હજુ ૮ દિવસ શીતલહેરનો દૌર યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી: નલીયાનું ૬.૭ અને રાજકોટનું ૧૦ ડિગ્રી લઘુુતમ તાપમાન નોંધાયું
ઉતર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાએ સમગ્ર રાજય સહિત ગુજરાતને પણ ઠુંઠવી નાખ્યું છે. હાલ પણ ઉતરભારતમાં એટલી જ હિમવર્ષા ચાલુ છે જોકે ગઈકાલથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઠંડીમાં લોકોને સામાન્ય રાહત મળી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતનાં અનેક શહેરોમાં તાપમાનનો પારો ૧ થી ૨ ડિગ્રી જેટલો વઘ્યો છે જોકે બીજીબાજુ ઉતર ભારતનાં રાજયોમાં ઠંડીથી કોઈને રાહત મળી નથી. જમ્મુ-કાશ્મીરમાં સર્જાયેલા વેસ્ટન ડિસ્ટબન્સનાં પગલે ઉતરભારતમાં ઠંડીનું જોર યથાવત છે જોકે આજે રાજકોટમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી નોંધાયું છે અને નલીયાનું લઘુતમ તાપમાન ૬.૭ ડિગ્રી નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે, આજે વહેલી સવારે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી અને મહતમ તાપમાન ૨૪.૪ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૮૬ ટકા અને ૭ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો હતો. જયારે નલીયાની વાત કરીએ તો લઘુતમ તાપમાનનો પારો ગગડયો હતો અને ૬.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જયારે મહતમ તાપમાન ૨૩.૯ ડિગ્રી જેટલું નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૮૯ ટકા અને પવનની ગતિ શાંત જોવા મળી હતી જયારે જુનાગઢનું લઘુતમ તાપમાન ઉંચકાયું છે અને ૧૩.૭ ડિગ્રી નોંધાયું છે અને મહતમ તાપમાનનો પારો ૧૫.૬ ડિગ્રી નોંધાયો છે જયારે ભેજનું પ્રમાણ ૭૭ ટકા અને પવન ૪.૭ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફુંકાયો હતો.
કાતિલ ઠંડીનાં કારણે જનજીવન ખોરવાયું છે. નાના-મોટા દરેક જીવની હાલત કફોડી બની ગઈ છે તેમાં પણ ગરીબ અને પશુ-પંખીઓ નિ:સહાય સ્થિતિમાં આવી ગયા છે ત્યારે હવામાન વિભાગે હજુ ૮ દિવસ સુધી જિલ્લામાં શીતલહેરનો દોર યથાવત રહે તેવી આગાહી કરી છે.
સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ભારે ઠંડીનાં કારણે ધુમ્મસ પડી રહી છે. ધુમ્મસનાં પગલે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે તો બીજીબાજુ વિઝીબીલીટીમાં પણ ઘટાડો થયો છે અને વાહન વ્યવહારમાં પણ અસર પડી છે.
ગુજરાતમાં હાલ ઉતરથી ઉતર-પૂર્વ દિશાનો પવન છે જેથી સમગ્ર રાજયમાં લઘુતમ તાપમાન ૨ થી ૩ ડિગ્રી સુધી ઘટયું છે. આગામી રવિવાર, સોમવાર દરમિયાન કચ્છ તેમજ સૌરાષ્ટ્રનાં રાજકોટમાં કોલ્ડવેવની સ્થિતિ રહે તેવી સંભાવના રહેલી છે. રાજયમાં અન્યત્ર કે જયાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રીથી નીચે નોંધાયું છે તેમાં નલીયા, ભુજ, રાજકોટ, ગાંધીનગર, ડિસા, અમરેલી, કેશોદ અને વડોદરાનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે હજુ આઠ દિવસ સુધી એટલે કે ઉતરાયણ સુધી રાજયભરમાં શીતલહેરનો દોર યથાવત રહેશે અને ઠંડીનું જોર પણ વધશે. તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.