અબતક’ દ્વારા લોકડાઉનના અનુસંધાને વિવિધ મુદ્દે કરાયા સર્વે
લોકડાઉનના કારણે કોરોના વાયરસના સંક્રમણની પેટર્ન તોડવામાં મદદ મળશે તેવી ગણતરી કેન્દ્ર સરકારની હતી. અલબત કેટલાક લોકો લોકડાઉનની અમલવારી વચ્ચે પણ ‘બેખૌફ’ થઈને આંટાફેરા કરતા હોવાની વાતો સામે આવી હતી. ત્યારે લોકડાઉનની અમલવારી કેવી રીતે કરવી જોઈએ તે અંગે ‘અબતક’ દ્વારા ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને હેલ્લો સહિતના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર એક રસપ્રદ સર્વે કરવામાં આવ્યો હતો.
સોશ્યલ મીડિયા પર ‘અબતક’ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં લોકોને બે વિકલ્પો અપાયા હતા. શું લોકડાઉનની અમલવારી કરવા પોલીસે ઉઠક બેઠક કરાવવી જોઈએ કે, ગુલાબનું ફૂલ આપવું જોઈએ ? લોકોએ આ વિકલ્પોમાં ભરપુર રસ દાખવ્યો હતો. ૬૪% લોકોએ એવી ઈચ્છા વ્યકત કરી હતી કે, લોકડાઉનની અમલવારી ન કરનારને પોલીસે ઉઠક-બેઠક કરાવવી જોઈએ. જ્યારે બાકીના ૩૬ ટકા લોકોનું માનવું હતું કે, પોલીસ લોકડાઉન તોડનારને ગુલાબનું ફૂલ આપી સમજાવે. હેલ્લોમાં પણ આ પ્રકારનો સર્વે થયો હતો. જેમાં ૬૧% લોકોએ ઉઠક-બેઠક કરાવવા અને ૩૯ ટકા લોકોએ ગુલાબનું ફૂલ આપવા મત આપ્યો હતો. નોંધનીય છે કે, દેશભરમાં લોકડાઉનની અમલવારી થઈ રહી છે પરંતુ કેટલાક ગણ્યા-ગાંઠીયા લોકો કારણ વગર બહાર નીકળતા હોવાથી સમગ્ર દેશ જોખમમાં મુકાઈ ગયો છે.કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે. આવા સંજોગોમાં સરકાર તરફથી કેવા પગલા લેવામાં આવે તેવું ઈચ્છે છે ? તે અંગે ‘અબતક’ દ્વારા વિવિધ જાણીતા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર સર્વે કરવામાં આવી રહ્યો છે.
- લોકડાઉન દરમિયાન પાઉંભાજી અને પાણીપુરીને ભરપુર યાદ કરતા લોકો
લોકડાઉનના કારણે લોકો ઘરમાં પુરાઈ ગયા છે. જાણીતી રેસ્ટોરન્ટો કે શેરી-ગલીઓમાં ખાણીપીણી વેંચતા ફેરીયાઓ પણ દેખાતા નથી. રાજકોટ જેવા રંગીલા શહેરના લોકો લિજ્જતદાર ખાણુ ખાવા માટે ટળવળી રહ્યાં હોય તેવો ઘાટ ઘડાયો છે. ઘરે તો વિવિધ વાનગીઓ બનાવીને ચાખવાની તક મળી જ રહી છે. ત્યારે આવા સંજોગોમાં બહારની કઈ વાનગી વધુ યાદ આવે છે? તે અંગેનો સર્વે પણ ‘અબતક’ મીડિયા દ્વારા થયો હતો. ૫૩%થી વધુ લોકોએ પાઉંભાજી ખુબજ યાદ આવતી હોવાનું કહ્યું હતું. ફેસબુકમાં ૪૭% લોકોએ પાણીપુરી ખાવાની ઈચ્છા હોવાનું કબુલ્યું હતું. હેલ્લોમાં ૨૫% લોકોએ પાઉંભાજી અને ૫૩% લોકોએ પાણીપુરી યાદ આવતી હોવાની વાતને સમર્થન આપ્યું હતું. જ્યારે ૧૫% લોકોએ પંજાબી વાનગી ખાવા ઈચ્છી રહ્યાં હોવાનું સર્વેમાં ફલીત થયું હતું. ૭% લોકોએ સાઉથ ઈન્ડિયન વાનગી પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.
- લોકડાઉનમાં જીવનસાથી સાથે રહેવું ગમ્યું : ૭૨ ટકા લોકોનો એકરાર
લોકડાઉનમાં પતિ-પત્ની સહિતના પરિવારજનને એકબીજા સાથે સમય વિતાવવાનો અનેરો લ્હાવો મળી ગયો છે. ૨૧ દિવસના લાંબા લોકડાઉન દરમિયાન એક છત હેઠળ રહીને વિવિધ રીતે સમય પસાર કરવામાં આવી રહ્યો છે. આવા સંજોગોમાં જીવનસાથી સાથે લોકડાઉનનો સમય કેવો રહ્યો તે અંગેનો સર્વે કરવાનો પ્રયત્ન ‘અબતક’ દ્વારા થયો હતો.
ફેસબુક દ્વારા થયેલા સર્વેમાં લોકોને પ્રશ્ર્ન પુછાયો હતો કે, શું તમે તમારા પતિ કે પત્નીથી કંટાળી ગયા છો. સોશ્યલ મીડિયા પરના આ પ્રશ્ર્નના જવાબ આપવામાં લોકોએ જબ્બર પ્રતિસાદ આપ્યો હતો. તે પ્રતિસાદ પરથી જણાયું હતું કે, લોકોને લોકડાઉન દરમિયાન જીવનસાથી સાથે સમય વિતાવવો ખુબજ ગમ્યો છે. ફેસબુક પરના સર્વેમાં ૭૨ ટકા લોકોએ કહ્યું હતું કે, લોકડાઉનમાં પતિ કે પત્ની સાથે રહી કંટાળો આવ્યો નથી.જો કે હેલ્લો પરના સર્વેના પરિણામો કંઈક અલગ કહી રહ્યાં છે. હેલ્લોમાં ૫૯% લોકોએ કહ્યું કે, પતિ-પત્નીથી કંટાળી ગયા છે. ૪૧ ટકા લોકોએ કહ્યું કે, કંટાળો આવ્યો નથી. ઈન્સ્ટામાં ૬૯ ટકા લોકોએ જીવન સાથીથી કંટાળો ન આવ્યો હોવાનું જણાવ્યું હતું.