શહેરીજનોને સિધી અસર કરતા રોગચાળા અને બિસ્માર રોડ-રસ્તાના પ્રશ્ર્નોને બદલે રામવન-ઝૂમાં કેટલા મુલાકાતીઓએ લાભ લીધો તેવા વાહિયાત પ્રશ્ર્નો પૂછ્યા
રાજકોટ મહાનગર પાલિકામાં આગામી 17મી સપ્ટેમ્બરના રોજ મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે. શહેરીજનોના પ્રશ્ર્નો અને સમસ્યાઓની ચર્ચા કરવા માટે દર બે મહિને મળતા બોર્ડમાં જનતાને સિધી અસર કરતા પ્રશ્ર્નો રજૂ કરવાને બદલે પ્રતિનિધિઓ જાણે પ્રશ્ર્નોત્તરી કાળનો એક કલાકનો ટાઇમ પસાર કરવા માટે પ્રશ્ર્નો પૂછતા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. જનરલ બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના 15 કોર્પોરેટરોએ 32 સવાલો રજૂ કર્યા છે. વિપક્ષીનેતા ભાનુબેન સોરાણીના પ્રશ્ર્નોને બાદ કરવામાં આવે તો એકપણ નગરસેવકના સવાલોમાં કોઇ દમ નથી. છેલ્લા ચાર દિવસમાં શંકાસ્પદ મેલેરિયાથી ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા છે. છતા નગરસેવકોએ બોર્ડમાં રોગચાળા અને બિસ્માર રસ્તાઓનો સવાલ પૂછવાને બદલે એકદમ વાહિયાત પ્રશ્ર્નો રજૂ કર્યા છે.
કોર્પોરેશનમાં વણલખી પરંપરા મુજબ જનરલ બોર્ડમાં એક કલાકનો પ્રશ્ર્નોત્તરી કાળ શાસકો અને વિપક્ષના નગરસેવકો ખોટા-ખોટા દેકારા અને સામસામી આક્ષેપબાજીમાં વેડફી નાખે છે. આગામી 17મીએ મળનારી જનરલ બોર્ડની બેઠકમાં ભાજપના 14 કોર્પોરેટરોએ 29 સવાલો રજૂ કર્યા છે. જેમાં સમ ખાવા પૂરતા એકપણ પ્રશ્ર્નમાં દમ નથી કે જે પ્રજાને સિધી અસર કરતો હોય બોર્ડમાં સૌપ્રથમ ભાજપના સિનિયર અને અભ્યાસુ નગરસેવક મનિષભાઇ રાડિયાના પ્રશ્ર્નની ચર્ચા થવાની છે. તેઓએ રામવનમાં આજ સુધી કેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધી અને તેનાથી કેટલી હાલ આવક થઇ અને રામવનમાં સુવિધા કેવી છે. તે ઉપરાંત અન્ય એક પ્રશ્ર્નમાં શહેરમાં નવા ભળેલા વિસ્તારમાં ટ્રાફીક સિગ્નલો મૂકવા અંગે શું આયોજન કરવામાં આવ્યું છે તેવો સવાલ રજૂ કર્યો છે. જ્યારે નરેન્દ્ર ડવે નવી સ્ટ્રીટલાઇટ નાંખવા અને રીપેરીંગ અંગેની કેટલી ફરિયાદો, ટીપરવાનને લગતો પ્રશ્ર્નો 5ૂછ્યો છે. નિતીન રામાણીના પ્રશ્ર્નોમાં થોડો દમ હોય તેવું લાગી રહ્યું છે. તેઓએ પેચવર્ક સંદર્ભે પ્રશ્ર્ન પૂછ્યો છે. બોર્ડમાં આ ત્રણ ઉપરાંત ભાજપના નગરસેવક અશ્ર્વિન પાંભર, વર્ષાબેન રાણપરા, બાબુભાઇ ઉધરેજા, જ્યોત્સનાબેન ટીલાળા, કિર્તીબા રાણા, સંદીપ ગાજીપરા, ડો.અલ્પેશ મોરજરીયા, દિલીપ લુણાગરીયા, નૈનાબેન પેઢડીયા, વર્ષાબેન પાંથી અને જીતુભાઇ કાટોડીયાએ સવાલો રજૂ કર્યા છે. જેમાં શહેરીજનોને સમસ્યાને લગતો એકપણ પ્રશ્ર્ન નથી.
વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ ત્રણ પ્રશ્ર્નો રજૂ કર્યા છે. જેમાં થોડો દમ જણાઇ રહ્યો છે. તેઓએ વોર્ડ નં.1 થી 18માં લાગૂ ટીપી સ્કિમ, કોર્પોરેશન દ્વારા બાંધકામ, વોટર વર્ક્સ, ડ્રેનેજ, બ્રિજ, સોલીડ વેસ્ટ સહિતના વિકાસ કામો ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલી અલગ-અલગ જાહેરાતોની માહિતી માંગી છે.