ગીરનાર પર્વત 2.3 ડિગ્રી અને નલીયા 3.8 ડિગ્રી સાથે હજી ઠંડુગાર: અમરેલી 8.4 ડિગ્રી, ભૂજ 9.2 ડિગ્રી, ડિસા 8.8 ડિગ્રી અને રાજકોટનું તાપમાન 10.9 ડિગ્રી નોંધાયુ: આવતીકાલથી ઠંડીનું જોર ઘટી જશે: આવતા સપ્તાહે નવો રાઉન્ડ

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં આજે ઠંડીના જોરમાં સામાન્ય ઘટાડો નોંધાતા લોકોએ રાહત અનુભવી હતી. આવતીકાલથી ઠંડીના જોરમાં ઘટાડો થશે. આગામી 25મી જાન્યુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ આવશે. આજે ગીરનાર પર્વત 2.3 ડિગ્રી અને નલીયા 3.8 ડિગ્રી સાથે કાતીલ ઠંડીમાં ઠુંઠવાયા હતા. લઘુત્તમ તાપમાનનો પારો ચોક્કસ ઉંચકાયો છે. પરંતુ બર્ફિલા પવનના સુસવાટાના કારણે જનજીવન ઠુંઠવાયું હતું.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આજે રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાવાના કારણે ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. છેલ્લા ચાર દિવસથી કાતીલ ઠંડીમાં ઠુંઠવાતા ગુજરાતવાસીઓને આજે થોડી રાહત મળી છે. આવતીકાલથી ઠંડીનું જોર હજી ઘટશે. કચ્છના નલીયાનું તાપમાન હજી સિંગલ ડિજિટમાં નોંધાયુ હતું. કચ્છનું નલીયા આજે 3.8 ડિગ્રી સાથે થરથર ધ્રુજ્યુ હતું. ગીરનાર પર્વત પર લઘુત્તમ તાપમાન 2.3 ડિગ્રી રહેવા પામ્યુ હતું. પર્વત પર સહેલાણીઓ થરથર ધ્રૂજ્યા હતા. જૂનાગઢ શહેરનું તાપમાન 7.3 ડિગ્રી સેલ્શીયસ નોંધાયુ હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 68 ટકા અને પવનની સરેરાશ ઝડપ 4.9 કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી.

રાજકોટ શહેરમાં આજે ત્રણ દિવસ બાદ લઘુત્તમ તાપમાનનો સિંગલ ડિજિટમાંથી ડબલ ડિજિટમાં પહોંચતા શહેરીજનોને થોડી રાહત મળી છે. આજે રાજકોટના લઘુત્તમ તાપમાનનો પારો દોઢ ડિગ્રી ઉંચકાયો હતો. રાજકોટનું લઘુત્તમ તાપમાન આજે 10.9 ડિગ્રી નોંધાયુ હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 45 ટકા અને પવનની સરેરાશ ઝડપ 10 કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી. સવારે 8.30 કલાકે તાપમાન 15 ડિગ્રી નોંધાયુ હતું.

આ ઉપરાંત અમદાવાદનું તાપમાન 11 ડિગ્રી, અમરેલીનું તાપમાન 8.4 ડિગ્રી, બરોડાનું તાપમાન 12 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 12 ડિગ્રી, ભૂજનું તાપમાન 9.2 ડિગ્રી, દમણનું તાપમાન 12.8 ડિગ્રી, ડિસાનું તાપમાન 8.8 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 15 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 9.4 ડિગ્રી, કંડલાનું તાપમાન 11 ડિગ્રી, નલીયાનું તાપમાન 3.8 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 12 ડિગ્રી અને વેરાવળનું તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું હતું. આવતીકાલથી ઠંડીનું જોર ઘટી જશે. દરમિયાન 25મી જાન્યુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ આવશે. ફેબ્રુઆરી માસમાં પવન બર્ફિલા પવન ફૂંકાવાના કારણે ઠંડી યથાવત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.