મહાપાલિકાના ઈતિહાસમાં પ્રથમવાર જનરલ બોર્ડ બહાર ઓડિટોરીયમમાં મળશે: ૧૫ દરખાસ્ત, ૫૩ સવાલો
રાજકોટ મહાનગર પાલિકાના ૪૭ વર્ષના ઈતિહાસમાં કાલે પ્રથમવાર જનરલ બોર્ડની બેંક સભા ગૃહની બહાર ઓડિટોરીયમ ખાતે મળશે. હાલ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે લોકોમાં સંક્રમણ અટકાવવા માટે જનરલ બોર્ડમાં એક કલાકનો પ્રશ્ર્નોતરીકાળ સર્વાનુમતે રદ્દ કરવાની પણ વિચારણા હાલ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
બીપીએમસી એકટના નિયમ મુજબ મહાપાલિકામાં દર બે મહિને જનરલ બોર્ડની બેઠક બોલાવવી ફરજીયાત છે પરંતુ છેલ્લા ૩ માસથી દેશભરમાં કોરોનાની મહામારીને કારણે ચાર માસથી જનરલ બોર્ડની બેંક બોલાવી શકાય નથી. દરમિયાન આવતીકાલે વોર્ડ નં.૯માં રૈયા રોડ પર આવેલ પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે સવારે ૧૧ કલાકે જનરલ બોર્ડની બેઠક મળશે. ૪૭ વર્ષના ઈતિહાસમાં ક્યારેય પણ મહાપાલિકાની કચેરી બહાર બોર્ડ યોજાયું નથી. બોર્ડના ૧ કલાકના પ્રશ્ર્નોતરીકાળ દરમિયાન ભાજપના ૧૯ કોર્પોરેટરોએ ૨૯ સવાલો અને કોંગ્રેસના ૯ કોર્પોરેટરોએ ૨૪ સવાલો રજૂ કર્યા છે. સેન્ટ્રલી એસી હોલમાં કોરોનાના વાયરસ ખુબજ ઝડપથી ફેલાતા હોવાથી હાલ એવી વિચારણા ચાલી રહી છે કે, ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોને સહમતી કરી એક કલાકનો પ્રશ્ર્નોતરીકાળ સર્વાનુમતે રદ્દ કરી દેવો અને બોર્ડના મુખ્ય એજન્ડા જ હાથ પર લઈ લેવા. આ માટે કોંગ્રેસ સહમત થશે કે કેમ તે પણ એક સવાલ છે. જો કે, પ્રથમ ચાર પ્રશ્ર્નો ભાજપના બે કોર્પોેરેટરના જ હોવાના કારણે પ્રશ્ર્નોતરીકાળ આ બે પ્રશ્ર્નની ચર્ચામાં વેડફાઈ જશે. કોંગ્રેસના નગર સેવકોની પ્રશ્ર્નોની ચર્ચા થાય તેવી શકયતા દેખાતી નથી. સભા અધ્યક્ષ તરીકે મેયર બીનાબેન આચાર્ય તમામ કોર્પોરેટરોને એવી બાંહેધરી આપે કે, સાંજ સુધીમાં તેઓને સવાલના જવાબ લેખીતમાં મળી જશે તો પ્રશ્ર્નોતરીકાળ રદ્દ થાય તેવી પણ શકયતા નકારી શકાતી નથી.
પ્રમુખ સ્વામી ઓડિટોરીયમની કેપેસીટી ૭૦૦થી વધુ લોકોની છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સીંગ મહત્વનું છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે બોર્ડ ઓડિટોરીયમ ખાતે બોલાવવામાં આવેલ છે. જ્યાં સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. માસ્ક પહેરવું પણ ફરજિયાત કરાયું છે. બોર્ડમાં પ્રેક્ષકોને પણ પ્રવેશ આપવામાં આવશે. જો તમામ કોર્પોરેટરો સહમત થશે તો પ્રશ્ર્નોતરીકાળ આપો આપ રદ્દ થઈ જશે અન્યથા પ્રિ-મોન્સુન કામગીરી અને કોરોના ટેસ્ટીંગ મામલે બોર્ડ તોફાની બને તેવી શકયતા વર્તાઈ રહી છે. બોર્ડમાં કુલ ૧૫ દરખાસ્તો રજૂ કરવામાં આવી છે. જેમાં ૪ દરખાસ્ત અલગ અલગ ટીપી સ્કીમ મામલે છે. રૈયા વિસ્તારને લાગુ ટીપી સ્કીમ નં.૩૩ અને વાવડી વિસ્તારને લાગુ ટીપી સ્કીમ નં.૨૫ બનાવવા માટે ઈરાદો જાહેર કરવાની દરખાસ્ત બોર્ડ સમક્ષ રજૂ કરાઈ છે.