ભારતમાં જનરલ મોટર્સ ઉત્પાદન કરશે પણ વેંચાણ નહીં: ૪૦૦ કર્મચારીઓને છુટ્ટા કરવાનો નિર્ણય

વિશ્ર્વની અગ્રણી ઓટો કંપની જનરલ મોટર્સે ભારતમાંથી ઉચાળા ભરી જવાનું નક્કી કર્યુ છે. ર૦૧૭ના અંત સુધીમાં જનરલ મોટર્સ ભારતમાં વેંચાણ બંધ કરી દેશે અને માત્ર એક્સપોર્ટ ઉપર જ ઘ્યાન કેન્દ્રીત કરશે. જેનો સીધો મતલબ કે ભારતમાં હવે શેવરોલે કારનું વેચાણ બંધ થઇ જશે.

ગત મહિને જનરલ મોટર્સે ગુજરાતના હાલોલ પ્લાન્ટને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ તેલંગણાની ફેકટરીએ ઉત્પાદન શ‚ છે. અલબત કંપની હાલ કારનું વેંચાણ બંધ કરી દેશે. કંપનીએ રીસ્ટ્રક્ચરીંગ પોલીસી હેઠળ આ નિર્ણય લીધો છે. ભારતમાં બનતી કારોનું મેક્સિકો, લેટીન અમેરિકા સહિતના અન્ય દેશોમાં નિકાસ કરવા ઉપર ઘ્યાન કેન્દ્રીત કરશે. મેન્યુફેક્ચરીંગ ખર્ચની દ્રષ્ટિએ ગળાકાપ હરિફાઇ હોવાના કારણે જનરલ મોટર્સ ભારતમાં ધાર્યો નફો કરી શકી નથી. ગત નાણાંકીય વર્ષનાં અંતે વ્હિકલ માર્કેટમાં કંપનીનો હિસ્સો ઘટીને ૧% થઇ ગયો હતો.  ત્યારે તેની અગાઉના વર્ષે કંપનીનો ૧.૧૭% હિસ્સો હતો. કંપનીની ધારણા ર૦ર૦ સુધીમાં ભારતીય બજારમાં હિસ્સો ૩% સુધી કરવાની હતી.

ભારતમાં વેંચાણ બંધ કરવાની સાથે જનરલ મોટર્સે ૪૦૦ કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય કર્યો છે. જે કંપનીની કુલ વર્કફોર્સના ૮% બરોબર છે. કંપનીએ વર્ષ ર૦૧૩ થી ભારતમાં પરિણામો સુધારવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ આ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. ગ્લોબલ માર્કેટની તુલનાએ કંપનીને ભારતીય બજારમાં ધારેલું પરિણામ મળ્યું નથી. હાલોલથી યુનિટ બંધ કરી કંપનીએ ૩૫૦ કર્મચારીઓને તાલેગાંવ ખાતે ટ્રાન્સફર કર્યા હતા.

જનરલ મોટર્સના આ નિર્ણયથી ભારત સરકારના મહાત્વાકાંક્ષી મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટને મોટો ફટકો પડ્યો છે. હવે કંપની ભારતમાં ઉત્પાદન કરશે પરંતુ કાર ભારતમાં વેંચશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ફોર્ડ મોટર્સે પણ નવી કોમ્પેક્ટ કારના પ્રોડક્શનની યોજના અભેરાઇએ ચડાવી દીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.