કોંગી કોર્પોરેટર અને મહિલા પોલીસ વચ્ચે ઝપાઝપી: પર્સ ચેક કરવાના વિરોધમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરોએ સભાગૃહમાં નીચે બેસી વિરોધ પ્રદર્શન કર્યું: બોર્ડમાં ભારે દેકારો
મહિલા ઉપર દુષ્કર્મનો મુદ્દો બોર્ડમાં ઉછળ્યો: કોંગ્રેસે બેનરો ફરકાવ્યા: ૩૧ કોર્પોરેટરોના ૮૧ પ્રશ્ર્નો પૈકી માત્ર એક કોર્પોરેટરના બે પ્રશ્ર્નની જ ચર્ચા
મહાપાલિકામાં દર બે માસે મળતી જનરલ બોર્ડની બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો લોકોને સીધી અસર કરતા પ્રશ્ર્નોની ચર્ચા કરવાને બદલે સામ-સામી આક્ષેપબાજી અને હંગામામાં પ્રશ્ર્નોતરી કાળનો સમય વેડફી નાખતા હોય છે. આજે મહાપાલિકામાં મળેલી જનરલ બોર્ડની બેઠક પૂર્વે ગૃહમાં પ્રવેશ આપતા પહેલા પોલીસે મહિલા કોર્પોરેટરોના પર્સ ચેક કરતા અને અમુક નગર સેવિકાના પર્સ જપ્ત કરી લેતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. લોકશાહીના વસ્ત્રાહરણસમી આ ઘટનામાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરોએ સભાગૃહમાં જમીન પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી દેશમાં મહિલાઓ પર થઈ રહેલા દુષ્કર્મનો મુદ્દો પણ આજે જનરલ બોર્ડમાં ઉછ્ળ્યો હતો. કોંગ્રેસે સભાગૃહમાં બેટી બચાવો ભાજપથી, ભાજપ એટલે બળાત્કારી જનતા પાર્ટી જેવા બેનરો ફરકાવ્યા હતા. આજે બોર્ડમાં ૩૧ કોર્પોરેટરોના ૮૧ પ્રશ્ર્નો પૈકી એક માત્ર કોર્પોરેટરના બે પ્રશ્ર્નોની ચર્ચા થઈ હતી. બાકીનો તમામ સમય ગોકીરામાં પસાર થઈ ગયો હતો.
મહાપાલિકામાં ગત જનરલ બોર્ડની બેઠકમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરોએ મેયર સામે લોલીપોપ ફેંકયાની ઘટના બની હતી. આવી ઘટના ન બને તેના માટે તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા મહિલા કોર્પોરેટરોના પર્સ ચેક કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે મહિલાઓના પર્સ ચેક કરવાની સત્તા કોઈ પાસે નથી અને બોર્ડમાં સભાગૃહમાં પ્રવેશ પૂર્વે મહિલા કોર્પોરેટરના પર્સ ચેક કરવા તેવો કોઈ નિયમ ન હોવા છતાં પોલીસે નિયમ વિરુઘ્ધ કાર્યવાહી કરી હતી. વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરનું પર્સ ચેક કરતી વેળાએ તેમાંથી છાશની બોટલ મળી આવતા પોલીસે આ પર્સ જપ્ત કરી લેવાની કાર્યવાહી કરતા કોર્પોરેટર અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ જવા પામી હતી. મહિલા કોર્પોરેટરોના પર્સ ચેક કરવામાં આવતા હોવાની ઘટનાના વિરોધમાં આજે બોર્ડના આરંભ સાથે જ કોંગ્રેસે સભાગૃહમાં હંગામો મચાવ્યો હતો. કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે