જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા છેલ્લા આઠ મહિનાથી શિક્ષણ, સામાજીક પ્રશ્નો, આધ્યાત્મિક તેમજ સાંપ્રત સમયના વિષયો ઉપર જીનિયસ સંવાદના માધ્યમથી વિવિધ પ્રશ્નો અંગે તજજ્ઞોના અભિપ્રાય અને તેમના દ્રષ્ટીકોણ લોકો સમક્ષ મુકવાનું આયોજન કરવામાં આવે છે. આ સંવાદ માટે દેશ-વિદેશથી વિષય નિષ્ણાતોને ઓનલાઈન સંવાદ માટે આમંત્રિત કરવામાં આવે છે, જેમાં આગામી રવિવારને તા. 22 નવેમ્બરના દિવસે સવારે 11:00 કલાકે શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો ડો. નવિનભાઇ શેઠ, વાઇસ ચાન્સેલર, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સિન્ડિકેટ સદસ્ય અને યુવા શિક્ષણવિદ ડો. મેહુલભાઇ રુપાણી દ્વારા ’ઉચ્ચ શિક્ષણના ઉપલક્ષમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – તકો અને પડકારો’ વિષય પર સંવાદ યોજાશે. આ સંવાદનો લાભ સર્વ જનતાને નિ:શુલ્ક મળી રહે તે માટે સંસ્થાની યુ-ટયુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેઇજના માધ્યમથી લાઈવ પ્રસારીત કરવામાં આવશે.

જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સના ચેરમેન અને શિક્ષણવિદ ડી.વી.મહેતાના કહેવા મુજબ પૂરાં 34 વર્ષ પછી દેશને નવી શિક્ષણનીતિ મળી છે. દુનિયા સતત બદલાતી રહે છે અને શિક્ષણનો વિચાર કરવામાં આવે ત્યારે એ બાબત જ ધ્યાનમાં રાખવાની હોય છે કે વિદ્યાર્થીને ફકત આજના જ નહીં પરંતુ આજથી 10 કે 15 વર્ષ પછીના સમય માટે કેવી રીતે તૈયાર કરી શકાય? આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે મોટા પ્રશ્રોને ધ્યાનમાં રાખીને ધડવામાં આવી હતી. પહેલું, આપણી શિક્ષણ-વ્યવસ્થા આવનારી યુવા પેઢીને રચનાત્મક, જિજ્ઞાસુ અને સમર્પણથી પ્રેરિત જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરે અને બીજું, આપણી શિક્ષણવ્યવસ્થા યુવાનોને દેશમાં સક્ષમ સમાજનું નિર્માણ કરવામાં મદદરૂપ થઈ શકે. આ નવી નીતિમાં વિદ્યાર્થીઓ માટે પ્રશ્રોત્તરી આધારિત, સંશોધન આધારિત, ચર્ચા આધારિત અને વિશ્લેષણ આધારિત શિક્ષણ પદ્ધતિ પર ભાર મૂકવામાં આવશે જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં રસ વધશે. નવી શિક્ષણ નીતિને લઈને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસક્રમમાં પ્રેકટીકલ નોલેજ અને વોકેશનલ ટ્રેનીંગ જેવી બાબતોને આવરીને કેવા ફેરફારો કરવા પડશે તે જાણવુ રસપ્રદ રહેશે.

આ સંવાદના બન્ને તજજ્ઞો ખુબ જાણીતા વ્યક્તિત્વ છે. તેમનો ટુંકો પરિચય મેળવીએતો, ડો. નવિનભાઇ શેઠ 2016 ના વર્ષથી ગુજરાતની જાણીતી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટી (જીટીયુ) ના વાઇસ ચાન્સેલર તરીકે સેવારત છે.

સંવાદના બીજા નિષ્ણાત યુવા શિક્ષણવિદ અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સિન્ડિકેટ સદસ્ય ડો. મેહુલભાઇ રુપાણી, રાજકોટની ઘણી શૈક્ષણીક અને સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેઓ સૌ. યુનિ ના સાયન્સ ફેકલટીના ડીન છે.

આ સંવાદ શ્રેણીમાં ભાગ લેવા જીનિયસ કનેકટ યુ-ટયુબ ચેનલ અથવા તો જીનિયસ ઇંગલીશ મિડિયમ સ્કૂલ કે જય ઇન્ટરનેશનલ સ્કૂલના ફેસબુક પેઇજ પર તેમજ ઇન્સ્ટાગ્રામ પરથી  રવિવારને 22 નવેમ્બરના રોજ સવારે 11:00 કલાકે જોડાય શકાશે. આ સંવાદના અંતે નિષ્ણા્ત વકતાઓ પાસેથી મુંજવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન મેળવવા કોમેન્ટ સેકશનમાં જઈને આપના પ્રશ્નો આપવા, વકતાઓ દ્વારા તે પ્રશ્નોનો ઉતર આપવા પ્રયત્ન કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.