જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા કોપિંગ વીડ પેરેન્ટીંગ શિર્ષક સાથે તજજ્ઞ દ્વારા માર્ગદર્શન અપાશે
જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા વિદ્યાર્થીઓના ભણતર, તેમજ કોરોના મહામારીના કપરા કાળમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને સમાજને સ્પર્શતી વિવિધ બાબતો અને મુદ્દાઓ અંગે નિષ્ણાતો અને તજજ્ઞો પાસેથી લોકોને ઓનલાઇન માર્ગદર્શન નિ:શુલ્ક મળી રહે તે માટે છેલ્લા ચાર મહિનાથી જીનિયસ સંવાદ શ્રેણી શરુ કરવામાં આવી છે. આ શ્રેણી અંતર્ગત આગામી રવિવારને તા. ૨૬ જુલાઈ ૨૦૨૦ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જાણીતા વક્તા પરેશભાઈ ભટ્ટ દ્વારા કોવિડ મહામારીના સમયમાં વાલીઓની બાળકોના ઘડતરમાં વધતી જવાબદારીઓ વિષે ચર્ચા કરાશે. આ ચર્ચા અને માર્ગદર્શનનો લાભ સર્વ જનતાને નિ:શુલ્ક મળી રહે તે માટે સંસ્થાની યુ-ટયુબ ચેનલ અને ફેસબુક પેઇજના માધ્યમથી લાઈવ પ્રસારીત કરવામાં આવશે.
જીનિયસ ઈન્સ્ટીટ્યુશન્સના ચેરમેન ડી.વી. મહેતા માને છે કે વર્તમાન સમયમાં જ્યારે શાળાઓ બંધ હોવાથી શિક્ષકો દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે, ત્યારે વાલીઓની જવાબદારીઓમાં વધારો થઈ રહ્યો છે. જેમાં બાળકોના હોમવર્કની દેખરેખ, ફાજલ સમયનો સદ-ઉપયોગ, માનસિક-શારિરીક વિકાસ જેવી અનેક બાબતો, તેમજ વાલીઓને માતા-પિતા ઉપરાંત શિક્ષક અને મનોવૈજ્ઞાનિક તરીકેની પણ ભૂમિકા ભજવવી પડી રહી છે, જે કોઈ પડકારથી ઓછુ નથી. લોકડાઉન પહેલા વાલીઓની જવાબદારી કોઇ સારી સંસ્થામાં બાળકને મુકવા સુધીની જ મર્યાદીત હતી, પરંતુ લોકડાઉન બાદ જયારે બાળક સતત ઘરમાં જ રહે છે અને તેની દરેક પ્રવૃતિ માટે માતા-પિતાનું યોગદાન અને સમય ખુબ જ મહત્વના બની રહ્યા છે, ત્યારે વાલી તરીકેની ભૂમિકા બખુબી નિભાવવા માટે સાચા માર્ગદર્શનની ખુબ જ આવશ્યકતા છે. જો કોઈ નિષ્ણાતની સાચી સલાહ અને માર્ગદર્શન મળી રહે તો વાલીઓ માટે મોટી રાહતરુપ બની શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આગામી રવિવારના રોજ જાણીતા વક્તા પરેશભાઈ ભટ્ટને ઓનલાઈન જીનિયસ સંવાદ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે અને તેઓ કોવિડ મહામારીના સમયમાં વાલીઓની બાળકોના ઘડતરમાં વધતી જવાબદારીઓ વિશે ચર્ચા કરાશે.
આ સંવાદ શ્રેણીમાં ભાગ લેવા જીનિયસ કનેકટ યુ-ટયુબ ચેનલ અથવા તો જીનિયસ ઇંગલીશ મિડિયમ સ્કૂલ કે જય ઇન્ટરનેશનલ સ્કૂલના ફેસબુક પેઇજ પર રવિવારને ૨૬ જુલાઇના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જોડાય શકાશે. સંસ્થાના ચેરમેન ડી. વી. મહેતા વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને જનતાને આ સંવાદમાં જોડાવા અને તેનો લાભ લેવા માટે આમંત્રીત કરે છે.
આ ઓનલાઈન સેશનના સફળ આયોજન માટે સંસ્થાના ચેરમેન ડી. વી. મહેતા અને સીઇઓ ડિમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં એડમિનિસ્ટ્રેટીવ અને આઇટી હેડ પ્રમોદ જેઠવા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
આમંત્રિત મહેમાન પરેશભાઈ ભટ્ટનો પરિચય
પરેશભાઈ એડવાઈઝ એન્ડ આસિસ્ટ કંપનીના ડિરેકટર અને ટ્રેનર તરીકે ૨૫ વર્ષથી કાર્યરત છે. આ ગ્રુપમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ ક્ષેત્રના સફળ અનુભવી વ્યક્તિઓ જોડાયેલા છે. પરેશભાઈ એ સાયન્સમાં સ્નાતકની પદવી હાંસલ કરી છે. તેઓ ૨૩ વિવિધ કંપનીઓ સાથે કામ કર્યાનો અનુભવ ધરાવે છે, જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટીકલ, ઈન્શ્યોરન્સ અને ફાયનાન્સ કંપનીઓ શામેલ છે. અત્યાર સુધી તેમણે મોટીવેશનલ સ્પીકર તરીકે અનેક કંપનીઓમાં ૩૦૦થી વધુ વ્યાખ્યાનો, તાલીમ કાર્યક્રમો અને સેમિનારોનું આયોજન કરેલ છે. તેઓ સોશ્યલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત સામાજિક વિષયો જેવા કે ચોખ્ખાઇનું મહત્વ, મુડીનું રોકાણ, વિવિધ પરિક્ષાઓની તૈયારીઓ, લક્ષ્ય પ્રાપ્તિ, અભ્યાસ, વાલીઓની ફરજ અને જવાબદારીઓ જેવા અનેક વિષયોમાં મુંઝવતા પ્રશ્નોની ચર્ચા કરીને તેનું સમાધાન અને નિરાકરણ કરે છે.