અલગ-અલગ ૮ દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય: બોર્ડનો પ્રશ્ર્નોતરીકાળ વધુ એક વખત તોફાની બની રહે તેવી સંભાવના
રાજકોટ મહાનગરપાલિકામાં આગામી ૧૩મી ઓગસ્ટનાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે જનરલ બોર્ડની બેઠક મળશે જેમાં અલગ-અલગ ૮ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. બોર્ડનો પ્રશ્નોતરીકાળ વધુ એક વખત તોફાની બની રહે તેવા સ્પષ્ટ એંધાણ વર્તાય રહ્યા છે. કારણકે બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસનાં ૨૭ કોર્પોરેટરોએ ૬૩ પ્રશ્નો રજુ કર્યા છે.
આગામી ૧૩મી ઓગસ્ટનાં રોજ મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે સ્વ.રમેશભાઈ છાયા સભાગૃહમાં મળનારી જનરલ બોર્ડની બેઠકનાં પ્રશ્નોત્તરી કાળમાં ભાજપનાં ૧૪ નગરસેવકોએ ૨૭ પ્રશ્નો જયારે કોંગ્રેસનાં ૧૩ નગરસેવકોએ ૩૩ પ્રશ્નો રજુ કર્યા છે. સૌથી પહેલા ભાજપનાં કોર્પોરેટર અને બાંધકામ સમિતિનાં ચેરમેન મનિષભાઈ રાડિયાનાં વોટર વર્કસ, પ્રોજેકટ, એસ્ટેટ અને સ્માર્ટ સિટી અંગેનાં પ્રશ્નો પર ચર્ચા થશે. સામાન્ય રીતે પ્રશ્નોતરીકાળનો એક કલાકનો સમય એક પ્રશ્નની ચર્ચામાં વેડફાઈ જતો હોય છે. પ્રથમ ૪ ક્રમે ભાજપનાં જ કોર્પોરેટરોનાં સવાલો હોય કોંગ્રેસે વધુ એક વખત જનરલ બોર્ડમાં માત્ર દેખાવ પુરતી જ હાજરી આપવાની રહેશે. તેઓનાં એક પણ પ્રશ્નની ચર્ચા પ્રશ્નોતરીકાળમાં થશે નહીં. પ્રેક્ષક ગેલેરી પણ લોકો માટે ખુલ્લી રાખવામાં આવશે.
ચીનનાં જીયોજોઉ શહેર સાથે રાજકોટ મહાપાલિકાએ ટવીન સિટી કરાર કરવા મ્યુનિસિપલ કમિશનરને અધિકૃત કરવા, નાકરાવાડી ખાતેનાં વેસ્ટ પ્રોસેસ પ્લાન્ટનો ઈમલો તોડી પાડવા, સ્વીમીંગ પુલમાં જુનિયર તાલીમ માસ્ટરની ૭ હંગામી જગ્યાનો કાયમી સેટઅપમાં સમાવેશ કરવા, ઝુમાં ૩ એનીમલ કીપરની હંગામી જગ્યાનો કાયમી સેટઅપમાં સમાવેશ કરવા, ઓડિટ શાખાનાં જુનિયર કલાર્ક વર્ગ-૩ની જગ્યાનાં ભરતીનાં નિયમમાં સુધારો કરવા, વોર્ડ નં.૯માં નવનિર્માણ પામેલી લાયબ્રેરીનું બાબુભાઈ વૈદ્ય નામકરણ તથા મવડી બ્રિજનું અટલ બિહારી બાજપેયી બ્રિજ નામ કરવા સહિતની અલગ-અલગ ૮ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.