેળવી લઈશું તો આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં આવનારી કરોના વાયરસની ત્રીજી લહેરથી આપણે બચી શકીશું. જે રીતે પશ્ચિમી દેશોમાં રસીકરણ અભિયાન વેગવંતુ બન્યું અને કરોનાને મ્હાત આપી એ જ રીતે ભારતમાં પણ રસીકરણ વધુ ઝડપી બનાવવુ અનિવાર્ય બન્યું છે. છેવાડાનો માનવી પણ રસી મેળવી કોરોના કવચ ધારણ કરે તે માટે સ્થાનિક તંત્ર ઉપરાંત સરકાર અને સામાજિક સંસ્થાઓ પણ લોકોમાં જાગૃતતા ફેલાવવા મથી રહ્યા છે. રસી ન લેવી, રસીથી આડઅસરની આશંકા વગેરે જેવો લોકોમાં પ્રસરેલો ભય દૂર કરવા તંત્ર દ્વારા
ઘણા નુસ્ખાઓ અપનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આવો જ એક બિરદાવવાલાયક નુસખો કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના મોટા અંગિયા ગામ પંચાયત દ્વારા અપનાવવામાં આવ્યો છે. જેમાં લોકોને માટે વેક્સિન લ્યો, અને કર લાભ લ્યો તેવી પહેલ શરૂ કરવામાં આવી છે. મોટા અંગિયા ગામના જે લોકો રસી મેળવશે તેમને માત્ર કોરોનામાંથી મુક્તિ નહીં પણ આ સાથે પંચાયતના તમામ વેરામાંથી પણ મુક્તિ આપવામાં આવી રહી છે.
કચ્છ જીલ્લાનું આ મોટા અંગીયા ગામ કોરોનાના રોગચાળાને કેવી રીતે કાબુમાં લેવો તેનું સ્પષ્ટ ઉદાહરણ સાબિત થઈ રહ્યું છે. ગામ પંચાયત દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે લોકો રસી મેળવશે તેમને આ નાણાંકીય વર્ષ 2021-22 સો ટકા કરરાહત મળશે. મોટા અંગીયા ગામ નખત્રાણા તાલુકાથી 5 કિ.મી.ના અંતરે આવેલું છે. અહીં હાલ માત્ર ચાર જ સક્રિય કેસ છે. આ ગામ ચેપી રોગચાળા સામે જીત અપાવવા અગાઉથી સજ્જ થઈ ગયું છે. અહીં હાલ 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પ્રથમ ડોઝનું 60% રસીકરણનું લક્ષ્ય પણ પૂર્ણ કર્યું છે. પંચાયત વેરામાં પાણી, સંપત્તિ, સ્વચ્છતા અને સ્ટ્રીટ લાઇટ માટેના ચાર્જ શામેલ છે, જેમાં એક પરિવાર દીઠ આશરે રૂ. 700 જેટલો વેરો આવે છે. પરંતુ રસી લેવાથી આ 700 થી 1000 જેટલો એક વર્ષનો વેરો લોકોએ ભરવો પડશે નહિ. ગામના સરપંચ ઇકબાલ ઘાંચીએ જણાવ્યું કે, જો લોકોને વધુ ચેપ લાગે તો સ્થિતિ વધુ ગંભીર બને. એટલા માટે કોવિડને સારી રીતે લડત આપવા માટે અમે આગામી ત્રણ મહિના માટે સુચારુરૂપથી આયોજન કર્યું છે. વાયરસના ફેલાવાને રોકવા માટે અમે પહેલેથી જ અડધો દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરી દીધું હતું. ગામમાં દરેક વોર્ડમાં યુવાનોની એક ટીમ બનાવવામાં આવી છે. જે 55 વર્ષથી ઉપરના સિનિયર સિટિઝન્સને દવાઓનો પૂરતો સ્ટોક મેળવવામાં મદદ કરે છે. અને પંચાયત દાન માંગ્યા વિના સમગ્ર ખર્ચ ઉઠાવે છે.