અમદાવાદ અને ગાંધીનગરમાં હીટવેવની સાથે હજુ તિવ્ર ગરમીનો પ્રકોપ યથાવત રહેશે
છેલ્લા દસેક દિવસથી ફર્નેસમાં ફેરવાઇ ગયેલા મોટાભાગના ગુજરાતમાં ગુરુવારે સીઝનની વિક્રમ ગરમી પછી શુક્રવારે પવનની દિશામાં બદલાવ આવવાથી આંશિક ઘટાડો થયો છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદ અને ગ્રીન સિટી ગાંધીનગરમાં 45.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જે લગભગ દોઢ ડિગ્રી ઘટ્યું હતું. પરંતુ દિવસ દરમિયાન તીવ્ર ગરમ લૂ ફૂંકાવાના લીધે ખાસ કરીને બપોરે અંગ દઝાડતી ગરમીનો નાગરિકોએ અહેસાસ કર્યો હતો. રાજ્યના ખાસ કરીને સુરેન્દ્રનગરથી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સુધીના પટ્ટામાં હજુ ભિષણ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે તો બીજી તરફ રાજ્યના અન્ય શહેરોમાં પણ હીટવેવની અસરના કારણે ડીસા 44.8 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 44.1 તથા વડોદરા અને સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન ખાતાએ શનિવારથી ત્રણ દિવસ રાજ્યના લગભગ વીસ જેટલા જિલ્લાઓના છુટાછવાયા ભાગોમાં હીટવેવની આગાહી કરી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ એક દિવસ માટે યથાવત રખાયું છે. રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા અને વડોદરા ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, દીવ અને કચ્છમાં શુક્રવારે પણ હીટ વેવનો પ્રકોપ જળવાઇ રહ્યો હતો. હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમી દિશામાં પવન ફૂંકાતા હોવાથી ઉત્તર ગુજરાતના ભાગોથી તાપમાનમાં ક્રમશ: ઘટાડો થવાની શરૂઆત થઇ છે. એ જ રીતે કચ્છ-સૌરાષ્ટ્રના સૌથી વધુ ગરમી પડે છે એવા અમરેલી, કચ્છ ભૂજ, સુરેન્દ્રનગરમાં પણ ગરમી થોડી ઘટી હતી. રાજ્યમાં ભાવનગર અને ગાંધીનગરમાં રાત્રિનું તાપમાન 30 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. આ સિવાયના સેન્ટરોમાં રાત્રિનું તાપમાન 30 ડિગ્રીની નીચે રહ્યું હતું. હવામાન ખાતાએ શનિવારે અમદાવાદ અને ગાંધીનગરમાં હીટવેવની સાથે હજુ તીવ્ર ગરમીનો પ્રકોપ યથાવત રહે એવી આગાહી સાથે રેડ એલર્ટ યથાવત રાખ્યું છે. આ સિવાય સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, દીવ અને કચ્છ તેમજ આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાાટણ, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુર, વડોદરા જિલ્લામાં ત્રણેક દિવસ હીટવેવ યથાવત રહેશે.