‘ISIS કાશ્મીર’ નામના સંગઠને ગૌતમ ગંભીરના ઘરની બહારનો વીડિયો મેઈલ થકી મોકલી ધમકી આપતા દિલ્હી પોલીસે સુરક્ષા વધારી
ક્રિકેટ જગતમાંથી રાજકીય જગતમાં પગપેસારો કરી રહેલા ગૌતમને ફરી એક વખત ‘ગંભીર’ ધમકી મળી છે. “ગઈકાલે જ હું તને મોતને ઘાટ ઉતારવા માંગતો હતો, પણ તું બચી ગયો… હવે તું રાજકારણમાંથી હટી જા નહીતર તને મારી નાખીશુ”- પૂર્વ ક્રિકેટર અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીરને આવો ધમકીભર્યો મેઈલ મળતા ખળભળાટ મચી ગયો છે. આ મેઈલ ‘ISIS કાશ્મીર’ નામના સંગઠને કર્યો છે અને સાથે ગૌતમ ગંભીરના ઘરની બહારનો વીડિયો પણ તેને મેઈલ કર્યો છે.
આ ધમકીભર્યા મેઈલને લઈને ગૌતમ ગંભીરે દિલ્હી પોલીસને ફરિયાદ કરી છે. ફરિયાદ મળ્યા બાદ દિલ્હી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. ડીસીપી સેન્ટ્રલ શ્વેતા ચૌહાણે જણાવ્યું કે પૂર્વ દિલ્હી મતવિસ્તારથી ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે તેમને આઈએસઆઈએસ કાશ્મીર તરફથી મારી નાખવાની ધમકી મળી છે. તપાસ ચાલુ છે. ફરિયાદ બાદ ગૌતમ ગંભીરના ઘરની સુરક્ષા વધારવામાં આવી છે.
જણાવી દઈએ કે તાજેતરમાં જ ગૌતમ ગભીરે એક નિવેદન આપ્યું હતું. પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ પર નિશાન સાધ્યું હતું. ગંભીરે સિદ્ધુની પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને મોટા ભાઈ કહેવા બદલ ટીકા કરી હતી અને કહ્યું હતું કે આ પ્રકારના નિવેદનો આપતા પહેલા તમારા બાળકોને સરહદે મોકલો. ક્રિકેટરમાંથી નેતા બનેલા ગંભીરે કહ્યું કે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે ભારત 70 વર્ષથી લડી રહ્યું છે અને આ ‘શરમજનક’ છે કે સિદ્ધુ એક ‘આતંકવાદી દેશ’ના પ્રધાનમંત્રીને પોતાના મોટાભાઈ ગણાવે છે.
જણાવી દઈએ કે આ પહેલા બુધવારે અધિકારીઓએ કહ્યું હતું કે DCP (સેન્ટ્રલ)ને મોકલવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે મંગળવારે રાત્રે 9.32 વાગ્યે ગંભીરના સત્તાવાર ઈમેલ આઈડી પર ‘ISIS કાશ્મીર’ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. ઈ-મેલમાં લખ્યું હતું કે, ‘અમે તમને અને તમારા પરિવારને મારી નાખીશું.’ ફરિયાદમાં, આ બાબતને ધ્યાનમાં લેવા, એફઆઈઆર નોંધવા અને પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવા વિનંતી કરવામાં આવી છે.