જિલ્લા સંઘ ખાતર, બિયારણ વિતરણ અને વહીવટી ક્ષેત્રે રાજ્યમાં મોખરે: રાદડિયા
રાજકોટ જીલ્લા સહકારી ખરીદ-વેંચાણ સંઘ લિ.- રાજકોટની ઓનલાઇન વર્ચ્યુઅલનાં માધ્યમથી 62-મી વાર્ષિક સાધારણ સભા સરકારના નિયમોનુસાર ઝુમ એપ દ્વારા તાજેતરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- સ્વ.વિઠલભાઇ રાદડિયા કિશાન ભવન-ગોંડલ ખાતે મળી હતી. જે રાજ્યના કેબીનેટ મંત્રી, ઇકફો-ન્યુ દિલ્હી, ગુજકોમાસોલના ડિરેક્ટર અને રાજકોટ ડિસ્ટ્રી. બેંકના ચેરમેન અને જીલ્લા સંઘના અધ્યક્ષ જયેશભાઇ રાદડીયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી તેમજ સભાનાં ઠરાવનું વાંચન અને સંચાલન સંસ્થાનાં પ્રમુખ મગનભાઇ ઘોણીયાએ કર્યું હતું.
આ સભાનાં અધ્યક્ષ સ્થાનેથી જયેશભાઇ રાદડીયાએ જણાવેલ કે રાજકોટ જીલ્લા ખ.વે. સંઘ દ્વારા તમામ સભાસદ મંડળીઓને રાજકોટ ડિસ્ટ્રી. બેંક દ્વારા ગેરન્ટીથી રાસા. ખાતરો વિતરણ કરવામાં આવે છે. આ ત્રિ-સ્તરીય માળખાથી છેવાડાનાં ગામડા સુધી ખાતર વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે તેમજ દરેક ખેડૂતોને સુધારેલ ગુણવત્તા યુક્ત બિયારણો મળી રહે તે માટે ગુજરાત બીજ નિગમ તથા ગુજકોમાસોલ તેમજ અન્ય સહકારી, સરકારી સંસ્થાઓ દ્વારા ઉત્પાદીત કરેલ બિયારણોનું વેંચાણ કરવા પહેલ કરી છે. ચાલુ સાલ રાજકોટ જીલ્લા સંઘનું વાર્ષિક ટન ઓવર 318-00 કરોડથી વધુ ધરાવે છે. જીલ્લા સંઘ રાસ. ખાતર, બિયારણ વિતરણ તથા વહીવટી ક્ષેત્રે ગુજરાત રાજ્યમાં મોખરાનું સ્થાન ધરાવે છે. તે પ્રશંશનીય છે. જે રાજકોટ જીલ્લામાં સહકારી સંગઠન, વિશ્ર્વાસ અને આત્મ વિશ્ર્વાસનું પ્રતિક છે.
વર્ચ્યુઅલ સભાનાં માધ્યમથી દરેક ખેડૂતોને સહકારી પ્રવૃતિમાં જોડાઇ સરકારની યોજનાઓનો ખાસ લાભ લેવા આહવાન કરેલ. આ વાર્ષિક સાધારણ સભામાં ગુજરાત રાજ્ય સરકારી સંઘના મંત્રી અરવિંદભાઇ તાગડીયા, જીલ્લા બેંકના એમ.ડી. ઘનશ્યામભાઇ ખાટરીયા, રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા, પૂર્વ ચેરમેન ગોવિંદ ભાઇ રાણપરીયા, સહકારી અગ્રણી ભાનુભાઇ મહેતા, ગોંડલ યાર્ડના ચેરમેન ગોપાલભાઇ શિંગાળા, વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા, ક્રિભકો સ્ટેટ માર્કેટીંગ મેનેજર પી.વી. પટેલ, બેંકના જનરલ મેનેજર વી.એમ. સખીયા તથા ઇફકો/ક્રિભકો/જી.એન.એફ.સી./જી.એસ. એફ.સી. સહિતની સંસ્થાઓના ટોચના અધિકારીઓ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તથા સહકારી ક્ષેત્રનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજકોટ ડેરીના ઓફિસર સુરેશભાઇ દેત્રોજાએ કરેલ અને અંતમાં આભાર વિધી જીલ્લા સંઘના ઉપપ્રમુખ દલપતભાઇ માકડીયા કરી હતી.