ભાજપના 14 કોર્પોરેટરોએ 28 અને કોંગ્રેસના એક કોર્પોરેટરે ત્રણ પ્રશ્ર્નો રજૂ કર્યાં: 17 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય
રાજકોટ મહાનગર પાલિકામાં આગામી 19મી જાન્યુઆરીના રોજ મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં ભાજપ અને કોંગ્રેસના 15 કોર્પોરેટરોએ 31 સવાલ રજુ કર્યા છે.
શાસક પક્ષ નગરસેવકોએ જાણે પ્રશ્ર્નોત્તરી કાળનો સમય વેડફવા માટે જ પ્રશ્ર્નો મુક્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ભાજપના એકપણ કોર્પોરેટરના સવાલ પણ દમ નથી. વાહિયાત પ્રશ્ર્નો બોર્ડ સમક્ષ મુક્યા છે. સાધારણ સભામાં અલગ-અલગ 17 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
કોર્પોરેશનમાં ગત નવેમ્બર માસમાં જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં વિધાનસભાની ચુંટણીની આચાર સંહિતા અમલમાં હોવાના કારણે કોઇ નિર્ણય લઇ શકાયો ન હતો. દરમિયાન હવે આગામી 19મીએ જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં અલગ-અલગ 17 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. દર બે મહિને મળતી સાધારણ સભામાં એક કલાકનો પ્રશ્ર્નોત્તરી કાળ હોય છે.
જેમાં જનપ્રતિનિધિ એવા નગરસેવકો દ્વારા શહેરીજનોની સુખાકારીને લગતા વિવિધ પ્રશ્ર્નો રજૂ કરવામાં આવે છે અને અધિકારીઓ પાસેથી માહિતી માંગવામાં આવે છે પરંતુ અફસોસ એ વાતનો છે કે લોકોને સિધી અસર કરતા પ્રશ્ર્નોત્તરી કાળનો સમય ચુંટાયેલા સભ્યો દ્વારા સામસામી આક્ષેપબાજી અને ખોટા દેકારામાં પસાર કરી દેવામાં આવે છે. ચાર મહિના બાદ બોર્ડમાં પ્રશ્ર્નની ચર્ચા કરવા માટેનો સમય મળશે. જેમાં ભાજપ અને કોંગ્રેસના 15 કોર્પોરેટરોએ 31 પ્રશ્ર્નો રજૂ કર્યા છે.
સૌપ્રથમ ભાજપના નગરસેવિકા ભારતીબેન મકવાણાના પ્રશ્ર્નની ચર્ચા થશે. આ ઉપરાંત રવજીભાઇ મકવાણા, હિરેનભાઇ ખીમાણીયા, મિત્તલબેન લાઠીયા, કંકુબેન ઉધરેજા, આશાબેન ઉપાધ્યાય, રમીલાબેન સાકરીયા, મિનાબા જાડેજા, બાબુભાઇ ઉધરેજા, મંજુબેન કુગશીયા, ભારતીબેન પરસાણા, મગનભાઇ સોરઠીયા, સુરેશભાઇ વસોયા અને નિલેશભાઇ જલુ દ્વારા પ્રશ્ર્નો રજૂ કરવામાં આવ્યા છે. વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણીના ત્રણ પ્રશ્ર્નોમાં થોડો ઘણો દમ દેખાઇ રહ્યો છે. બાકી ભાજપના તમામ 14 કોર્પોરેટરોએ વાહિયાત પ્રશ્ર્નો રજૂ કર્યાં છે. રાબેતા મુજબ બોર્ડનો એક કલાકનો પ્રશ્ર્નોત્તરી કાળ એક જ પ્રશ્ર્નની ચર્ચામાં વેડફાઇ જશે.
બોર્ડમાં અલગ-અલગ 17 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. જેમાં આવાસ યોજનાના શોપિંગ સેન્ટરોની હરાજી બાદ તેનો દસ્તાવેજ કરી આપવા સહિતની દરખાસ્તોનો સમાવેશ થાય છે.