31 ડિસેમ્બરે શરાબ શોખીનો માટે ગોડાઉન ભાડે રાખી અસલી તેમજ સ્પીરીટમાંથી બનેલો ડુપ્લીકેટ દારૂનો જંગી જથ્થો સ્ટેટ મોનિટરીંગ સેલે પકડતા પોલીસમાં દોડધામ
555 બોટલ ખાલી મળી આવતા તેમાં ડુપ્લીકેટ દારૂ ભરવાની બંધાણીઓને ધાબડવાનું કારસ્તાન: નકલી દારૂના કારણે લઠ્ઠાકાંડ સર્જાય શકે: બે શખ્સોની ધરપકડ
2022ને બાય બાય અને 2023ને વેલકમ કરવા માટે ઉજવણી થતી 31 ડિસેમ્બરની નાઇટને શરાબ સાથે રંગીન બનાવવા વિદેશી દારૂની માગ વધતા બે શખ્સોએ વિદેશી દારૂના નામે ડુપ્લીકેટ દારૂ બંધાણીઓને ધાબડી દેવાનું ખૌફનાક ષડયંત્ર રચી કુવાડવા પોલીસ મથકની તદન નજીક મીની ફેકટરી શરૂ કર્યાની સ્ટેટ મોનિટરીંગ સેલને મળેલી બાતમીના આધારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે રૂા.6.94 લાખનો અસલી અને નકલીનો જંગી જથ્થો પકડી બે શખ્સોને ઝડપી લીધા છે. કુવાડવા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેમ દારૂ અંગે દરોડો પાડવામાં ન આવ્યો તેવા સવાલો થઇ રહ્યા છે. નકલી દારૂના કારણે લઠ્ઠાકાંડ સજાર્ય શકે તેવી પણ દહેશત વ્યક્ત થઇ રહી છે.
વિગતો અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરીયાની ટીમને મળેલી બાતમીના આધારે પીઆઈ આર.જી.ખુંટે સ્ટાફના માણસો સાથે રાજકોટ નવાગામમાં આદિત્ય ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ(કુવાડવા પોલીસ મથકથી થોડે દૂર જ) આવેલા શેડ નંબર-1 માં દરોડો પાડતા ત્યાંથી અંગ્રેજી દારૂની 2045 બોટલો મળી આવી હતી. તે સાથે જ નકલી અંગ્રેજી દાર બનાવવાનું કારસ્તાન પણ પકડાયું હતું.
વધુમાં જાણવા મળ્યું હતું કે, સ્પીરીટમાં ઓરેન્જ વોડકા અને રમની ફલેવર મીલાવી તેને બોટલમાં ભરી વેંચવામાં આવતી હતી. આ રીતના નકલી દારૂના 1054 ચપલા પણ મળી આવ્યા છે.શેડમાંથી રૂ. 6.94 લાખની કિંમતનો નકલી અને અસલી અંગ્રેજી દારૂ કબ્જે કર્યો હતો. જ્યારે રૂ.2320 ની રોકડ રકમ, એક વાહન, ત્રણ મોબાઈલ ફોન, ડીએમ વોટરની 555 બોટલો, રમ અને વોડકા ફલેવરની 500 એમએલની બોટલ, 1020 લીટર સ્પીરીટ મળી કુલ રૂા.7.86 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્યાંથી મોનું નર્મદાપ્રસાદ (રહે.મૂળ.એમ.પી) અને વિપુલ મેપાભાઈ સરૈપાડી.નવાગામ ગોલાપમાં) સહિત બે આરોપીઓને ઝડપી લેવાયા હતા.
પકડાયેલા આરોપીઓની પુછપરછમાં હસમુખ નરેનભાઈ શાકોરીયા (રહે. મોટા હડમતીયા, રાજકોટ)નું નામ ખુલતા તેની શોધખોળ શરૂ કરાઈ છે. સ્પીરીટમાં રમ અને વોડકાની ફલેવર મેળવી તેને બોટલોમાં ભરી વેચવાનું કારસ્તાન છેલ્લા કેટક સમયથી ચાલતું હતું તે દીશામાં એસએમસીએ તપાસ શરૂ કરી છે.ચોંકાવનારી બાબત એ છે કે શેડમાં આટલો મોટો દારૂનો જથ્થો અને દારૂ બનાવવાનું કારસ્તાન ચાલતુ હોવા છતાં સ્થાનિક પોલીસને તેની ગંધ આવી ન હતી. હવે આ બાબત મામલે સ્થાનિક પોલીસની કોઈ મીલીભગત હતી કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે.