રાજકોટ મહાનગરપાલિકા નું વર્ષ ૨૦૨૦-૨૧નું સ્ટેન્ડિંગ કમીટી દ્વારા મંજૂર કરવામાં આવેલું રૂા.૨૧૩૨ કરોડનું બજેટને આખરી મંજૂરી આપવા આવતીકાલે સવારે ૧૧ કલાકે મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે.
ચાલુ ટર્મના અંતિમ બજેટમાં શાસકો દ્વારા છેલ્લા ચાર વર્ષ દરમિયાન કરવામાં આવેલા વિકાસ કામોનું રેકોર્ડ સભાગૃહ સમક્ષ રજૂ કરવામાં આવશે તો અંદાજ પત્રના અંદાજો ફાઈલોમાંથી બહાર ન નીકળતા હોવાના આક્ષેપો સાથે વિપક્ષ હંગામો મચાવવાના મુડમાં છે.
સ્ટેન્ડિંગ કમીટી દ્વારા ગત તા.૧૦ ફેબ્રુઆરીના રોજ આગામી નાણાકીય વર્ષનું રૂા.૨૧૩૨ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ૨૪ નવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વાસ્તવિક બજેટ રજૂ કરવાનો પુરતો પ્રયાસ કરાયો છે. કરબોજ વિહોણા બજેટમાં સ્માર્ટ સિટીને આધારીત અનેક નવી યોજનાઓ માટે નાણાની ફાળવણી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ દ્વારા જનરલ બોર્ડ સમક્ષ બજેટ રજૂ કરતી વેળાએ છેલ્લા ચાર વર્ષ દરમિયાન મહાપાલિકામાં ભાજપના શાસન દરમિયાન યેલા કરોડો રૂપિયાના વિકાસ કામોનું વર્ણ કરવામાં આવે તેવું લાગી રહ્યું છે.
બીજી તરફ બજેટમાં દેખાડવામાં આવતી યોજનાઓ સાકાર થતી ન હોય વિરોધ પક્ષે આકરા વિરોધ માટે પણ શો સજાવ્યા છે.
આગામી વર્ષના અંતમાં મહાપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાવાની હોય અંતિમ બજેટમાં શાસકો અને વિપક્ષો સામસામા આવી તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.
મહોલ્લા ક્લિનિક: વસતી આધારીત દવાખાના શરૂ કરવા કરાશે સર્વે બેંગ્લોરની મેડાન્ગો પ્રા.લી. કંપનીને સર્વે કરવા આદેશ આપતા પદાધિકારીઓ
કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં દેશભરમાં વસ્તી આધારીત સરકારી દવાખાના શરૂ કરવા માટેની યોજના મુકવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપણા દવાખાના નામે આ યોજના શરૂ પણ કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટમાં પણ મહોલ્લા ક્લિનિક શરૂ કરવા માટે બેંગ્લોરની મેડાન્ગો પ્રા.લી. નામની કંપનીને આદેશ આપવામાં આવ્યો હોવાનું મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે, વસ્તી આધારિત નાના દવાખાના શરૂ કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય ખુબજ રસ દાખવી રહી છે.
આજે બેંગ્લોરથી મેડાન્ગો પ્રા.લી.નામની એજન્સીના અધિકારીઓ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેઓની સાથે બેઠક યોજવામાં આવી હતી. રાજકોટમાં વસ્તી આધારીત દવાખાના શરૂ કરવા માટે પાયલોટ પ્રોજેકટ અંતર્ગત એક મોડેલ દવાખાનું બનાવવા અને સર્વે કરવા સુચના આપવામાં આવી છે. જેમાં એકવાર દર્દી તરીકે આવેલા વ્યક્તિના આરોગ્યનો ડેટા વર્ષો સુધી સચવાશે.
આ દવાખાનાઓ મોડી રાત સુધી ચાલુ રાખવામાં આવશે અને લોકોને આરોગ્ય કેન્દ્ર સુધી લાંબુ ન થવું પડે તે માટે અલગ અલગ વિસ્તારોમાં નાની ક્લિનિક સ્વરૂપે દવાખાના શરૂ કરાશે. હાલ રાજકોટમાં મહાપાલિકા સંચાલિત ૨૫ આરોગ્ય કેન્દ્ર છે. જેમાં વર્ષે દહાડે લાખો દર્દી સારવાર માટે આવે છે. આગામી દિવસોમાં શહેરમાં વસ્તીના પ્રમાણે વિસ્તારવાઈઝ દવાખાના શરૂ કરાશે.