મેરેથોનમાં ભાગ લેનારા તમામ દોડવીરોએ પાંચ વાગ્યા સુધીમાં એન્ટ્રી મેળવી લેવા અનુરોધ: વાહન પાર્કિંગની પણ વ્યવસ્થા : રૂટ ઉપર સાયકલ સવારોની ટીમ અને ડોક્ટરોની ટીમ રહેશે હાજર: દોડવીરોને પ્રવાહી, ફ્રૂટ, ગ્લુકોઝ અને એનર્જી ડ્રીન્કથી રખાશે તરોતાજા

રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉન અને રાજકોટ મહાનગરપાલિકા તેમજ શહેર પોલીસ દ્વારા રવિવારે રાજકોટમાં સવન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ દોડમાં ૩૫૦૦૦થી વધુ દોડવીરો દોડ લગાવી રાજકોટને સ્વચ્છ અને ફીટ બનાવવાનો ઉમદા મેસેજ આપશે. સવન મેરેથોનને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લીલીઝંડી આપવામાં આવશે. આયોજકો દ્વારા તૈયારીમાં ક્યાંય પણ કચાશ ન રહી જાય તેનું ઝીણામાં ઝીણું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ મેરેથોનને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લીલીઝંડી આપવામાં આવનાર છે. મેરેથોનમાં આ વખતે ૫, ૧૦ અને ૨૧ (હાફ મેરેથોન)ની કેટેગરી રાખવામાં આવી હોય ત્રણેય રૂટ અલગ અલગ રાખવામાં આવ્યા છે જેથી દોડવીરોને બિલકુલ તકલીફ નહીં પડે. આ મેરેથોનમાં ભાગ લેનારા દોડવીરોએ રવિવારે સવારે પાંચ વાગ્યા સુધીમાં એન્ટ્રી મેળવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉપરાંત વાહન પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ દોડવીરને તકલીફ ન પડે તે માટે ત્રણેય રૂટ ઉપર સાયકલ સવારોની ટીમ અને તબીબોની ટીમ તૈનાત રાખવામાં આવશે. આ ઉપરાંત દોડવીરોને પ્રવાહી, ફ્રૂટ, ગ્લુકોઝ અને એનેર્જી ડ્રીન્કથી તરોતાજા રાખવામાં આવશે.

આયોજકોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ વખતની મેરેથોનમાં ખાસ કરીને ઈનામનો આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે મેરેથોનમાં ભાગ લેનારા ભારતીય દોડવીરોને જ ઈનામ આપવામાં આવશે. આ ઉપરાંત રાજકોટના સ્પર્ધકો માટે પણ અલગથી ઈનામની વ્યવસ્થા રાખવામાં આવી છે.

રાજકોટ માટે ગૌરવની વાત છે કે મેરેથોનને આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવવા માટે વિશ્ર્વમાં નામાંકિત કંપનીના બિબ-ટાઈમર જે સવન મેરેથોનને ભારતના નકશામાં અનેરૂ સ્થાન અપાવશે. જ્યારે શહેર પોલીસ દ્વારા શહેરીજનો હેરાન ન થાય તે માટે જડસેસલાક અને સુદૃઢ ટ્રાફિકની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

દોડવીરોને તરોતાજા રાખવા માટે ૧૪ સ્થળો ઉપર હાઈડ્રેશન પોઈન્ટ તથા ન્યુટ્રીશ્યન પોઈન્ટ ઉભા કરવામાં આવશે જ્યાં માત્ર પ્રવાહીને બદલે ફ્રૂટ, ગ્લુકોઝ અને એનર્જી ડ્રીન્ક આપવામાં આવશે. આ પોઈન્ટ ઉપર ડોક્ટર તેમજ ફિઝીયોથેરાપીની સેવા પણ આપવામાં આવશે. જ્યારે ૧૦ અને ૨૧ કિ.મી (હાફ મેરેથોન)ના દોડવીરો માટે સ્પ્રીન્કલરઝોનની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ ઉપરાંત રૂટ ઉપર ડોક્ટર ઓન વ્હીલ એટલે કે સાઈકલસ્વારોની ટીમ અને તબીબો દ્વારા સ્પર્ધકોને તુરંત મદદ મળી રહે તે માટે પ્લાનિંગ કરવામાં આવ્યું છે.

