ફેસબૂક બન્યું જીઓ કંપનીનો સૌથી મોટો શેર હોલ્ડર : ૯.૯૯ ટકાનો રિલાયન્સ જીઓનો હિસ્સો ખરીદયો
ટેલિકોમ ક્ષેત્રે પોતાનો પગદંડો જમાવનાર રિલાયન્સ જીયોનો અંદાજે ૯.૯૯ ટકાનો હિસ્સો ફેસબુકે ખરીદયો છે ત્યારે ફેસબુક જીયો કંપનીનો હિસ્સો ખરીદતાની સાથે જ સૌથી મોટી શેરહોલ્ડર કંપની તરીકે ઉભરી છે. જીયોએ તેનું દેણુ ઘટાડવા ફેસબુક સાથે ૪૩,૫૭૪ કરોડનો વેપલો કર્યો છે. ફેસબુકે જણાવ્યું છે કે, આ રોકાણ ભારત પ્રત્યે અમારી પ્રતિબઘ્ધતાને પ્રતિબિંબ સ્વરૂપે છે. જીયોએ ભારતમાં જે મોટા ફેરફારો કર્યા છે તેનાથી ફેસબુક ઘણીખરી રીતે ઉત્સાહી છે. ૪ વર્ષથી ઓછા સમયમાં રિલાયન્સ જીયો ૩૮ ઓનલાઈન પ્લેટફોર્મ પર ૩૮૮ મિલીયનથી વધુ લોકો એટલે કે આશરે ૩૮ કરોડ લોકોને લાવવામાં આવ્યા છે તેથી ફેસબુક જીયો દ્વારા ભારતમાં વધુ લોકો સાથે જોડાવવા માટે કટીબઘ્ધ છે.
વિશ્વની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ફેસબુકે જીયોનો ૯.૯૯ ટકા હિસ્સો ખરીદી લીધો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માલિકીના જીયોમાં ફેસબુકે ૪૩,૫૭૪ કરોડ રુપિયાનું રોકાણ કર્યું છે, તેમ રિલાયન્સે પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે. ભારતમાં ટેક્નોલોજી સેક્ટરમાં થયેલું આ સૌથી મોટું રોકાણ માનવામાં આવી રહ્યું છે. જેની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ અને ફેસબુક દ્વારા જાહેરાત કરાઈ છે. આ સોદામાં જિયો પ્લેટફોર્મ્સની વેલ્યૂ ૪.૬૨ લાખ કરોડ આંકવામાં આવી હતી, અને ફેસબુકે જેટલું રોકાણ કર્યાનું જાહેર કર્યું છે તેમાં જિયોનો ૯.૯૯ ટકા હિસ્સો તેને પ્રાપ્ત થશે. જોકે, જિયો રિલાયન્સની જ માલિકનું રહેશે.
રિલાયન્સના એમડી અને ચેરમેન મુકેશ અંબાણીએ આ ડીલ વિશે જણાવ્યું હતું કે, કોરોના બાદ ભારતીય અર્થતંત્ર ટૂંક સમયમાં જ રિકરવરી દર્શાવશે. અમારી આ ભાગીદારી ચોક્કસ તેમાં પ્રદાન આપશે. જ્યારે ફેસબુકે આ ડીલ અંગે જણાવ્યું હતું કે કંપની ભારતને લઈને કેટલી ઉત્સાહી છે તે આ ડીલ દર્શાવે છે. ફેસબુક માટે ભારત ૩૨૮ મિલિયન મંથલી યુઝર્સ સાથેનું સૌથી મોટું માર્કેટ છે, અને વ્હોટ્સએપના પણ ભારતમાં ૪૦૦ મિલિયન યુઝર્સ છે. ટેલીકોમ ક્ષેત્રે એન્ટ્રી કર્યા બાદ જિયો હવે ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ પણ તૈયાર કરી રહ્યું છે. દેશના ૬૦ મિલિયન સ્મોલ બિઝનેસને તે એક પ્લેટફોર્મ પર લાવવા માગે છે. જીયો માર્ટ વ્હોટ્સએપ સાથે સાંકળી લઈને નાના વેપારીઓને સીધા ગ્રાહક સાથે કનેક્ટ કરવાનો રિલાયન્સનો પ્લાન છે, અને તેના પર તે ઘણા સમયથી કામ કરી રહી છે.
સોશિયલ મીડિયા કંપની ફેસબુક ભારતમાં ૨૦૨૦ સુધી ૩૪ કરોડ માસિક એકટીવ યુઝર્સ બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ૨૦૧૮માં ફેસબુક પાસે ૨૮ કરોડથી વધારે માસિક યુઝર હતા જેમાં ફેસબુકની ૨૦૧૯માં કુલ મિલકત ૭૦ બિલીયન ડોલર જોવા મળી હતી. ગ્રાહકોની દ્રષ્ટિએ રિલાયન્સ જીયો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીમાંની એક છે.
ત્યારે ટ્રાયનાં આંકડા પ્રમાણે ડિસેમ્બર ૨૦૧૯ સુધી રિલાયન્સ જીયો પાસે ૩૭ કરોડ ગ્રાહકો હતા જયારે ૩૩.૨ કરોડ ગ્રાહકો સાથે ડિસેમ્બર મહિનામાં વોડાફોન આઈડિયા બાદ બીજા નંબરની ટેલિકોમ કંપની હતી. ગત વર્ષે ઓકટોબરમાં રિલાયન્સે તેમની દરેક ડિજિટલ ઈનીસીએટીવ એપ્લીકેશનને સિંગલ એન્ટીટી અંતર્ગત લાવવા માટે નવી સબસીડીયરી કંપની બનાવવાની જાહેરાત કરી હતી. આ નવી કંપનીમાં રિલાયન્સે આશરે ૧.૦૮ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું ત્યારે ફેસબુક દ્વારા રિલાયન્સ જીયો કંપનીમાં ૪૩,૫૭૪ કરોડનું રોકાણ કરશે ત્યારે કહેવામાં આવે છે કે, ભારતીય ટેકનોલોજી ક્ષેત્રમાં આ સૌથી મોટુ વિદેશી રોકાણ છે. બંને કંપનીઓ વચ્ચે થયેલા આ કરાર પછી જીયોનું વેલ્યુએશન ૪.૬૨ લાખ કરોડે પહોંચ્યું છે.