રાજકોટ નાગરિક સહકારી બેન્ક દ્વારા યોજાયો ૨૩માં નિ:શુલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પનો શુભારંભ
રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. અને સુરક્ષા સેતુ સોસાયટીના ઉપક્રમે ૨૩માં નિ:શુલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પનો શુભારંભ સમારોહ પોલીસ હેડ કવાર્ટર ગ્રાઉન્ડ, રેસકોર્ષ રીંગ રોડ ખાતે યોજાયો હતો. આ તકે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, પોલીસ પરેડનું આ ગ્રાઉન્ડ પોલીસ જવાન માટે પૂજનીય છે. અહીં જ તેમની ટ્રેનીંગ થતી હોય છે. સહુ તાલીમાર્થીઓ મહેનત અને ધગશથી તાલીમ લઈ કુશળતા મેળવે અને રાજકોટમાંથી જ ભાવિ ક્રિકેટરો તૈયાર થાય તેવી શુભકામના પાઠવું છું. અહીં સાથોસાથ બીજા બે મેદાનમાં મેચ યોજી આપ પ્રેકટીશ કરી શકો છો.
નલિનભાઈ વસાએ જણાવ્યું હતું કે, ‘આપણી નબળાઈને પણ સારા કોચ ખુબીમાં પલટાવી શકે છે. આપ શેરીઓમાં ક્રિકેટ રમતા હશો, પરંતુ આ સંસ્થાઓ તમને એવું કોચીંગ આપવા માંગે છે કે તમારામાં અંદર પડેલી ખુબીઓ બહાર આવે અને ફકત આનંદ માટે ન રમો પરંતુ ક્રિકેટનું પડેલું કૌશલ્ય પ્રાપ્ત કરો એટલા માટે ક્રિકેટ કોચીંગ કેમ્પનું આયોજન કરાયેલું છે. રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. દ્વારા ૧૦ વર્ષથી વધુ અને ૧૮ વર્ષ સુધીનાં બાળકો પોતાની સહીથી જ નિયત મર્યાદામાં બેન્ક કામકાજ કરી શકે છે. આવી જ રીતે ‘બેટી વધાવો’ યોજના અંતર્ગત દિકરીના જન્મને વધાવવા દિકરીનાં નામે નિયત રકમની એફ.ડી. કે રિકરીંગ ડિપોઝીટ કરાવનારને સભ્યપદની ઓફર કરવામાં આવે છે.
કેમ્પનાં પ્રોજેકટ ચેરમેન અને સી.એ. ગીરીશભાઈ દેવળીયાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ‘બચપણ માણવાનો અને ખાસ તો વેકેશનમાં આરામ, રમત-ગમતમાં સમય પસાર કરવાને બદલે આપ સહુ ભવિષ્યની ચિંતા સાથે ક્રિકેટમાં કારકિર્દી બનાવવા આ કેમ્પમાં તાલીમ લેવા જોડાયા છો તે આવકારદાયક નિર્ણય છે. રમત આપણને જીતમાં સ્વસ્થ રહી, હારને પચાવવાનું શીખવે છે. પુરુસોતમભાઈ પીપળીયાએ જણાવ્યું હતું કે, દરેક સંસ્થા સામાજિક જવાબદારી માટે કાર્ય કરતી હોય છે. રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. સામાજિક ઉતરદાયિત્વ સાથે કાર્ય કરે છે અને એટલે જ છેલ્લા ૨૨ વર્ષથી ક્રિકેટ કોચીંગ કેમ્પનું સફળ આયોજન કરે છે. નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, ‘બનવાનો પ્રયત્ન કરજો, કોઈના જેવા બનશો નહીં. બીજાના પગલે-પગલે ચાલીએ તો મંઝિલ ન મળે. આ કેમ્પ કારકિર્દી બનાવવાનો પાયો છે. મહેનત કરી આગળ વધો એજ શુભકામના. ઉલ્લેખનીય છે કે આ કેમ્પમાં ૪ થી ૧૬ વર્ષનાં બાળકોને સવારે ૬.૫ થી ૮ સુધી તાલીમ આપવામાં આવે છે. આ કેમ્પમાંથી તૈયાર થયેલાઓ વિવિધ ટુર્નામેન્ટ, રણજી ટ્રોફી, નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલે રમી રહ્યા છે કે કોચ તરીકે કાર્યરત છે.
ક્રિકેટ કોચીંગ કેમ્પનાં ઉદઘાટન સમારોહમાં વિશેષમાં અનુપમસિંહ ગેહલોત, પરસોતમભાઈ પીપળીયા, નરેન્દ્રસિંહ ઠાકુર ઉપરાંત રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.માંથી નલિનભાઈ વસા, જીવણભાઈ પટેલ, સીએ ગીરીશભાઈ દેવળીયા, જીમ્મીભાઈ દક્ષિણી અને હંસરાજભાઈ ગજેરા, સુનિલભાઈ રાઠોડ, ઘનશ્યામભાઈ ઢોલરીયા, હરકિશનભાઈ ભટ્ટ, વિનોદ શર્મા, લલિતભાઈ વડેરીયા, મહેશભાઈ મણીઆર, પ્રભાતભાઈ ડાંગર, ડો.એન.જે.મેઘાણી, ડો.હરેશભાઈ ભાડેશીયા, વિજયભાઈ કારીયા, કૌશિકભાઈ અઢીયા, હરીશભાઈ શાહ અને કિરીટભાઈ કાનાબાર, નિલેશભાઈ શાહ અને ઉમેદભાઈ જાની, કિશોરભાઈ મુંગલપરા, જયંતભાઈ રાવલ, નયનભાઈ ટાંક, બિતેશભાઈ ટાંક , રાજુભાઈ બામટા, દિલીપભાઈ જાદવ, ઈમ્તીયાઝભાઈ ખોખર, ભરતભાઈ કુંવરીયા, દિનેશભાઈ ગોહેલ, નંદિતાબેન અઢીયા, પ્રદિપસિંહ જાડેજા, રાહુલભાઈ માંકડ, વાલીગણ, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ભરતભાઈ કુંવરીયા દ્વારા કેમ્પનાં તાલીમાથીઓને યોગ-અંગ કસરત વિવિધ દાવ કરાવી સવારમાં સ્ફુર્તિલા કરાવી દીધા હતા. સમારોહનું આભારદર્શન જીવણભાઈ પટેલે અને સરળ સંચાલન નિલેશભાઈ શાહે કર્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com