કોંગ્રેસના બે પૈકી એકપણ નગરસેવકે બોર્ડમાં પ્રશ્ન ન મૂક્યો: સામાન્ય જનતા પણ જાણે છે તેવા સવાલો ભાજપના નગરસેવકોએ બોર્ડમાં પૂછ્યા
રાજકોટ મહાનગર પાલિકામાં આગામી 19મીએ મે ના રોજ મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં અલગ-અલગ 10 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. કાર્યાલય વિહોણા બની ગયેલા કોંગ્રેસના કોર્પોરેટરોનું મન ખાટું થઇ ગયું હોય તેમ બે પૈકી એકપણ નગરસેવકે જનરલ બોર્ડના પ્રશ્ર્નોત્તરી કાળમાં બપોર સુધી પ્રશ્ર્ન રજૂ કર્યો નથી. સામા પક્ષે ભાજપના 13 કોર્પોરેટરોએ 26 પ્રશ્ર્નો રજૂ કર્યા છે પરંતુ તે પૈકી એકપણ પ્રશ્ર્ન પ્રજાને સિધી અસર કરે તેવો નથી. વાહિયાત સવાલો પૂછી બોર્ડનો પ્રશ્ર્નોત્તરી કાળ જાણે વેડફવાની મૂરાદ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.
કોર્પોરેશનમાં દર બે મહિને નિયમ મુજબ જનરલ બોર્ડની બેઠક મળે છે. જેમાં ચૂંટાયેલા પ્રતિનિધીઓએ લોકોને અસર કરતા પ્રશ્ર્નો રજૂ કરવાના હોય છે પરંતુ અફસોસની વાત એ છે કે એક કલાકનો પ્રશ્ર્નોત્તરી કાળ સાચી-ખોટી ચર્ચામાં કે આક્ષેપબાજીમાં વેડફી નાંખવામાં આવે છે. વિપક્ષ પાસે માત્ર બે સભ્યોનું સંખ્યાબળ છે. આવામાં શાસકો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે.
ભાજપના 13 કોર્પોરેટરો દ્વારા પ્રશ્ર્નો રજૂ કરવામાં આવ્યા છે. તેમાં મિનાબા જાડેજા, નિતીન રામાણી, ડો.રાજેશ્રી ડોડીયા, નિલેશ જલુ, ચેતન સુરેજા, દક્ષાબેન વાઘેલા, દક્ષાબેન વસાણી, પ્રિતીબેન દોશી, મનીષભાઇ રાડીયા, લીલુબેન જાદવ, દેવબેન જાદવ, સંજયસિંહ રાણા અને સોનલબેન સેલારાના 26 પ્રશ્ર્નોનો સમાવેશ થાય છે. એકપણ પ્રશ્ર્ન એવો નથી કે જેમાં દમ હોય, અમૃત મિશન હેઠળ કંઇ શાખાના કેટલા કામો હાથ ધરવામાં આવ્યા, કેટલા કામો ક્યા તબક્કે છે, 15માં નાણાપંચમાં કોર્પોરેશનને કેટલી ગ્રાન્ટ મળી, સ્માર્ટ સિટી હેઠળ રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેટલા રૂપિયાના કામો થયા છે, શહેરમાં કેટલા આરોગ્યકેન્દ્રો છે, કેટલીક વાર્ષિક ઓપીડી થાય છે,
પ્રધાનમંત્રી-મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ કેટલા આવાસ બનાવાયા, છેલ્લા પાંચ વર્ષમાં કેટલા બ્રિજ બન્યા, મિલકતની નવી આકરણી, નીચાણવાળા વિસ્તારોમાં ચોમાસાની સિઝનમાં પાણી ન ભરાય તે માટે કોર્પોરેશનનું આયોજન, છેલ્લા ત્રણ વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે કેટલી ગ્રાન્ટ ફાળવી અને શહેરમાં કેટલી સ્ટ્રીટલાઇટ અને હાઇમાસ્ક ટાવર આવેલા છે, તેવા તદ્ન વાહિયાત સવાલો પ્રશ્ર્નોત્તરી કાળમાં રજૂ કર્યા છે. જનરલ બોર્ડના એજન્ડામાં કુલ 10 દરખાસ્તો રજૂ કરવામાં આવી છે. જેમાં બે સ્થળે જાહેર યુરિનલ દૂર કરવા, આવાસ યોજનાના શોપીંગ સેન્ટરમાં જાહેર હરાજીથી આપેલી દુકાનોના દસ્તાવેજ કરી આપવા અને કોઠારિયા વિસ્તારમાં બે ટીપી સ્કિમ બનાવવા ઇરાદો જાહેર કરવાની દરખાસ્તનો સમાવેશ થાય છે.