વોર્ડ નં.15ની બે બેઠકો માટે પેટા ચૂંટણીની તારીખ જાહેર થતા પદાધિકારીઓ અને અધિકારીઓ મુંઝવણમાં: પ્રશ્નોત્તરી અને બોર્ડ ચલાવવા અંગે ચૂંટણી અધિકારીનો અભિપ્રાય લેવામાં આવશે
ભાજપ અને કોંગ્રેસના 15 કોર્પોરેટરો દ્વારા 32 પ્રશ્નો રજૂ કરાયા: 13 દરખાસ્તો મંજૂરી અર્થે મૂકાઇ
રાજકોટ મહાનગરપાલિકામાં આગામી 19મી જુલાઇના રોજ મેયર ડો.પ્રદિપભાઇ ડવના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં અલગ-અલગ 13 દરખાસ્તો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી છે. આગામી 6 ઓગસ્ટના રોજ વોર્ડ નં.15ની બે બેઠકો માટે પેટા ચુંટણી યોજાવાની હોય ગઇકાલ સાંજથી આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઇ છે. આવામાં બોર્ડ ચલાવવું અને પ્રશ્ર્નોત્તરી અંગે મેયર દ્વારા આગામી દિવસોમાં ચૂંટણી પંચનું માર્ગદર્શન લેવામાં આવશે.
ગઇકાલે રાજ્ય ચુંટણી પંચ દ્વારા પ્રસંગોપાત ખાલી પડેલી મહાપાલિકા અને નગરપાલિકાની પેટા ચુંટણી માટેની તારીખ જાહેર કરાતાની સાથે જ આચાર સંહિતા લાગૂ પડી જવા પામી છે. જો કે, આચાર સંહિતાની માર્ગદર્શિકામાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વોર્ડ નં.15ને અસર કરતા પ્રશ્ર્નો કે દરખાસ્તનો સમાવેશ ન કરવો. જનરલ બોર્ડની બેઠક માટે ગઇકાલે સાંજે એજન્ડા પ્રસિદ્વ કરી દેવામાં આવ્યો છે. જેમાં અલગ-અલગ 13 દરખાસ્તો લેવાઇ છે. જે પૈકી એકપણ દરખાસ્ત વોર્ડ નં.15ને લાગૂ પડતી નથી.
બીજી તરફ બોર્ડના પ્રશ્ર્નોત્તરી કાળ માટે આજે સવારે નગરસેવકોના પ્રશ્ર્નો પણ સ્વિકારવામાં આવ્યા હતા. જેમાં ભાજપના 13 કોર્પોરેટરોએ 26 પ્રશ્ર્નો જ્યારે કોંગ્રેસના 2 કોર્પોરેટરોએ 6 પ્રશ્ર્નો રજૂ કર્યા છે. પ્રથમ ક્રમે ભાજપના નગરસેવિકા રસિલાબેન સાકરિયાનો પ્રશ્ર્ન છે ત્યારબાદ અનુક્રમે ડો.અલ્પેશ મોરઝરીયા, ડો.દર્શનાબેન પંડ્યા, રણજીત સાગઠીયા, વર્ષાબેન પાંધી, જયશ્રીબેન ચાવડા, રૂચિતાબેન જોષી, દિલીપભાઇ લુણાગરીયા, ભારતીબેન પાડલીયા, મનિષભાઇ રાડીયા, જીતુભાઇ કાટોડીયા, ભાનુબેન સોરાણી, અશ્ર્વિનભાઇ પાંભર, નૈનાબેન પેઢડીયા અને મકબુલ દાઉદાણીના પ્રશ્ર્નોનો સમાવેશ થાય છે.
