૩૬ નગર સેવકોના ૭૩ પ્રશ્ર્નોથી બોર્ડ સમરાંગણમાં ફેરવાય તેવી સંભાવના: મોટામવા, મુંજકા, ઘંટેશ્ર્વર, માધાપર અને મનહરપુર-૧ને કોર્પોરેશનમાં ભેળવવા સહિતની દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય
રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને મળનારી જનરલ બોર્ડની બેઠકમાં બઘડાટી બોલે તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યાં છે. પ્રશ્ર્નોતરીકાળમાં ભાજપ અને કોંગ્રેસના ૩૬ કોર્પોરેટરોએ ૭૩ પ્રશ્ર્નો રજૂ કર્યા હોય. બોર્ડ ફરી એકવાર સમરાંગણમાં ફેરવાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. મોટામવા, મુંજકા, ઘંટેશ્ર્વર, માધાપર અને મનહરપુર-૧ને કોર્પોરેશનમાં ભેળવવા સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. ૨૦૧૫માં રાજકોટમાં ભળેલા કોઠારીયા અને વાવડીને પાંચ વર્ષ પછી પણ પુરતી સુવિધા મળી ન હોય આ પ્રશ્ર્નો કોંગ્રેસ બોર્ડ ગજાવે તેવું દેખાઈ રહ્યું છે.
મહાપાલિકામાં કાલે સવારે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં ભાજપના ૧૭ કોર્પોરેટરોએ ૨૧ પ્રશ્ર્નો જ્યારે કોંગ્રેસના ૧૯ કોર્પોરેટરોએ ૫૨ પ્રશ્ર્નો રજૂ કર્યા છે. પ્રમક્રમે કોંગ્રેસના કોર્પોરેટર જયાબેન ટાંકના પ્રશ્ર્નની ચર્ચા થવાની છે. સામાન્ય રીતે બોર્ડનો એક કલાકનો પ્રશ્ર્નોતરીકાળ એક જ પ્રશ્ર્નની ચર્ચામાં વેડફાઈ જતો હોય છે. અન્ય નગરસેવકોના પ્રશ્ર્નોની ચર્ચા થતી નથી. આવતીકાલે પણ આ પરંપરા જળવાઈ રહેશે કે અન્ય નગરસેવકોના પ્રશ્ર્નોની પણ તંદુરસ્ત ચર્ચા થશે તે જોવાનું રહેશે. સામાન્ય રીતે નગર સેવકો સભાગૃહની હાલત શાળાના ઓરડા જેવી કરી નાખતા હોય છે. પ્રજાના પ્રશ્ર્નોની તંદુરસ્ત ચર્ચા કરવાના બદલે સામ-સામી આક્ષેપબાજી કરી દર બે મહિને મળતા બોર્ડનો એક કલાકનો પ્રશ્ર્નોતરીકાળ ખોટા દેકારામાં વેડફી નાખતા હોય છે. રાજકોટ મહાપાલિકાની હદમાં મોટામવા, મુંજકા, ઘંટેશ્ર્વર, માધાપર અને મનહરપુર-૧ને ભેળવવાની દરખાસ્ત અધ્યક્ષ સ્થાનેથી મુકવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે ત્યારે કોંગ્રેસ પાંચ વર્ષ પહેલા મહાપાલિકાની હદમાં ભળેલા કોઠારીયા, વાવડીને હજુ પુરી સુવિધા મળી નથી તે મુદ્દો ગજાવે તેવું લાગી રહ્યું છે. પાંચ-પાંચ વર્ષ યા છતાં કોઠારીયા અને વાવડીના અનેક વિસ્તારોની હાલત હજુ ગામડાી પણ બદતર છે. આ મુદ્દે કોંગ્રેસ શાસકોને ભિંસમાં લે તેવું દેખાઈ રહ્યું છે.