રાજકોટની જાણિતી જીનિયસ સ્કૂલ મનો-દિવ્યાંગ બાળકોની પ્રતિભાને નિખારીને તેને સમાજમાં સ્વનિર્ભર અને આત્મ-સન્માનથી જીવી શકે તે માટે છેલ્લા 9 વર્ષોથી રાજકોટ ખાતે તાલિમ અને શિક્ષણ આપતી સંસ્થા છે. આ સંસ્થામાં મનો-દિવ્યાંગ બાળકોને તેમના કૌશલ્ય અનુસાર નિષ્ણાત શિક્ષકો દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવે છે.
તાજેતરમાં જીનિયસ સુપર કિડસ સ્કૂલના મનો-દિવ્યાંગ બાળકોએ ધોરણ 10 અને 12 બોર્ડ (ગઈંઘજ)ની પરિક્ષાઓમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરીને શાળા અને તેમના માતા-પિતાને ગૌરવ પ્રદાન કર્યું હતું.ધોરણ-10 અને 12ની બોર્ડની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઓપન સ્કૂલિંગ (ગઈંઘજ)ની પરીક્ષાઓમાં જીનીયસ સ્કૂલના પાંચ મનો-દિવ્યાંગ બાળકોએ પ્રથમ પ્રયત્ન જ ફર્સ્ટ ક્લાસ સાથે પરીક્ષા ઉત્તીર્ણ કરી.
આ સફળતા સંસ્થા, શાળા અને તેમના શિક્ષકો માટે ગૌરવની વાત છે. ધોરણ-1રના અભ્યાસક્રમમાં આવતા હિન્દી, ગુજરાતી, ઇકોનોમિક્સ, એકાઉન્ટસી, બિઝનેસ સ્ટડી, ડેટા એન્ટ્રી ઓપરેશન્સ જેવા વિવિધ વિષયો સાથે મંત્ર જીતેન્દ્રભાઈ હરખાણી, દિવ્યેશ જયેશભાઈ વિરડીયા અને મિહિર મનીષભાઈ વાછાણી એ ફર્સ્ટ ક્લાસ મેળવ્યો છે. તેમજ ધોરણ-10 ના અભ્યાસક્રમમાં શામેલ હિન્દી, ગુજરાતી, હોમ સાયન્સ, ડેટા એન્ટ્રી ઓપરેટર અને પેન્ટિંગ વિષયો સાથે દીપ કદમભાઈ અકુવાલા અને દર્શિલ સંજયભાઈ ઉનડકટએ પ્રથમ વર્ગ સાથે પરીક્ષા ઉતિર્ણ કરેલ છે
વિધાર્થીઓની આ ઝળહળતી સિધ્ધિ બદલ જીનિયસ ગ્રુપના ચેરમેન ડી. વી. મહેતા, સીઇઓ ડીમ્પલબેન મહેતા અને જીનિયસ સુપર કિડસના સેકશન હેડ બીજલબેન હરખાણીએ તમામ વિધાર્થીઓને અભિનંદન આપીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.