બોર્ડમાં 13 દરખાસ્ત મંજૂરી અર્થે મૂકાઇ છે. જેમાં રામનાથ પરામાં ફ્લાવર માર્કેટના થડાની ફાળવણી કરવા, રેસકોર્ષ સ્થિત વોલીબોલ કોર્ટના મેમ્બરશિપ દરો, ભાડું, વપરાશના નિયમો નક્કી કરવા, ચાલુ નોકરીએ અવસાન પામનાર વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓના આશ્રિતોને ચૂકવવામાં આવતી ઉચ્ચક નાણાકીય સહાયની રકમમાં ફેરફાર કરવા, વોર્ડ નં.14માં બનાવવામાં આવેલી આવાસ યોજનાનું નામકરણ કરવા, ટાઉન પ્લાનિંગ ઓફિસરની નિમણુંક કરવા, વોર્ડ નં.6માં બનાવવામાં આવેલી આવાસ યોજનાને પૂ.રવિશંકર મહારાજ ટાઉનશીપ નામ આપવા, વોર્ડ નં.4માં જૂનો મોરબી રોડ પર ગીરીરાજ પાર્ટી પ્લોટ પાસે આવેલા ચોકનું યદુનંદન ચોક નામકરણ કરવા, ભાવનગર રોડ પર કોર્પોરેશનની ઇસ્ટ ઝોન કચેરીના ખૂણે આવેલા ચોકનું વિમલભાઇ પરમાર ચોક નામકરણ કરવા, વોર્ડ નં.3માં સાકાર કોમ્પ્લેક્સ વાળા ચોકનું જલીયાણ ચોક નામકરણ કરવા, વોર્ડ નં.8માં અમિન માર્ગને લાગૂ ગાર્ડનને સાહિત્ય ઉદ્યાન આપવા જ્યારે વોર્ડ નં.4માં બનાવવામાં આવેલા કોમ્યુનિટી હોલને સંત શ્રી વેલનાથ કોમ્યુનિટી હોલ આપવા અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
વોર્ડ નં.15ની બે બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે આદર્શ આચાર સંહિતા લાગૂ પડી ગઇ છે. આવામાં ભવિષ્યમાં કોઇ વિવાદ ઉભો ન થાય તેની તકેદારી માટે બોર્ડ ચલાવવું કે કેમ અને પ્રશ્ર્નોત્તરી કાળ નગરસેવકોના પ્રશ્ર્નોની ચર્ચા કરવી કે કેમ તે અંગે ચૂંટણી પંચનું માર્ગદર્શન લેવામાં આવશે.
કેકેવી ચોક બ્રિજના લોકાર્પણને આચાર સંહિતા નહિં નડે: મેયર
શહેરના કાલાવડ રોડ પર કેકેવી ચોક ખાતે નિર્માણાધીન એલીવેટેડ ફ્લાયઓવર બ્રિજનું મોટાભાગનું કામ પૂર્ણ થઇ ગયું છે. બ્રિજના લોકાર્પણની ઘડીઓ ગણાય રહી છે ત્યારે વોર્ડ નં.15ની બે બેઠકો માટે પેટા ચુંટણીની તારીખ જાહેર થતાની સાથે જ એવા પ્રશ્ર્નો ઉભા થવા લાગ્યા છે કે શું ચુંટણીની આચાર સંહિતાના કારણે કેકેવી ચોક બ્રિજનું લોકાર્પણ પાછું ઠેલાશે.
દરમિયાન મેયર ડો.પ્રદિપ ડવે આ અંગે ચોખવટ કરતા જણાવ્યું હતું કે માત્ર એક વોર્ડની બે બેટકો માટે પેટા ચુંટણી હોય ચુંટણી પંચની ગાઇડલાઇન મુજબ વોર્ડ નં.15માં કોઇ કામનું ખાતમુહુર્ત કે લોકાર્પણ ન કરી શકાય. આવતીકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે જે સેટેલાઇટ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવાનું હતું તે વોર્ડ નં.15માં આવતું હોવાના કારણે મુલત્વી રાખવામાં આવ્યું છે. જ્યારે લાયબ્રેરીનું લોકાર્પણ પણ મુલત્વી રખાયું છે. કેકેવી ચોક બ્રિજના લોકાર્પણમાં ચુંટણીની આચાર સંહિતા નડતરરૂપ બનશે નહિં. સંભવત: આવતા સપ્તાહે બ્રિજ ખૂલ્લો મૂકી દેવામાં આવશે.