- કચ્છમાં 3000 વર્ષ જૂના દરિયાકિનારાના પક્ષીઓના પગના નિશાન દેખાયાં
- હાલના કચ્છના રણમાં એક સમયે દરિયો હોવાનું અનુમાન
કચ્છમાં આવેલ ભૂકંપના કારણે ઘણા ભૂસ્તરશાસ્ત્રીય ફેરફારો થયા છે. જે અંગે સંશોધનો આજ સુધી ચાલી રહ્યા છે ત્યારે ભૂસ્તરશાસ્ત્રીઓને વધુ એક સફળતા મળી છે. ભૂસ્તરશાસ્ત્રીઓના એક જૂથ દ્વારા તાજેતરની અને ખૂબ જ રોમાંચક શોધ કરવામાં આવી છે. જેમાં આશાનો સંચાર થયો છે. કચ્છમાં અલ્લાહ બંધ ઉત્થાન નજીક કાંપમાં લગભગ ત્રણ હજાર વર્ષ પહેલાંના દરિયાકિનારાના પક્ષીઓના પગના નિશાન મળી આવ્યા છે, જે સંકેત આપે છે કે હાલના શુષ્ક રણ પ્રદેશમાં એક સમયે દરિયો હશે.
ગયા વર્ષે, ભારત-પાકિસ્તાન સરહદ નજીક પ્રદેશમાં ભૂસ્તરશાસ્ત્રીઓ, ભૂસ્તરશાસ્ત્રીય ફેરફારોને સમજવા માટે કામ કરી રહ્યા હતા, ત્યારે તેમને કરીમ શાહી વિસ્તારમાં પક્ષીઓના પગના નિશાન મળ્યા. સંશોધકોને રસપ્રદ વાત એ લાગી હતી કે આ છાપ કાંપના સ્તર હેઠળ હતા, અને રસપ્રદ વાત એ છે કે નજીકનું જળાશય લગભગ 20 કિમી દૂર હતું.
સંશોધકોને રસપ્રદ વાત એ હતી કે આ નિશાનો લગભગ 3000 વર્ષ જૂના હતા! આ શોધે તે સમયગાળા દરમિયાન વિસ્તારમાં નીચી ભરતીના પાણી તરફ ધ્યાન દોર્યું છે. અને ભૂસ્તરશાસ્ત્રીય ફેરફારોને સમજવામાં ફાળો આપ્યો છે.
તાજેતરમાં નેચર પ્રકાશન, સાયન્ટિફિક રિપોર્ટ્સમાં ‘ડિસ્કવરી ઓફ ફોસિલ એવિયન ફૂટપ્રિન્ટ્સ ફ્રોમ લેટ હોલોસીન સેડિમેન્ટ્સ ઓફ અલ્લાહ બુંદ અપલિફ્ટ ઇન ગ્રેટ રણ ઓફ કચ્છ ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા’ શીર્ષક હેઠળ દર્શિત પડિયા, ભવાનસિંહ દેસાઈ, સુરુચી ચૌહાણ અને બાબુલાલ વાઘેલા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
ભુજ સ્થિત આરઆર લાલન કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર પડિયાએ જણાવ્યું હતું કે જ્યાંથી પગના નિશાન ઓળખાયા છે તે અલ્લાહ બુંદ નજીક કરીમ શાહી છે, જે 1819 ના ભૂકંપના કારણે રચિત છે.