આંદોલનને સફળ બનાવવા બદલ જીબીઆના હોદેદારોએ તમામ એન્જિનિયર્સ અને વીજ કર્મચારીઓનો આભાર માન્યો
‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લેતા જીબીઆના સેક્રેટરી જનરલ બી.એમ.શાહ, જનરલ સેક્રેટરી ડી.એમ.સાવલિયા, મીડિયા ક્ધવીનર જે.યુ.ભટ્ટ, સંકલન મંત્રી જેટકો આર.બી.સાવલિયા અને સર્કલ સેક્રેટરી પી.સી.ભારદ્વાજ
વીજ કર્મચારીઓના હક્ક મેળવવામાં અહમ ભૂમિકા ભજવનાર જીઇબી એન્જીનિયર્સ એસોસિએશનના હોદેદારોએ તમામ એન્જીનિયર્સ, વીજ કર્મચારીઓએ અને મીડિયાનો આભાર માનવા અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ વેળાએ જીબીઆના સેક્રેટરી જનરલ બી.એમ.શાહ, જનરલ સેક્રેટરી ડી.એમ.સાવલિયા, સંકલન મંત્રી જેટકો આર.બી.સાવલિયા, સર્કલ સેક્રેટરી રાજકોટ પી.સી.ભારદ્વાજ અને મીડિયા ક્ધવીનર જે.યુ.ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન જીબીઆના સેક્રેટરી જનરલ બીપીનભાઈ શાહે જણાવ્યું હતું જે જીબીઆ એન્જીનિયર્સના પ્રશ્ને સતત કાર્યરત રહેશે અને જરુર પડયે સંગઠન શક્તિનો પરચો પણ બતાવતું રહેશે.
બીપીનભાઈ શાહે વધુમાં જણાવ્યું કે જીબીઆ સમગ્ર ગુજરાયના 6000 એન્જીનિયર્સનું સંગઠન છે. ઘણા સમયથી એન્જીનિયર્સને ન્યાય અપાવવા જીબીઆ સક્રિય છે. વર્ષ 2019માં જીબીઆ, એજીવીકેએસ સહિતના સંગઠનોએ જોડાઈને સંયુક્ત સંકલન સમિતિની રચના કરી હતી. ત્યારે આંદોલન કર્યું હતું. તેના પગલે 11/16થી એરીયર્સ સહિતના ભથ્થા આપવા મંજૂરી તો મળી ગઈ હતી. પણ સરકાર કક્ષાએ તે પેન્ડિંગ રહી હતી. આ વેળાએ 6 યુનિયનોએ મહાસંગઠન રચીને બધાએ એક જ વિષયને લઈને હડતાલની નોટિસ આપી હતી. ત્યારબાદ નાછૂટકે 300થી વધુ જગ્યાએ સૂત્રોચ્ચારના કાર્યક્રમ કરવા પડ્યા હતા.
આ માટે અમદાવાદમાં બેઠક પણ યોજી હતી.જ્યાં તમામ હોદેદારોએ અને સભ્યોએ કોઈ પણ હિસાબે પોતાનો હક્ક મેળવી લેવાની નિર્ધારિત કર્યું હતું. ત્યાં સુધીની તૈયારી રાખી હતી કે કોઈ હોદેદારની ધરપકડ કે બદલી કરી હેરાન કરે તો વીજળીક હડતાલ શરૂ કરી દેવી. ઉપરાંત પરિવારના સભ્યોને પણ રસ્તા ઉપર ઉતારી દઇ આંદોલનમાં જોડવાની તૈયારી બતાવવામાં આવી હતી.
વધુમાં બીપીનભાઈ શાહે જણાવ્યું કે આ સંગઠનની શક્તિના કારણે મક્કમતાથી ન્યાયિક માંગણી સંતોષાય હતી. આ હક્ક માટેની રજુઆત હતી. જેને કોરોનાના નામે અગાઉ દબાવી દેવામાં આવી હતી. મીડિયાના સહકારથી અમને બળ મળ્યું હતું અને સરકારમાં પડઘો પડ્યો હતો.
