પ્રભાતભાઈ ડાંગરના અકાળે અવસાનથી ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો શોકમગ્ન: વોર્ડ નં.૪માં પેટાચૂંટણી આવશે
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૪ના કોંગી કોર્પોરેટર પ્રભાતભાઈ ડાંગરના અકાળે અવસાનથી આજે મહાપાલિકાની જનરલ બોર્ડ ૧૨મી વખત ખંડિત થયું છે. સાથી કોર્પોરેટરના નિધનથી ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો શોકમગ્ન થઈ ગયા છે. તમામે આજે પ્રભાતભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આગામી ૬ માસમાં વોર્ડ નં.૪માં ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે.
મહાપાલિકાની સેક્રેટરી શાખાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મહાપાલિકાનું જનરલ બોર્ડ પ્રથમ વખત ૧૯૭૭માં ભાજપ નગરસેવક કાનજીભાઈ પરમારના નિધનથી ખંડિત થયું હતું. પેટાચૂંટણીમાં ભાજપના માવજીભાઈ ચૌહાણ વિજેતા બન્યા હતા ત્યારબાદ ૫/૯/૧૯૮૩ના રોજ પૂર્વ મેયર અરવિંદભાઈ મણીયારના અવસાનથી બોર્ડ ખંડિત થયું હતું. પેટાચૂંટણીમાં બીજેપીના હંસિકાબેન મણીયાર વિજેતા થયા હતા. તા.૩૦/૩/૧૯૮૮ના રોજ કોંગ્રેસના નગરસેવક મનસુખભાઈ ઉંધાડના અવસાનથી બોર્ડ ત્રીજી વખત ખંડિત થયું હતું અને પેટાચૂંટણીમાં ભાજપના રતીભાઈ બોરીચાનો વિજય થયો હતો. તા.૨૯/૧૦/૧૯૯૩ના રોજ કોંગ્રેસના ફકીરભાઈ જરીયાના અવસાનથી બોર્ડ ખંડિત થયું હતું. જોકે તા.૩૧/૧૦/૧૯૯૩ના રોજ બોર્ડની મુદત પુરી થતી હોવાના કારણે પેટાચૂંટણી યોજાય ન હતી.
નવી ટર્મમાં પણ બોર્ડ ખંડિત થવાની અપસુક્ધયાળ પરંપરા યથાવત રહી હતી. તા.૨૫/૧૦/૧૯૯૫ના રોજ હરીભાઈ ધવાનું નિધન થયું હતું. પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કાંતાબેન ધવા વિજેતા બન્યા હતા. તા.૧૦/૫/૧૯૯૭ના રોજ બોર્ડ વધુ એક વખત ખંડિત થયું હતું. કિશોરભાઈ રાઠોડનું અવસાન થતા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અનિલભાઈ રાઠોડની જીત થઈ હતી. આ ટર્મમાં જ તા.૩/૭/૧૯૯૮ના રોજ નિર્મળાબેન પનારાનું અવસાન થતા બોર્ડ બીજી વખત ખંડિત થયું હતું અને પેટાચૂંટણીમાં કોંગ્રેસના જયશ્રીબેન સોજીત્રા વિજેતા બન્યા છે. તા.૭/૧૧/૨૦૦૩ના રોજ અશોકભાઈ કાકડિયાનું નિધન થતા પેટાચૂંટણીમાં મનોહરસિંહ ગોહિલ વિજેતા બન્યા છે. તા.૧૮/૭/૨૦૦૪ના રોજ પુષ્પાબેન પંડયાનું નિધન થતા જનરલ બોર્ડ ૯મી વખત ખંડિત થયું હતું અને પેટાચૂંટણીમાં સ્મિતાબેન સિઘ્ધપરા વિજેતા બન્યા હતા. તા.૧૮/૬/૨૦૧૦ના રોજ અમિતભાઈ ભોરણીયાનું અવસાન થતા પેટાચૂંટણીમાં છગનભાઈ ભોરણીયા વિજેતા બન્યા હતા. ગત ટર્મમાં તા.૨૦/૨/૨૦૧૫ના રોજ કૈલાશબેન રામાણીનું અવસાન થતા જનરલ બોર્ડ ૧૧મી વખત ખંડિત થયું હતું અને પેટાચૂંટણીમાં બીજેપીના ઉમેદવાર તરીકે ભાનુબેન તરાવીયા વિજેતા બન્યા હતા. આજે વોર્ડ નં.૪ના કોંગી કોર્પોરેટર પ્રભાતભાઈ ડાંગરનું દુ:ખદ અવસાન થતા મહાપાલિકાનું જનરલ બોર્ડ ૧૨મી વખત ખંડિત થયું છે. આગામી છ માસમાં મહાપાલિકામાં ફરી એક વખત પેટાચુંટણી આવશે.
કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરોએ શ્રદ્ધાંજલિ અર્પી
વોર્ડ નં.૪ના કોંગી કોર્પોરેટર પ્રભાતભાઈ ડાંગરનું આજે વહેલી સવારે અકાળે અવસાન થતા મહાપાલિકામાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે. કોંગ્રેસના તમામ ૩૩ કોર્પોરેટરો ઉપરાંત વોર્ડ નં.૨ના ભાજપના કોર્પોરેટર અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા આરોગ્ય સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયાએ પ્રભાતભાઈ ડાંગરને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાથોસાથ તેઓના પરીવાર પર આવી પડેલી આ દુ:ખની ઘડી સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા શકિત આપે તેવી પ્રાર્થના કરી હતી.