માત્ર કોંગ્રેસના જ મહિલા કોર્પોરેટરના ચેક કરવામાં આવે છે અને જપ્ત કરી લેવામાં આવે છે. ભાજપના મહિલા કોર્પોરેટરોને પર્સ ચેક કર્યા વિના જ સભાગૃહમાં પ્રવેશ આપી દેવામાં આવે છે. મહિલા કોર્પોરેટરોના પર્સ જપ્ત કરવામાં આવ્યા છે તે પરત આપવામાં આવે તેવી માંગણી સાથે કોંગ્રેસે બોર્ડમાં હંગામો મચાવ્યો હતો અને કોંગ્રેસના મહિલા નગરસેવિકાઓ પર્સ ચેક કરવાની ઘટનાના વિરોધમાં જમીન બેસી ગયા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
પર્સ ચેક કરવાની ઘટનાને ભાજપના સિનિયર કોર્પોરેટર અને પૂર્વ મેયર ઉદયભાઈ કાનગડે પણ વખોડી કાઢી હતી અને ભવિષ્યમાં આવું ન થાય તેનું ધ્યાન રાખવા સભા અધ્યક્ષને વિનંતી કરી હતી. દરમિયાન મેયરે એવું પણ જણાવ્યું હતું કે, સલામતીના ભાગ‚પે પોલીસે માત્ર મહિલા નગરસેવિકાઓના પર્સ ચેક કર્યા છે જપ્ત કર્યા હોવાની વાત સાવ ખોટી છે આવું કરી કોંગ્રેસ જનરલ બોર્ડને ગેરમાર્ગે દોરી રહ્યું છે.
બોર્ડની એક કલાકની પ્રશ્ર્નોતરીકાળમાં ભાજપ અને કોંગ્રેસના ૩૧ કોર્પોરેટરોએ ૮૧ પ્રશ્ર્નો રજુ કર્યા હતા. જે પૈકી પ્રશ્ર્નોતરીકાળમાં એકમાત્ર કોંગી કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાના રોડ-રસ્તા અને વૃક્ષારોપણને લગતા બે પ્રશ્ર્નોની ચર્ચા થઈ હતી. બાકીનો સમય આક્ષેપ પ્રતિઆક્ષેપ અને ખોટા હંગામામાં પસાર થઈ ગયો હતો. છેલ્લા કેટલાક દિવસથી દેશમાં મહિલાઓ પર દુષ્કર્મના કેસો વધી રહ્યા છે. આજે દુષ્કર્મનો મુદ્દો બોર્ડમાં ઉછળ્યો હતો.
કોંગી કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં મહિલા પર અત્યાચાર બંધ કરો, બળાત્કારીઓને ફાંસી આપો, ના આના ઈસ દેશ મેં લાડો, ભાજપ એટલે બળાત્કારી જનતા પાર્ટી જેવા બેનરો ફરકાવ્યા હતા તો સામાપક્ષે ભાજપે પણ ભર ઉનાળે આજીડેમને નર્મદાના નીરથી ભરી દેનાર રૂપાણી સરકારને અભિનંદન પાઠવતો ઠરાવ પસાર કરી વગર વરસાદે આજીમાં પાણી વાહ રે વાહ.. વિજયભાઈ રૂપાણી જેવા બેનરો ફરકાવ્યા હતા. જનરલ બોર્ડમાં મંજુરી અર્થે રજુ કરવામાં આવેલી ૯ પૈકી ૭ દરખાસ્તો સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી. જયારે સિટી એન્જીનિયર સ્પેશ્યિલની જગ્યા માટે હાથ
ન દોઢીયાની પસંદગી સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. બોર્ડમાં પ્રેક્ષકો માટે ગેલેરી ખુલ્લી રાખવા અંગે કોંગી કોર્પોરેટર અતુલભાઈ રાજાણીએ રજુ કરેલી અરજન્ટ બિઝનેસ દરખાસ્ત નામંજુર કરવામાં આવી હતી. જનરલ બોર્ડની બેઠક પૂર્વે મતદાર જાગૃતિ મંચ દ્વારા કાળા વાવટા ફરકાવી કોર્પોરેશન કચેરી ફરતે ઘેરાવ કરવામાં આવ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,