અરજન્ટ બિઝનેશ દરખાસ્ત મૂકી ડે.મેયરની નિયુક્તી કરાઇ તેવી શક્યતા: શહેર ભાજપ દ્વારા સંભવિતોના નામ પ્રદેશ હાઇકમાન્ડને મોકલી દેવાયા

રાજકોટ મહાનગરપાલિકામાં આગામી 20મી માર્ચના રોજ સવારે 11 કલાકે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં નવા ડે.મેયરની વરણી કરવામાં આવે તેવી સંભાવના હાલ જણાઇ રહી છે. બોર્ડના એજન્ડામાં મુખ્ય પાંચ દરખાસ્ત છે. જેમાં ડે.મેયરની ચૂંટણીની દરખાસ્ત હાલ મૂકવામાં આવી નથી. પરંતુ અધ્યક્ષસ્થાનેથી અરજન્ટ બિઝનેશ દરખાસ્ત રજૂ કરી નવા ડે.મેયરની વરણી કરી દેવામાં આવે તેવી સંભાવના નકારી શકાતી નથી. શહેર ભાજપ દ્વારા હાલ સંભવિતોના નામ પ્રદેશ હાઇકમાન્ડ સમક્ષ મોકલી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગત ડિસેમ્બર માસમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ડો.દર્શિતાબેન શાહ રાજકોટ પશ્ર્ચિમ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતાં. એક વ્યક્તિ, એક હોદ્ોના પક્ષના નિયમ મુજબ તેઓએ પ્રદેશ હાઇકમાન્ડના આદેશ મુજબ ગત 19મી ફેબ્રુઆરીના રોજ ડે.મેયર પદેથી રાજીનામું આપી દીધું હતું. છેલ્લા એક મહિનાથી ડે.મેયરની જગ્યા ખાલી પડી છે. આગામી 20મી માર્ચના રોજ જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં અલગ-અલગ પાંચ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. વોર્ડ નં.7માં પંચનાથ પ્લોટ શેરી નં.4માં મેઇન પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલું જાહેર યુરિનલ દૂર કરવા, પંચનાથ પ્લોટ સદરમાં આવેલ જૈન ઉપાશ્રયવાળા માર્ગને પૂ.ગુલાબબાઇ મહાસતીજી માર્ગ નામકરણ કરવા, વોર્ડ નં.18માં રોલેક્સ રોડ પર મુરલીધર પાર્ક પાસે આવેલા ચોકને સરદાર ચોક નામકરણ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રોજકામ ધ્યાનમાં લેવા સહિતની પાંચ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

ડે.મેયરની ચૂંટણીની દરખાસ્ત બોર્ડમાં રજૂ કરવામાં આવી નથી. પરંતુ અધ્યક્ષસ્થાનેથી અરજન્ટ બિઝનેશ મૂકી ડે.મેયરની વરણી કરી દેવામાં આવે તેવી સંભાવના હાલ જણાઇ રહી છે. આજે વડોદરા મહાનગર પાલિકામાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં મેયરની વરણી કરવામાં આવી હતી. તે જ રીતે રાજકોટમાં પણ ડે.મેયરની વરણી કરવામાં આવશે. શહેર ભાજપ દ્વારા સંભવિતોના નામ હાઇકમાન્ડને આપી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં સંભવિતોના નામમાંથી પેનલ બનાવ્યા બાદ કોઇ એક નામ પર આખરી મંજૂરીની મહોર મારવામાં આવશે. વર્તમાન બોડીની મુદ્ત સપ્ટેમ્બર માસમાં પૂર્ણ થઇ રહી છે.

આવામાં નવા ડે.મેયરની વરણી છ મહિના માટે કરવામાં આવે કે સળંગ ત્રણ વર્ષ માટે તે જોવાનું રહેશે. બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના 12 કોર્પોરેટરોએ 25 સવાલો રજૂ કર્યા છે. સૌ પ્રથમ વોર્ડ નં.14ના કોર્પોરેટર કેતન પટેલના ટીપી સ્કિમને લગતા, પેકેજ્ડસ મિનરલ વોટરના પ્લાન્ટને લગતા સવાલની ચર્ચા કરવામાં આવશે. વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીના પ્રશ્ર્નનો પાંચમો ક્રમ છે. તેઓએ મિલકત વેરા, સ્માર્ટ સિટી અને પીવાના પાણી અંગે સવાલ રજૂ કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.