ખેડૂતને વારસાઈ એન્ટ્રી પડાવવાના બહાને છેતરી સાટાખાતમાં સહી કરાવી લીધી
શહેર પોલીસ દફતરે વધુ એક જમીન કૌભાંડ નોંધાયું છે. ઘંટેશ્વરના ખેડુતની કરોડો રૂપીયાની જમીન પચાવી પાડવા માટે થાન નગરપાલીકાના પૂર્વ સભ્ય, એડવોકેટ અને નોટરી સહિત પાંચ શખ્સે કાવતરૂ રચ્યું હતુ. પોલીસે ગુનો નોધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ઘંટેશ્વરમાં રહેતા ખેડુત માવજીભાઈ ઘેલાભાઈ સીતાપરાએ સાયલાના સીતાગઢના રસીક દેવશી થેરેસા, થાનગઢ પાલીકાના પૂર્વ સભ્ય જગદીશ બેચર કોળી, લોધિકાના ઈશ્વરીયા ગામના લખન ઘઉસા ડાંગર, રાજકોટના મહિલા વકીલ એમ.જે. વાઘેલા અને નોટરી એમ.જે. ઠકકર સામે ફરિયાદ નોંધાવી છે.
માવજીભાઈએ જણાવ્યું હતુ કે, ઘંટેશ્વરમાં તેમની પાંચ એકર ચાર ગૂંઠા જમીન આવેલી છે જે પચાવવા માટે આરોપીઓએ કાવતરૂ ઘડયું હતુ માવજીભાઈના સસરા ઈશ્વરીયામાં રહેતા હોય લખન ડાંગરે વિશ્ર્વાસ કેળવી જમીન વેચાણના સોદા અંગે વાતચીત કરી હતી અને કેટલાક દસ્તાવેજો પર માવજીભાઈની સહી લેવાના પ્રયાસ કર્યા હતા જોકે રકમ હાથ આવ્યા બાદ સહી કરશે તેવું ખેડુતે કહેતા આરોપીઓએ નવી ચાલ ખેલી હતી.
જમીન વેચાણ તે પહેલા વારસાઈ એન્ટ્રી કરાવી લો તેવી લખન ડાંગરે વાત કરી હતી અને વકીલ તથા નોટરીની પોતે જ વ્યવસ્થા કરી દેશે તેમ કહ્યું હતુ વકીલએમ.જે. વાઘેલાએ માવજીભાઈના નામે સ્ટેમ્પ પેપર ખરીદી વારસાઈ એન્ટ્રીના સોગંદનામાં તૈયાર કરાવ્યા હતા, જેમાં નોટરી એમ.જે. ઠકકરે વારસાઈ એન્ટ્રીના છેલ્લા પેજ પર સિફતપૂર્વક ચાર લાઈન જ લખી તેમાં માવજીભાઈ અને તેના પુત્રની સહી કરાવી સ્ટેમ્પ મારી રસીક થરેસાના નામે બોગસ સાટાખત ઉભુ કરી તે કોર્ટમાં ખરા તરીકે રજૂ કરી બોગસ દસ્તાવેજ બનાવી નાખ્યો હતો.