- જનરલ બોર્ડમાં નામકરણ સહિતની 6 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય: ભાજપના
- 16 કોર્પોરેટરોએ 18 પ્રશ્ર્નો અને કોંગ્રેસના
- બે કોર્પોરેટરોએ 6 પ્રશ્ર્નો રજૂ કર્યા
રાજકોટ મહાનગરપાલિકામાં આગામી 19મી નવેમ્બરના રોજ મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે. કોર્પોરેશનના 51માં સ્થાપના દિવસે જ મળનારી બોર્ડ-બેઠક તોફાની બની રહે તેવા એંધાણ નકારી શકાતા નથી. બહુમાળી ભવન ચોકનું ક્રાંતિકારી “બિરસા મુંડા સર્કલ” નામકરણ કરવા તથા પ્રતિમા મુકવા માટે જગ્યાની ફાળવણી કરવા સહિતની 6 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
બીપીએમસી એક્ટ મુજબ કોર્પોરેશનમાં દર બે મહિને જનરલ બોર્ડ-બેઠક મળે છે. જેમાં એક કલાકના પ્રશ્ર્નોત્તરી કાળમાં ચૂંટાયેલા સભ્યો પ્રજાના પ્રશ્ર્નો અંગે અધિકારીઓ સમક્ષ પૂછાણ કરતા હોય છે. પરંતુ કોર્પોરેશનમાં વણલખી પરંપરા મુજબ પ્રશ્ર્નોત્તરી કાળનો એક કલાકનો સમય ખોટા દેકારામાં પસાર કરી નાંખવામાં આવતો હોય છે. 19મીએ મળનારી જનરલ બોર્ડની બેઠકમાં ભાજપના 16 કોર્પોરેટરોએ 18 પ્રશ્ર્નો જ્યારે કોંગ્રેસના બે કોર્પોરેટરોએ 6 પ્રશ્ર્નો રજૂ કર્યા છે. વોર્ડ નં.12ના કોર્પોરેટર મગનભાઇ સોરઠીયાના અમૃત મિશન યોજનાને લગતા પ્રશ્ર્નની અને કોર્પોરેશનને છેલ્લા બે વર્ષમાં કેટલી ગ્રાન્ટ મળી અને કેટલી ગ્રાન્ટ વાપરવામાં આવી તેની માહિતી માંગી છે. આ ઉપરાંત બોર્ડમાં ભારતીબેન પાડલીયા, કંચનબેન સિધ્ધપુરા, કેતનભાઇ ઠુમ્મર, મંજુબેન કુંગશીયા, વિનુભાઇ સોરઠીયા, કંકુબેન ઉધરેજા, કોમલબેન ભારાઇ, સંજયસિંહ રાણા, જયશ્રીબેન ચાવડા, હાર્દિક ગોહિલ, પુષ્કર પટેલ, અલ્પાબેન દવે, પરેશ પીપળીયા, હિરેન ખીમાણીયા, સોનલબેન સેલારા, ડો.દર્શનાબેન પંડ્યા અને વશરામભાઇ સાગઠીયાએ પ્રશ્ર્નો રજૂ કર્યા છે. કોંગ્રેસના કોર્પોરેટરના પ્રશ્ર્નનો ક્રમ આઠમો અને 18મો હોય પ્રશ્ર્નોત્તરી કાળમાં તેની ચર્ચા થવાની શક્યતા નહિંવત જણાઇ રહી છે.
જનરલ બોર્ડમાં કોર્પોરેશનમાં ફરજ બજાવતા સફાઇ કામદારોને સેવા નિવૃત્તિ આપી તેમની જગ્યાએ વારસદારને નિમણુંક આપવા, વોર્ડ નં.2માં રેસકોર્ષ રિંગ રોડ પર બહુમાળી ભવન પાસે આવેલા સર્કલનું ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલ નામકરણ કરવા અને તેઓની પ્રતિમા મુકવા માટે જગ્યા ફાળવવા, નાયબ મ્યુનિ.કમિશનરને 10 લાખ સુધીના ખર્ચ અને કરાર કરવાની સત્તા આપવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ફરજ બજાવતા પાર્ટ ટાઇમ હમાલનો પગાર વધારવા, વોર્ડ નં.3માં મુસ્લિમ લાઇનમાં તથા જૂની લોધાવાડ પોસ્ટ ઓફિસવાળા ઢાળીયા પાસે પે એન્ડ યુઝ ટોયલેટ તથા નરસંગપરામાં કોમ્યુનિટી ટોયલેટ દૂર કરવા સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. કોર્પોરેશનના 51માં સ્થાપના દિને મળનારી જનરલ બોર્ડની બેઠકમાં નગરસેવકો શાંત રહી શહેરીજનોને અસર કરતા પ્રશ્ર્નોની તંદુરસ્ત ચર્ચા કરશે કે પછી દર વખતની જેમ ખોટા દેકારા અને આક્ષેપબાજીમાં સમય વેડફી નાંખશે તેના પર મીટ મંડાયેલી રહેશે.