દોડવીરોનો જુસ્સો અવિરત જળવાઈ રહે તે માટે સંસ્થાઓ દ્વારા ચીયર પોઈન્ટ બનાવવામાં આવશે જે મેરેથોનને કાર્નિવલમાં બદલશે. મેરેથોનમાં દેશના ખૂણે ખૂણેથી દોડવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં જયપુર, જાલંધર, રૂપનગર, ઔરંગાબાદ, ભોપાલ, ચેન્નાઈ, ચંદીગઢ, બેંગ્લોર, દિલ્હી, મુંબઈ, અમદાવાદ, બરોડા, ગાંધીનગર સહિતના સ્થળોએથી દોડવીરો ભાગ લેશે.

7537d2f3 23

અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે રાજકોટ મેરેથોન ગુજરાત એમેચ્યોર એટલેન્ટીક એસોસિએશન સાથે જોડાયેલી છે. આ ઉપરાંત રૂટ નક્કી કરવા માટે અને તેની માપણી માટે વર્લ્ડ એથ્લેટીક્સ બોડી જે દુનિયાની તમામ મેરેથોન માટે રૂટ નક્કી કરવામાં મદદ કરે છે. સંસ્થા આઈએએફના સ્પેશ્યલ વ્યક્તિ દ્વારા સંપૂર્ણપણે રૂટની માપણી કરવામાં આવી છે જેને કારણે રાજકોટ મેરેથોનમાં નોંધાનારા કોઈ પણ રેકોર્ડને દુનિયામાં માન્ય ગણવામાં આવશે.

આયોજકોએ જણાવ્યું હતું કે તમામ સ્પર્ધકો માટે રેસકોર્સ ગ્રાઉન્ડમાં એન્ટ્રી ગેટ રાખવામાં આવ્યો છે. દોડવીરોએ રેસકોર્સ એરપોર્ટ રોડની સામે રોટરી સર્કલ પાસે (પોલીસ કમિશનરના બંગલાની સામેના)ના  દરવાજામાંથી એન્ટ્રી મેળવવાની રહેશે. માત્ર દિવ્યાંગો માટે રોટરી સર્કલથી એરપોર્ટ તરફ જતાં ગેઈટ પરથી એન્ટ્રી મેળવવાની રહેશે. તમામ દોડવીરો માટે સવારે પાંચ વાગ્યાનો રિપોર્ટિંગ ટાઈમ છે. સવારે ૬ વાગ્યે ૨૧ કિ.મી., ૬:૧૫ વાગ્યે ૧૦ કિ.મી., ૬:૩૦ વાગ્યે ૫ કિ.મી. અને ૬:૪૫ વાગ્યે દિવ્યાંગ રેસને લીલીઝંડી અપાશે.

પાર્કિંગની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે વિશેષ સગવડ કરવામાં આવી છે જે અનુસાર ત્રણ જગ્યાએ પાર્કિંગ માટે ગ્રાઉન્ડ રાખવામાં આવશે. જ્યાં પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે રિલાયન્સ ગ્રાઉન્ડ (ઈન્કમ ટેક્સ ઓફિસ પાછળ-રિંગરોડ), કિસાનપરા ચોકમાં આવેલી જૂની કેન્સર હોસ્પિટલના પ્રાંગણમાં અને રૈયા ફાટકથી એરપોર્ટ ફાટક વચ્ચે રેસકોર્સ તરફથા રોડ ઉપર પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. આયોજકો દ્વારા દોડવીરોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે મેરેથોનમાં ભાગ લેનારા દોડવીરો સાઈકલ અથવા સ્કૂટર લઈને જ આવે, આ ઉપરાંત જો તેઓ સાઈકલ લઈને આવશે તો મેરેથોનનો ગો-ગ્રીનનો હેતુ પણ સાર્થક થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.