પરીક્ષા અંગે પોલીસ કમિશ્નરનું જાહેરનામું: સુપરવાઇઝર માટે પણ મોબાઇલ પર પ્રતિબંધ
ગુજરાત રાજય માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારથી ધોરણ ૧ર ની સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ ૧૧ માં નાપાસ થયેલા સાયન્સના વિઘાર્થીઓ માટેની આ પુરત પરીક્ષા તારીખ ૧૬ ઓકટોબર સુધી ચાલશે. જેમાં રાજકોટના ૧૩ કેન્દ્રો પર રર૦૦ જેટલા વિઘાર્થીઓ પરીક્ષા ખંડમાં હાજર રહેશે. આ પરીક્ષાના પેપર આજરોજ રાજકોટની કરણસિંહજી હાઇસ્કુલમાં પહોચ્યા છે. આ અંગે જીલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલાએ જણાવ્યુ: છે કે સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાના પેપર ગાંધીનગરથી રાજકોટ ખાતે આવી પહોચ્યા છે. જેને શહેરની કરણસિંહજી હાઇસ્કુલ કે જયાં પરીક્ષા માટેની કંટ્રોલરૂમ ઉભો કરાયો છે. ત્યાં પ્રશ્ર્ન પત્રો સીલ કરી દેવાયા છે.
તેમણે વધુમાં જણાવતાં કહ્યું કે, કોરોના સંક્રમણને લઇ જરુરી સાવચેતીના પગલા ભરાશે. કોવિડ-૧૯ ની ગાઇડ લાઇનનો ચુસ્તપણે અમલ કરાશે. જે મુબજ એક કલાસમાં સોશ્યલ ડીન્ટન્સ જાળવતા ર૦ વિઘાર્થીઓ જ પરીક્ષા આપી શકાશે. વિઘાર્થીઓ માટે માસ્ક ફરજીયાત અને તેમનું થર્મલ ગનથી ચેકીંગ થશે. તેમજ તમામ કેન્દ્રો પર સેનેટાઇઝની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ અંગે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જાહેરનામુ બહાર પાડયું છે કે મુજબ પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ મશીન પર પ્રતિબંધ રહેશે અને પરીક્ષા ખંડમાં હવે સુપરવાઇઝર પણ મોબાઇલ લઇ જઇ શકશે નહીં.