કોરોનાકાળમાં જાનના જોખમે ફરજ બજાવતા વીજ કર્મચારીઓ કોરોના વોરીયર્સ નહિ?
બીપીનભાઈ શાહે અણિયારો સવાલ ઉઠાવ્યો હતો કે કોરોનાકાળમાં જાનના જોખમે ફરજ બજાવતા વીજ કર્મચારીઓ કોરોના વોરીયર્સ કેમ નહિ ? વીજ કર્મચારીઓ ક્ધટેઇન્ટમેન્ટ ઝોનમાં ફરજ બજાવતા હતા. કોરોનાગ્રસ્તોના ઘર પાસે જઈને વીજ વિક્ષેપ નિવારવાનું કામ કરતા હતા. વીજ કચેરીમાં પણ ગ્રાહકોનો ધસારો સતત ચાલુ રહેતો હતો. આમ વીજ કર્મચારીઓ જાનના જોખમે ફરજ બજાવતા હતા. પણ જ્યારે વાત રસીકરણની આવી ત્યારે તેમાંથી વીજ કર્મચારીઓને બાકાત રાખવામાં આવ્યા છે. આ અંગે જીયુવીએનએલ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે. પણ તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વધુમાં કંપની પણ આ અંગે નિર્ણય લઈ શકતી હોય તેને પણ રજુઆત કરવામાં આવશે.
બિલ્ડરોની પ્રીમાઈસીસમાં વિજ ટ્રાન્સફર્મરો પ્રસ્થાપીત થાય તો રોડ રસ્તામાં અડચણ રૂપ બનતા થાંભલાઓ દૂર થઈ શકે
રાજકોટ શહેર વિસ્તારમાં છેલ્લા 4-5 વર્ષથી કુદકેને ભુસ્કે વધી રહ્યું છે. બીજી તરફ મોટા શહેરોમાં બિલ્ડીંગમાં માટે 22 માળથી લઈને 70 માળ સુધીની મંજૂરી આપવામાંઆવી રહી છે. શહેર વિસ્તારમાં જે બહુમાળી બિલ્ડીંગ બને છે તે બિલ્ડીંગોના એલીવેશન ખરેખર શહેરના બ્યુટીફીકેશનને વધારે છે. સરકાર મોટા શહેરોને સ્માર્ટ સીટી બનાવવાની મહેચ્છા ધરાવે છે. જયારે આવા બહુમાળી બિલ્ડીંગોમાં વિજ પૂરવઠો માગવામા આવે છે ત્યારે વિજ કંપની દ્વારા બહુમાળી બિલ્ડીંગમાં આગળના ભાગમાં વિજ પૂરવઠાની લોડ માંગણીના અનુસંધાને 1 થી વધુ ટ્રાન્સફોર્મર ઉભા કરી વિજ સપ્લાય આપવામાં આવે છે. જે ખરેખર સરકારના સ્માર્ટ સીટીના સ્વપ્નને રોળી નાખે છે.
જો રાજય સરકાર સ્માર્ટ સીટીમાટે કમર કસતી હોયતો શહેરી અને આજુબાજુના વિસ્તારોમાં વિજ થાંભલાઓને બદલે અંડરગ્રાઉન્ડ કેબલો દ્વારા બિલ્ડરોની પ્રીમાઈસીસની જગ્યાઓમાં ફાળવણી કરી વિજ ટ્રાન્સફર્મરો પ્રસ્થાપીત કરવામાં આવે તો રોડ રસ્તાઓ પર અડચણ રૂપ થાંભલાઓ દૂર થાય બિલ્ડરોના પ્લાનમાં વિજ કંપનીઓના ટ્રાન્સફર્મરોને ગ્રાઉન્ડ ફલોરમાં અલગથી જગ્યા ફાળવણી કરી મૂકવામાં આવે તો સ્માર્ટ સીટીનું સ્વપ્ન સાકાર થઈ શકે તેમ છે.