રાજકોટ ખાતે દર વર્ષે યોજાતા જન્માષ્ટમીના સુપ્રસિઘ્ધ ગોરલ લોકમેળામાં આ વર્ષે જીનિયસ સુપર કિડસના મનોદિવ્યાંગ બાળકો દ્વારા સ્વહસ્તે બનાવેલી ચોકલેટનો સ્ટોલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. આ વર્ષે તા.૧ થી ૫ સપ્ટેમ્બર દરમ્યાન રેસકોર્સ ખાતે યોજાનાર ગોરસ લોકમેળામાં સ્ટોલ ખાતે સવારે ૧૦ થી સાંજે ૧૧ કલાક સુધી આ બાળકો દ્વારા બનાવાયેલ ચોકલેટસનું વેચાણ કરાશે. આ માટે જીનિયસ સુપર કિડસના બાળકો અને શિક્ષકોમાં અનેરો ઉત્સાહ છવાયો છે અને લોકમેળાની માંગને પહોંચી વળવા માટે અત્યારથી જ તૈયારીઓ આરંભ કરી દેવામાં આવ્યો છે.
જીએસકે ચોકલેટ કોર્નર નામના સ્ટોલની વિશેષતાએ છે કે અહીં જુદા જુદા પ્રકાર અને સ્વાદની ચોકલેટ જેમાં લોલીપોપ, ચોકો કોન, વ્હાઈટ ચોકલેટ, ડ્રાયફ્રુટની ચોકલેટ, કાર્ટુન કેરેકટરના આકારવાળી મળી રહેશે તેમજ અનેક અવનવા પ્રકારની ચોકલેટની વેરાયટી ઉપલબ્ધ હશે. ચોકલેટ મેકીંગ પ્રોગ્રામ છેલ્લા ઘણા સમયથી જીનિયસ સુપર કિડસ ખાતે કાર્યરત છે. જેમા મનો દિવ્યાંગ બાળકોને હેન્ડમેઈડ ચોકલેટ બનાવતા શીખવવા ઉપરાંત તેનું પેકેજીંગ અને તેના માર્કેટીંગ માટે સહાય પણ કરવામાં આવે છે. વેચાણ થયેલી ચોકલેટના હિસાબો રાખવામાં પણ સંસ્થા મદદ‚પ થાય છે. મનોદિવ્યાંગ બાળકો જાતે સ્ટોલ પર ચોકલેટનું વેચાણ કરે અને આવનારા ગ્રાહકોને તે ખરીદવા માટે સમજાવે એ એક કપરુ કાર્ય છે, પણ જીનિયસ સુપર કિડસના ટ્રેનરો અને શિક્ષકોએ આ અઘરુ કામ બખુબી રીતે પાર પાડયું છે.
આવા મેળાઓ ઉપરાંત આ ચોકલેટસનું વેચાણ ખાસ પ્રસંગો અને તહેવારોમાં કોર્પોરેટ ગ્રુપ, કોલેજો, વિવિધ ટ્રસ્ટો અને ઔધોગિક એકમો સાથે જોડાણ કરી વેંચવામાં આવે છે. આ પહેલા આ પ્રકારના સ્ટોલ, રાજકોટ મહાનગરપાલિકા અને જીનિયસ સ્કુલ આયાેજીત ટ્રેડ મેનીફેસ્ટો ખાતે રાજકોટ ફલાવર શો ૨૦૧૮ ખાતે વિશ્ર્વ ડિસએબીલીટી ડે ઉજવણી પ્રસંગે તેમજ જય-જીનિયસ-ગાર્ડી રાસ ઉતસવમાં પણ આયોજીત કરાયા હતા અને તેને ખુબ સારો પ્રતિસાદ સાંપડયો હતો. આયોજકોને આશા છે કે, રાજકોટના ગોરસ લોકમેળામાં પણ આ મનોદિવ્યાંગ બાળકોને અપ્રતિમ પ્રતિસાદ સાંપડશે.