સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા રૂા.૨૧૩૨ કરોડના બજેટને જનરલ બોર્ડમાં અપાશે આખરી બહાલી: પ્રશ્ર્નોતરી નહીં, માત્ર બજેટ પર જ થશે ચર્ચા

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૦-૨૧નું રૂા.૨૧૩૨ કરોડનું બજેટ ગઈકાલે સ્ટેન્ડિંગ કમીટી દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું. બજેટને આખરી બહાલી આપવા માટે મેયર બીનાબેન આચાર્ય દ્વારા આગામી ૧૯મી ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧ કલાકે જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે. બોર્ડ સામાન્ય હોવા છતાં તેમાં નગર સેવકોના કોઈપણ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે નહીં. માત્ર બજેટ પર જ ચર્ચા થશે.

આગામી ૧૯મીએ મળનારી જનરલ બોર્ડની બેઠકમાં વર્ષ ૨૦૧૯-૨૦નું રિવાઈઝડ બજેટ તથા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧નું વાર્ષિક અંદાજપત્ર મંજૂર કરવા, આગામી નાણાકીય વર્ષ માટે સામાન્ય કર, શિક્ષણ ઉપકર નિયત કરવા, પાણી દર નિયત કરવા, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા, વાહન વેરાનો દર નિયત કરવા, થીટર ટેકસ નક્કી કરવા, ખુલ્લા પ્લોટ પરનો ટેકસ નકી કરવા, નાણાકીય વર્ષના મિલકત વેરામાં વળતર યોજના મંજૂર કરવા, ઓનલાઈન પેમેન્ટમાં વળતર આપવા અંગેનો નિર્ણય મંજૂર કરવા, કાર્પેટ એરીયા આધારીત વેરા પધ્ધતિના નિયમમાં ફેરફાર કરવા તથા નગર પ્રાથમિક શિક્ષણ સમીતીનું વાર્ષિક અંદાજપત્ર મંજૂર કરવા સહિતની ૧૧ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

સામાન્ય રીતે જનરલ બોર્ડમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન નગરસેવકોના અલગ અલગ પ્રજાલક્ષી પ્રશ્નની ચર્ચા કરવામાં આવતી હોય છે અને તેના નિરાકરણ માટે નિર્ણય લેવામાં આવતો હોય છે. પરંતુ આગામી ૧૯મીએ મળનારી જનરલ બોર્ડની બેઠકમાં બજેટ મંજૂર કરવાનું હોય. પ્રશ્નોતરી કાળ રહેશે નહીં, નગર સેવકો માત્ર બજેટના પ્રશ્નો જ રજૂ કરી શકશે અને તેના પર ચર્ચા કરશે. છેલ્લા ઘણા વર્ષોથી બજેટનું કદ મહાકાય હોય છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. બજેટ ૫૦ થી ૬૦ ટકાએ માંડ પહોંચે છે. આવામાં ચાલુ ટર્મના અંતિમ બજેટમાં વિપક્ષ બજેટમાં જે ૨૪ યોજનાનો સમાવેશ કર્યો છે તે યોજનાઓ સાકાર થશે કે કેમ તેના સવાલો ઉઠાવી શાસકોને ઘેરવાનો પ્રયાસ કરે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.