પ્રમુખસ્વામી મહારાજે સર્જેલા ભારતીય સંસ્કૃતિના અભૂતપૂર્વ સીમાચિન્હો એટલે ગાંધીનગર અને દિલ્હીના અક્ષરધામ મહામંદિરો
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત અક્ષરધામ દિને સંધ્યા સભા કાર્યક્રમ સાંજે 5 વાગ્યે ધૂન-પ્રાર્થના સાથે સંધ્યા સભાનો પ્રારંભ થયો હતો. સંવાદ, વિડિયો, વક્તવ્યો દ્વારા પ્રમુખસ્વામી મહારાજના અદ્વિતીય સર્જન અક્ષરધામના સર્જન અને પ્રભાવને દર્શાવતી રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સ્વામિનારાયણ અક્ષરધામ એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણને અંજલિરૂપે રચાયેલ અને ભારતનાં પવિત્ર મૂલ્યો અને પ્રદાનો, મહાન આત્માઓ અને વ્યક્તિત્વો, પ્રચંડ પુરુષાર્થ અને પ્રેમનું મૂર્તિમાન સ્વરૂપ! પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગુરુ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના યમુના કિનારે મંદિર બનાવવાના સંકલ્પને પ્રમુખસ્વામી મહારાજે 32 વર્ષની અપાર ધીરજ અને કઠોર પુરુષાર્થ દ્વારા સાકાર કર્યો હતો.
બી.એ.પી.એસના પૂ.આદર્શજીવનસ્વામીએ ‘પ્રમુખચરિતમ’ વ્યાખ્યાનમાળામાં જણાવ્યું હતું કે નગરના પ્રવેશમાં માળા કરતી પ્રમુખસ્વામી મહારાજની હસ્તમુદ્રા એ પ્રમુખસ્વામી મહારાજની ભજનાનંદી શૈલીનો પરિચય કરાવે છે. સંત દ્વાર પ્રમુખસ્વામી મહારાજની સર્વધર્મ પ્રત્યેની ઉદારતા અને સમભાવનાનો પરિચય કરાવે છે.
મહામૂર્તિ દ્વારા પ્રમુખસ્વામી મહારાજની પરોપકારની ભાવના પ્રદર્શિત કરવામાં આવી છે. અક્ષરધામ એ પ્રમુખસ્વામી મહારાજની કલા કુશળતાનું દર્શન કરાવે છે. ‘મહોત્સવ પૂર્ણ પુરુષ કા’ શો પ્રમુખસ્વામી મહારાજ એક પૂર્ણ પુરુષ હતા તે દર્શાવે છે.
પ્રમુખસ્વામી મહારાજે દેશ પરદેશમાં વિચરણ કર્યું છે, પરંતુ તેમનું મન ભગવાનના ચરણાવિંદમાં જ રહેતું. પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં અનાસક્તિ અને આત્મીયતાનો સુભગ સમન્વય જોવા મળતો હતો. અનેક અગ્રણીઓએ આજની સભામાં પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજે અક્ષરધામનું નિર્માણ કર્યું તે યુગકાર્ય છે અને તે દ્વારા જ્યાં સુધી પૃથ્વીનું તક રહેશે ત્યાં સુધી આપણી સંસ્કૃતિ અને અક્ષર પુરુષોત્તમની ઉપાસનાનો પ્રચાર થતો રહેશે. ‘અક્ષરધામમાંથી જીવન ઘડતરની પ્રેરણા મળે’ તે હેતુથી પ્રમુખસ્વામી મહારાજે અક્ષરધામનું નિર્માણ કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હી અક્ષરધામ ઉદઘાટન વખતે કહ્યું હતું કે ’આ અક્ષરધામનું નિર્માણ હરીફાઈ માટે કે પોતાની મોટપ વધારવા સારું નથી કર્યું પરંતુ ગુરુ યોગીજી મહારાજના સંકલ્પ પૂર્તિ માટે કર્યું છે.’ ’પ્રમુખસ્વામી મહારાજની ગુરુભક્તિ ખૂબ જ અનોખી હતી અને હું એ વાતનો સાક્ષી છું તેમજ મારી નજરેથી જોયું પણ છે. પ્રમુખસ્વામી મહારાજે ભક્તિભાવ સાથે અક્ષરધામ બનાવ્યા છે અને તેઓ ‘હાલતા ચાલતા અક્ષરધામ ’ સમાન હતા માટે તેમની ગાથાઓ ગવાતી રહેશે.
ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે આજે પ્રમુખસ્વામી મહારાજ ના શતાબ્દી મહોત્સવમાં આમંત્રણ આપવા માટે મહંતસ્વામી મહારાજનો ખૂબ ખૂબ આભાર. લોકો કહે છે કે , ’ભગવાનના આમંત્રણ વગર આવી શકાતું નથી ’ આજે એમના જ આમંત્રણથી હું આજે અહી પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ઉપસ્થિત રહી શક્યો છે. આ 600 એકરમાં રચાયેલ પ્રમુખસ્વામી મહારાજ નગર અને તેમાં આવેલા દરેક વિભાગો પી.એચ.ડીનો વિષય બની શકે છે તેવું ભવ્ય અને દિવ્ય આ નગર છે.
પશુપાલન અને ડેરી મંત્રાલયમાં રાજ્ય મંત્રી ડો. એલ મુરુગને જણાવ્યું હતું કે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં હાજર રહેવા મળ્યું તે મારા જીવનનું પરમ સૌભાગ્ય છે. દિલ્હી અક્ષરધામના દર્શન કરીને મેં અનુભવ્યું કે પ્રમુખસ્વામી મહારાજે અક્ષરધામ મંદિરનું નિર્માણ કરીને ભારતીય સંસ્કૃતિ માટે અતુલ્ય યોગદાન આપ્યું છે. 2004 માં સુનામી આપત્તિ વખતે બી. એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાએ 3 ગામ દત્તક લઈને તેમને ફરીથી બેઠા કર્યા હતા તે માટે હું તેમનો જીવનભર ઋણી રહીશ.
ભારતમાં આર્જેન્ટિનાના રાજદૂત માનનીય હ્યુગો જેવિયર ગોબ્બીએ જણાવ્યું હતું કે હું મહંતસ્વામી મહારાજ અને આ સંસ્થાનો આભારી છું મને આમંત્રણ આપવા માટે. આર્જેન્ટિના દેશ અને ત્યાંના નાગરિકો વતી હું આપ સૌને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે શુભેચ્છા પાઠવું છું કારણકે તેઓ એક આદર્શ નેતા હતા જેમણે સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંવાદિતાનો સંદેશ આપ્યો છે અને સમગ્ર જીવન સમાજ સેવાના કાર્યોમાં વ્યતીત કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજે આપેલા આદેશ અને મૂલ્યોએ સમગ્ર વિશ્વના લોકોને પ્રભાવિત કર્યા છે.
સાંદીપનિ આશ્રમના પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજને જે કોઈ પણ એક વાર મળ્યું છે તે આત્મીયતાપૂર્વક સમર્પિત થયા છે. પ્રમુખસ્વામી મહારાજને “બાપા” કહીએ ત્યારે વાત્સલ્યના વડલાની અનુભૂતિ થાય એવા વિરલ હતા. પ્રમુખસ્વામી મહારાજની આત્મીયતા એટલી અદ્ભૂત હતી કે ગામડાના આદિવાસીથી લઇને દેશના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ સુધી બધા જ આત્મીયતાથી જોડાઈ ગયા છે.આ પ્રમુખસ્વામી મહારાજ નગર પણ એક કુંભ મેળા સમાન જ લાગે છે કારણકે આ પ્રેરણાનો કુંભ છે અને આ નગરમાં આવનાર વ્યકિત પ્રેરણા લઈને જ ઘરે જાય તેવું દિવ્ય અને ભવ્ય આ નગર છે.
પ્રમુખસ્વામી મહારાજે તેમના પ્રેમ અને વાત્સલ્યથી અનેક લોકોને વ્યસનમુક્ત કરીને તેમના જીવનને ઉજ્જવળ બનાવ્યા છે. પ્રમુખસ્વામી મહારાજને જ્યારે પણ જોઈએ ત્યારે “સૌમ્યતા જાણે શરીર ધારણ કરીને બેઠી હોય” તેવી અનુભૂતિ થાય છે. પ્રમુખસ્વામી મહારાજે વાત્સલ્યના વડલાથી વિશ્વનાં અનેક લોકોને છાંયા આપી છે. અત્યારે ન્યૂજર્સીમાં અક્ષરધામ બની રહ્યું છે. આ મંદિરો ભારતની સંસ્કૃતિ અને સભ્યતા તેમજ સનાતન હિન્દુ ધર્મ વગેરેનું દર્શન કરાવવા માટે છે.