પ્રશ્નોત્તરી કાળમાં કોંગ્રેસનો કોઇ પ્રશ્ન નહીં, ભાજપના નગરસેવકના વાહિયાત સવાલમાં એક કલાક કઢાશે
રાજકોટ મહાનગરપાલિકામાં દર બે મહિને જનરલ બોર્ડની બેઠક મળે છે. જેમાં પ્રજાના મતોના સહારે જીતી નગર સેવકનું બિરૂદ મેળવનારા જન પ્રતિનિધિઓએ લોકોની સુખાકારી અને સુવિધાને અસર કરતા પ્રશ્ર્નો અંગે સવાલો કરવાના હોય છે. પરંતુ અફસોસ કે કોર્પોરેશનના કોર્પોરેટરો જનતાને સિધ્ધી અસર કરતા સવાલોનો ચર્ચા કરવાના બદલે સાચી-ખોટી ચર્ચા, સામસામી આક્ષેપબાજી અને પોતાના પક્ષની વાહવાહીમાં દર વખતે બોર્ડનો એક કલાકનો પ્રશ્ર્નોત્તરીકાળ વેડફી મારે છે.
આવતીકાલે પણ આ સિનારિયો યથાવત રહેશે. કાર્યાલય અને સરકાર કાનૂની સુવિધા છીનવાયા બાદ કોંગ્રેસ જાણે આઘાતમાં સરી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ કારણે બોર્ડમાં કોંગ્રેસના બે પૈકી એકપણ કોર્પોરેટરોએ સવાલ પૂછ્યા નથી. કાલે બોર્ડમાં પણ વિપક્ષના બંને કોર્પોરેટરો ગેરહાજર રહેશે. તેવી શક્યતા જણાય રહી છે.
કોર્પોરેશનમાં આવતીકાલે સવારે 11 કલાકે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે. બોર્ડના એક કલાકના પ્રશ્ર્નોત્તરી કાળમાં ભાજપના 13 કોર્પોરેટરોએ 26 પ્રશ્ર્નો રજૂ કર્યા છે.
જનરલ બોર્ડમાં એક થી બે પ્રશ્ર્નોની ચર્ચામાં એક કલાક સમય વેડફી નાંખવામાં આવશે. વોર્ડ નં.2ના નગરસેવિકા મીનાબા જાડેજાના પ્રશ્ર્નની સૌપ્રથમ ચર્ચા થશે. તેઓએ અમૃત મિશન યોજના હેઠળ કંઇ-કંઇ શાખાને લગત કેટલી રકમના કામો હાથ ધરવામાં આવ્યા છે? જે હાલ ક્યાં તબક્કે છે. 15મી નાણાપંચ હેઠળ કોર્પોરેશનને કેટલી ગ્રાન્ટ મળી અને ક્યાં-ક્યાં હાથ ધરવામાં આવેલ છે. જે ક્યાં તબક્કે છે. જેવા સવાલો પૂછ્યા છે.
આ ઉપરાંત ભાજપના કોર્પોરેટર નીતિન રામાણી, ડો.રાજેશ્રીબેન ડોડીયા, નિલેશ જલુ, ચેતન સુરેજા, દક્ષાબેન વાઘેલા, દક્ષાબેન વસાણી, પ્રિતિબેન દોશી, મનિષભાઇ રાડીયા, લીલૂબેન જાદવ, સંજયસિંહ રાણા અને સોનલબેન સેલારાએ પ્રશ્ર્નો પૂછ્યા છે. કોંગ્રેસના બંને કોર્પોરેટરો કોઇ સામાજીક પ્રસંગમાં રોકાયેલા હોવાના કારણે આવતીકાલે બોર્ડમાં ગેરહાજર રહે તેવી શક્યતા જણાય રહી છે.
જનરલ બોર્ડમાં મંજૂરી અર્થ અલગ-અલગ 10 દરખાસ્તો રજૂ કરવામાં આવી છે. જેમાં શહેરના કોઠારિયા વિસ્તારમાં નવી બે ટીપી સ્કિમ બનાવવા ઇરાદો જાહેર કરવા, આવાસ યોજનાના શોપિંગ સેન્ટરમાં જાહેર હરાજીથી વેંચવામાં આવેલી દુકાનોના દસ્તાવેજ કરી આપવા સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.