બોર્ડના સભ્યો ડો.પ્રિયવદન કોરાટ, ડો.નિદત બારોટ સહિતનાઓ શિક્ષણ અને વિદ્યાર્થી હિત મુદ્દે સવાલોનો મારો ચલાવશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – ગાંધીનગરની ૨૩ જુનના રોજ આવતીકાલે સામાન્ય સભા મળશે. સામાન્ય સભાને લઈને બોર્ડના સભ્યોએ બોર્ડ સમક્ષ પ્રશ્ર્નો રજુ કર્યા છે. જેનો જવાબ બોર્ડ દ્વારા સામાન્ય સભામાં આપવામાં આવશે. સેમેસ્ટર સિસ્ટમ રદ કરવામાં આવી તેને લગતા મહત્વના પ્રશ્ર્નો પુછવામાં આવ્યા છે. આ ઉપરાંત નવી સ્કુલોની મંજુરી સહિતની વિગતો પણ સામાન્ય સભામાં માંગવામાં આવી છે.
બોર્ડની સામાન્ય સભામાં બોર્ડના તમામ સભ્યોને બોલાવવામાં આવતા હોય છે. જેમાં બોર્ડના પાંચ જેટલા સભ્યો ડો.પ્રિયવદન કોરાટ, ડો.નિદત બારોટ, કે.એ.બુટાણી, નરેન્દ્ર વાઢેર અને હરદેવસિંહ રાણાએ બોર્ડ સમક્ષ પોતાના પ્રશ્ર્નો રજુ કર્યા છે. ડો.પ્રિયવદન કોરાટે સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમ અંગેના પ્રશ્ર્નો કર્યા છે. જેમાં આ પઘ્ધતિ રદ કરવામાં બોર્ડની ભૂમિકા અને હાલમાં કઈ પઘ્ધતિ અમલમાં છે તેની માહિતી માંગી છે. ઉપરાંત જામનગરની સ્કૂલની મંજુરી અંગેનો પ્રશ્ર્ન અને રાજયમાં સ્કૂલોની નોંધણી બાકી હોય તેની વિગતો માંગી છે. જયારે ડો.નિદત બારોટે રાજયમાં જુન-૨૦૧૬માં કેટલી સ્કૂલોની માંગણી કરવામાં આવી હતી અને તેમાંથી કેટલી મંજુર કરાઈ તેવા પ્રશ્ર્નો કર્યા છે. કે.એ. બુટાણીએ પરિણામને લઈને મહત્વની વિગતો માંગી છે. જેમાં ધોરણ-૧૦ના માર્ચ-૨૦૧૭ના પરિણામમાં મોરબી જિલ્લાના માળિયા કેન્દ્રનું પરિણામ અનામત કયા કારણથી રખાયું છે અને પરીણામ કયારે આપશે તેની વિગત માંગી છે. નરેન્દ્ર વાઢેરે સેમેસ્ટર સિસ્ટમમાં પાસ-નાપાસ અંગેની વિગતો માંગી છે અને ૧૩૨ ગુણ સાથે પાસ થવાના નિયમની જાણકારી પણ માંગી છે. ઉપરાંત ધોરણ-૧૦માં બે વિષયની પુરક પરીક્ષા લેવાય છે તો ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં એક વિષયની પરીક્ષા કેમ લેવાય છે તે અંગે પ્રશ્ર્ન કરાયો છે. જયારે હરદેવસિંહ રાણાએ સ્કૂલની મંજુરીને લઈને પ્રશ્ર્ન કર્યો છે, જેમાં જે મકાન કે સંકુલમાં ગ્રાન્ટેડ ગુજરાતી માધ્યમની સ્કૂલ ચાલતી હોય ત્યાં નોન ગ્રાન્ટેડ ગુજરાતી માધ્યમની તેજ પ્રકારની સ્કૂલ શ‚ કરી શકાય કે કેમ તે અંગેના નિયમો શું તેવા પ્રશ્ર્નો કર્યા છે. વરિષ્ઠ બોર્ડ સભ્ય ડો.પ્રિયવદન કોરાટે વિદ્યાર્થીલક્ષી મહત્વના પ્રસ્તાવો મુકયા હતા. જેમાં ધોરણ-૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં અન્ય રાજયના શિક્ષણ બોર્ડ અને દેશની તમામ યુનિવર્સિટીની જેમાં ઉતરવહીનું પુન:મુલ્યાંકન વિદ્યાર્થી ઈચ્છે તે બે વિષયમાં કરવાનું તથા ધોરણ-૧૦ની પરીક્ષા હળવી અને સરળ કરવા પ્રસ્તાવો મુકયા હતા.
હાલ ધોરણ-૧૦માં પાસ થવા વિદ્યાર્થીને એક વિષયમાં ૨૩ ગુણ મેળવવા ફરજીયાત છે તેની સામે વિદ્યાર્થી તનાવમુકત રહે અને સરળ પરીક્ષા થાય તે માટે વિષયોના જુથ પાડી અને અન્ય વૈકલ્પિક ભાષા (સંસ્કૃત કે હિન્દી) ત્રણ વિષયમાં સંયુકત ૬૯ ગુણ જયારે અન્ય ત્રણ વિષય ગણિત, વિજ્ઞાન અને સમાજવિદ્યા વિષયમાં સંયુકત ૬૯ ગુણ મેળવે તેને ધોરણ-૧૦માં પાસ જાહેર કરવા. પરંતુ કારોબારી સમિતિએ આ પ્રસ્તાવો કોઈ કારણ આપ્યા વગર સામાન્ય સભામાં રજુ થતા પહેલા રોકી રાખ્યા છે.
ડો.કોરાટે આક્ષેપ કર્યો હતો કે કારોબારીમાં બેઠેલ અમુક સભ્યોને વિદ્યાર્થી હિતના કામો કરવાને બદલે શાળાની મંજુરીમાં મલાઈ મળે તેનો જ રસ છે. આ કારોબારીમાં બેઠેલા સભ્યો વિદ્યાર્થી હિતના કોઈ નિર્ણયો કયારેય કરતા નથી. ઉલ્લેખનીય છે કે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સાચા જવાબના ગુણ ઉતરવહીમાં આપેલા ના હોય તો સુધારો ગુજરાત બોર્ડમાં થતો નથી જેથી ઉપરોકત પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો.