કોર્પોરેશનની આરોગ્ય શાખાનાં ચેકિંગ દરમિયાન સિવિલનાં દરેક વોર્ડ અને દરેક વિભાગનાં બાથરૂમ, પ્લાસ્ટીકનાં બેરલ તથા ન્યુ પીજી હોસ્ટેલમાં પણ બેફામ મચ્છરો મળી આવ્યા: બીએસએનએલ, કોટક સાયન્સ સ્કુલ, લાખાજીરાજ હોસ્ટેલને નોટિસ
શહેરમાં ડેન્ગ્યુ સહિતનાં રોગચાળાએ અજગરી ભરડો લીધો છે. ત્રણ વ્યકિતનાં મોત ડેન્ગ્યુનાં કારણે નિપજયા બાદ મહાપાલિકાનાં આરોગ્ય તંત્રએ આળસ ખંખેરી હોય તેમ આજે સિવિલ હોસ્પિટલ તથા ન્યુ પીજી હોસ્ટેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સિવિલનાં દરેક વોર્ડ અને દરેક વિભાગમાં મચ્છરોનો જમાવડો જામ્યો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો તો ન્યુ પીજી હોસ્ટેલમાં પણ મચ્છરોનાં લારવા મળી આવ્યા હતા. બીએસએનએલ ઓફિસ, કોટક સાયન્સ સ્કુલ, લાખાજીરાજ હોસ્ટેલ સહિતને મચ્છરોની ઉત્પતિ સબબ નોટીસ ફટકારવામાં આવી હતી.
મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલનાં આદેશ બાદ આજે આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડનાં માર્ગદર્શન હેઠળ મેલેરિયા શાખા દ્વારા સિવિલ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં દરેક વોર્ડ અને વિભાગનાં બાથરૂમમાં રાખેલા પાણીનાં પ્લાસ્ટીકનાં બેરલ, ડોલ, પુલ-છોડનાં કુડા, વોટર કુલર, ફ્રીજની ટ્રે, અગાસી તથા અન્ય જગ્યાએ રાખવામાં આવેલા ભંગારમાં મચ્છરોની ઉત્પતિ જોવા મળી હતી. ન્યુ પીજી હોસ્ટેલ ખાતે અગાસી પર રાખવામાં આવેલા ભંગારમાં તથા ઓવરફલોથી જમા થયેલા પાણીમાં પણ મચ્છરોની ઉત્પતિ જોવા મળી હતી.
આ ઉપરાંત એસ્ટ્રોન ચોકમાં ઓલ્ડ લેન્ડમાર્ક, રેસકોર્સ રીંગ રોડ પર પ્રાઈડ એમ્પાયર, ૮૦ ફુટ રોડ પર બીએસએનએલ ઓફિસ, ધર્મેન્દ્રસિંહ કોલેજ રોડ પર કોટક સાયન્સ સ્કુલ, સર્વોદય સોસાયટીમાં રવિ હોસ્ટેલ, સરદારનગરમાં શ્રીજી હોસ્ટેલ, લાખાજીરાજ હોસ્ટેલ, સમૃદ્ધિ એપાર્ટમેન્ટ, સંસ્કૃતિ એપાર્ટમેન્ટ, મેહુલનગરમાં એક બાંધકામ સાઈટ, આજી વસાહતમાં ટ્રેડ ફિલ્ડ ઈન્ડિયા તથા ગીના વાયર પ્રોડકટ અને ૮૦ ફુટ રોડ પર સરદાર ઈન્ડસ્ટ્રીઝમાં મચ્છરોની ઉત્પતિ જણાતા તમામને નોટીસ ફટકારવામાં આવી હતી. આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ડેન્ગ્યુની અટકાયત માટે મચ્છરની ઉત્પતિ અટકાવવી ખુબ જ જરરી છે. ફોગીંગ એક માત્ર ઉપાય નથી. ફોગીંગ ફકત ચેપી મચ્છરોનો નાશ માટે જરૂરી છે પરંતુ મચ્છરોની ઉત્પતિ ઘટે તે પણ એટલું જ આવશ્યક છે.